Loading Please Wait !!!
ગુજરાતના મુખ્યમંત્રીથી વ્હાઇટ હાઉસ સુધી મોદીની સફર

 

  • સમયની સાથે ભારત અને અમેરિકાના સંબંધોમાં આવ્યા નોંધપાત્ર ઉતાર-ચઢાવ

  • મુશ્કેલ પરિસ્થિતિઓ અને વિવાદોને પાર કરીને મજબૂત બન્યા દ્વિપક્ષીય સંબંધો

  • વૈશ્વિક અર્થવ્યવસ્થા અને બદલાતી દુનિયામાં ભારત-અમેરિકાની વધતી ભાગીદારી

  • અટલ રાજદને અને મજબૂત નેતૃત્વ દ્વારા આકાર પામેલી અદભુત રણનીતિ

સિટી ન્યુઝ @ વિશેષ લેખ

ગુજરાતના મુખ્યમંત્રીથી લઈને વ્હાઇટ હાઉસ સુધીની નરેન્દ્ર મોદીની અમેરિકા સાથેની ૨૫ વર્ષથી વધુની સફર એ આંતરરાષ્ટ્રીય રાજકારણ અને કૂટનીતિનો એક અત્યંત રોચક અને પ્રેરણાદાયી અધ્યાય છે. એક સમયના વિઝા વિવાદથી શરૂ થયેલી આ યાત્રા આજે વૈશ્વિક વ્યૂહાત્મક ભાગીદારી સુધી પહોંચી છે. આ લાંબા સમયગાળામાં બરાક ઓબામા, ડોનાલ્ડ ટ્રમ્પ, જો બાઇડન અને ફરીથી ટ્રમ્પ જેવા અમેરિકી રાષ્ટ્રપતિઓ સાથેના સંબંધોમાં અનેક ઉતાર-ચઢાવ આવ્યા, પરંતુ સમયની સાથે બંને દેશો વચ્ચેના સંબંધો વધુ ગાઢ બનતા ગયા. ‘હાઉડી મોદી’ અને હ્યુસ્ટન જેવા ભવ્ય આયોજનોએ આ સંબંધોને જન-જન સુધી પહોંચાડવામાં મોટી ભૂમિકા ભજવી છે.

આ ૨૫ વર્ષની સફરમાં સંબંધોનો વિકાસ ‘અંતરથી સંવાદ, સંવાદથી ભાગીદારી અને ભાગીદારીથી વ્યૂહાત્મક સહકાર’ ના તબક્કાવાર ક્રમમાં આગળ વધ્યો છે. સંરક્ષણ, ટેકનોલોજી, વેપાર અને વૈશ્વિક સુરક્ષા જેવા ક્ષેત્રોમાં ભારત અને અમેરિકા આજે ખભેખભો મિલાવીને ચાલી રહ્યા છે. બદલાતી વૈશ્વિક પરિસ્થિતિઓ અને નવા ભૌગોલિક-રાજકીય પડકારો વચ્ચે હવે સૌથી મોટો સવાલ એ છે કે ભારત અને અમેરિકા પોતાની આ મજબૂત ભાગીદારીને ભવિષ્યમાં કઈ નવી દિશામાં લઈ જશે અને વિશ્વ શાંતિમાં કેવું યોગદાન આપશે.

 વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઇ મોદી અને અમેરિકા સાથેના સંબંધોની ૨૫ વર્ષથી વધુની સફર ૨૦૦૧-૨૦૦૪ ગુજરાતના મુખ્‍યમંત્રી તરીકે અમેરિકન સંબંધોનું પ્રથમ અધ્‍યાય, નરેન્‍દ્રભાઇ મોદી ઓક્‍ટોબર ૨૦૦૧માં ગુજરાતના મુખ્‍યમંત્રી બન્‍યા ત્‍યારથી જ ગુજરાતના ઔદ્યોગિક વિકાસ અને વૈશ્વિક રોકાણને મહત્‍વ આપવામાં આવ્‍યું હતું. ગુજરાતમાં અમેરિકન કંપનીઓ, ઉદ્યોગપતિઓ અને પ્રવાસી ભારતીય સમુદાય સાથેના સંપર્કો પણ આ સમયગાળામાં મહત્‍વના બન્‍યા. જોકે ૨૦૦૨ની ગુજરાત હિંસા પછી અમેરિકા અને નરેન્‍દ્રભાઇ મોદી વચ્‍ચેનો રાજદ્વારી સંબંધ ગંભીર રીતે મુશ્‍કેલ બન્‍યો. માર્ચ ૨૦૦૫માં અમેરિકાએ મોદીની ડિપ્‍લોમેટિક વિઝા અરજી નામંજૂર કરી હતી અને તેમનો અગાઉનો બિઝનેસ/ટૂરિસ્‍ટ વિઝા પણ રદ કર્યો હતો.

૨૦૦૫-૨૦૧૩ : વિઝા વિવાદ અને રાજદ્વારી અંતર

૨૦૦૫ પછી લગભગ એક દાયકા સુધી નરેન્‍દ્રભાઇ મોદી અમેરિકાની મુલાકાત લઈ શકયા નહોતા. અમેરિકન સરકારની નીતિ મુજબ તેમને વિઝા માટે અરજી કરવાની તક હતી, પરંતુ અમેરિકાએ અગાઉના નિર્ણયમાં ફેરફાર જાહેર કર્યો નહોતો. ૨૦૧૩માં પણ અમેરિકન અધિકારીઓએ જાહેરમાં જણાવ્‍યું હતું કે મોદીને લગતી વિઝા નીતિમાં કોઈ ફેરફાર થયો નથી, સાથે સાથે ગુજરાતમાં અમેરિકન કંપનીઓ અને વેપારી હિતો અંગે અમેરિકાનો સંપર્ક ચાલુ રહ્યો હતો.

૨૦૧૩-૨૦૧૪ : બદલાતી પરિસ્‍થિતિ અને નવી શરૂઆત

૨૦૧૩ના અંત સુધીમાં અમેરિકન અધિકારીઓ અને મોદીની મુલાકાતનો નવો તબક્કો શરૂ થયો. ફેબ્રુઆરી ૨૦૧૪માં અમેરિકન સ્‍ટેટ ડિપાર્ટમેન્‍ટે પણ સ્‍પષ્ટ કર્યું કે અમેરિકન અધિકારીઓ દ્વારા ગુજરાતના નેતાઓ સાથે સંપર્ક વધારવો એ વ્‍યાપક બિઝનેસ અને લોકો વચ્‍ચેના સંબંધો સાથે જોડાયેલો હતો. મે ૨૦૧૪માં નરેન્‍દ્રભાઇ મોદી ભારતના વડાપ્રધાન બન્‍યા પછી પરિસ્‍થિતિમાં મોટો રાજદ્વારી ફેરફાર આવ્‍યો.

સપ્‍ટેમ્‍બર ૨૦૧૪ : વિઝા વિવાદમાંથી વ્‍હાઇટ હાઉસ સુધી

વડાપ્રધાન બન્‍યા બાદ નરેન્‍દ્રભાઇ મોદીની પ્રથમ અમેરિકા મુલાકાત ૨૬-૩૦ સપ્‍ટેમ્‍બર ૨૦૧૪ દરમિયાન થઈ. રાષ્‍ટ્રપતિ બરાક ઓબામા સાથે તેમની વોશિંગ્‍ટનમાં મુલાકાત થઈ અને ન્‍યૂયોર્કમાં સંયુક્‍ત રાષ્‍ટ્ર મહાસભામાં પણ તેમણે ભાગ લીધો. ભારતના વિદેશ મંત્રાલયે આ પ્રવાસને ભારત-અમેરિકા વ્‍યૂહાત્‍મક ભાગીદારીમાં નવી દિશા આપનાર પ્રવાસ તરીકે નોંધ્‍યો હતો.

આ પ્રવાસ દરમિયાન ૨૮ સપ્‍ટેમ્‍બર ૨૦૧૪ના રોજ ન્‍યૂયોર્કના મેડિસન સ્‍ક્‍વેર ગાર્ડનમાં ભારતીય અમેરિકન સમુદાયના વિશાળ કાર્યક્રમમાં મોદીએ સંબોધન કર્યું, ત્‍યારબાદ ભારત સરકારે પીઆઈઓ કાર્ડની આજીવન માન્‍યતા, અમેરિકન નાગરિકો માટે લાંબા ગાળાના વિઝા સહિતના કેટલાક પ્રવાસી-સંબંધિત પગલાં આગળ વધાર્યા.

૨૦૧૫ : ઓબામા સાથે વધતી નિકટતા

જાન્‍યુઆરી ૨૦૧૫માં અમેરિકન રાષ્‍ટ્રપતિ બરાક ઓબામા ભારતના પ્રજાસત્તાક દિવસના મુખ્‍ય અતિથિ બન્‍યા. મોદીના કાર્યકાળમાં આ એક મહત્‍વપૂર્ણ રાજદ્વારી સંકેત હતો. બંને દેશોએ રક્ષા, પરમાણુ ઊર્જા, આર્થિક સહકાર, સ્‍વચ્‍છ ઊર્જા અને વ્‍યૂહાત્‍મક ભાગીદારી જેવા ક્ષેત્રોમાં સંવાદ આગળ વધાર્યો. ભારત-અમેરિકા સંબંધો હવે માત્ર વેપાર સુધી મર્યાદિત ન રહ્યા અને રક્ષા તથા વ્‍યૂહાત્‍મક ક્ષેત્રોમાં પણ વધુ ઊંડા બનવા લાગ્‍યા.

૨૦૧૬ : અમેરિકન કોંગ્રેસમાં મોદીના ભાષણથી નવો અધ્‍યાય

જૂન ૨૦૧૬માં નરેન્‍દ્રભાઇ મોદીએ અમેરિકન કોંગ્રેસના સંયુક્‍ત સત્રને સંબોધિત કર્યું, રક્ષા સહકાર, આતંકવાદ સામેની ભાગીદારી અને એશિયા-પેસિફિક ક્ષેત્રમાં સહકાર જેવા મુદ્દાઓ પર બંને દેશો વચ્‍ચે સંબંધો આગળ વધ્‍યા. આ સમયગાળામાં ભારત-અમેરિકા રક્ષા સંબંધો વધુ મજબૂત બન્‍યા અને બંને દેશોએ સંરક્ષણ ટેકનોલોજી તથા સહ-વિકાસ અંગે સહકાર વધારવાનો માર્ગ અપનાવ્‍યો.

૨૦૧૭ : ટ્રમ્‍પ યુગની શરૂઆત

ડોનાલ્‍ડ ટ્રમ્‍પ અમેરિકાના રાષ્‍ટ્રપતિ બન્‍યા બાદ મોદીએ તેમના સાથે નવા તબક્કાના સંબંધો વિકસાવ્‍યા. જૂન ૨૦૧૭ની મુલાકાત દરમિયાન બંને નેતાઓએ રક્ષા, ઊર્જા, આતંકવાદ વિરોધી સહકાર, વેપાર અને ટેકનોલોજી જેવા મુદ્દાઓ પર ચર્ચા કરી, બંને દેશોએ વ્‍યૂહાત્‍મક અને સુરક્ષા સહકારને આગળ વધારવાની પ્રતિબદ્ધતા વ્‍યક્‍ત કરી.

૨૦૧૮-૨૦૨૦ : રક્ષા સંબંધોમાં સંસ્‍થાકીય મજબૂતી

આ સમયગાળામાં ભારત-અમેરિકા રક્ષા સંબંધોમાં મહત્‍વપૂર્ણ સંસ્‍થાકીય પ્રગતિ થઈ, LEMOA, COMCASA અને બાદમાં BECA જેવા કરારો દ્વારા બંને દેશોની સૈન્‍ય સહકાર ક્ષમતા અને સંરક્ષણ સંચાર-માહિતી સહકારનો વિસ્‍તાર થયો. સાથે જ ૨+૨ મંત્રી સ્‍તરીય સંવાદની શરૂઆત થઈ. ભારતના વિદેશ મંત્રાલયે ૨૦૨૦માં નોંધ્‍યું હતું કે રક્ષા, કાઉન્‍ટર-ટેરરિઝમ, ઊર્જા, વેપાર અને ઇન્‍ડો-પેસિફિક સહિત અનેક ક્ષેત્રોમાં સંબંધોનો વ્‍યાપ વધ્‍યો હતો.

૨૦૧૯ : “Howdy Modi”થી ભારતીય-અમેરિકન સમુદાય સુધી

સપ્‍ટેમ્‍બર ૨૦૧૯માં નરેન્‍દ્રભાઇ મોદી અમેરિકાની મુલાકાતે ગયા ત્‍યારે હ્યુસ્‍ટનમાં “Howdy, Modi!” કાર્યક્રમમાં રાષ્‍ટ્રપતિ ડોનાલ્‍ડ ટ્રમ્‍પ સાથે મંચ શેર કર્યો, ત્‍યારબાદ બંને નેતાઓએ ન્‍યૂયોર્કમાં પણ મુલાકાત કરી. આ પ્રસંગે ભારતીય મૂળના અમેરિકન સમુદાયની ભૂમિકા અને ભારત-અમેરિકા સંબંધોની જાહેર રાજદ્વારીને વિશેષ ધ્‍યાન મળ્‍યું. ભારતના વિદેશ મંત્રાલયે ૨૦૧૯ના સંબંધોને રક્ષા, ઊર્જા, વેપાર, કાઉન્‍ટર-ટેરરિઝમ અને ઇન્‍ડો-પેસિફિક સહિતના ક્ષેત્રોમાં વિસ્‍તરતા ગણાવ્‍યા હતા.

૨૦૨૦ : કોરોના વચ્‍ચે પણ વ્‍યૂહાત્‍મક સંવાદ ચાલુ

કોરોના મહામારી દરમિયાન ભૌતિક મુલાકાતો મર્યાદિત રહી, પરંતુ ભારત અને અમેરિકા વચ્‍ચેનો ઉચ્‍ચસ્‍તરીય સંવાદ ચાલુ રહ્યો. ૨+૨ સંવાદમાં રક્ષા અને વ્‍યૂહાત્‍મક મુદ્દાઓ ઉપરાંત પ્રાદેશિક તથા વૈશ્વિક પરિસ્‍થિતિ અંગે ચર્ચા થઈ. આ સમયગાળામાં ભારત-અમેરિકા સહકારનો મુખ્‍ય આધાર ઇન્‍ડો-પેસિફિક, સુરક્ષા અને વ્‍યૂહાત્‍મક ભાગીદારી બનતો ગયો.

૨૦૨૧-૨૦૨૨ : બાઇડન યુગ અને કવાડ

જો બાઇડન રાષ્‍ટ્રપતિ બન્‍યા પછી ભારત-અમેરિકા સંબંધોમાં કવાડ, ઇન્‍ડો-પેસિફિક, ક્‍લાઇમેટ, ટેકનોલોજી અને સપ્‍લાય ચેઇન જેવા મુદ્દાઓનું મહત્‍વ વધ્‍યું . સપ્‍ટેમ્‍બર ૨૦૨૧માં મોદીએ અમેરિકાની મુલાકાત દરમિયાન પ્રથમ રૂબરૂ Quad Leaders' સમીટમાં ભાગ લીધો અને રાષ્‍ટ્રપતિ બાઇડન સાથે દ્વિપક્ષીય બેઠક કરી, ત્‍યારબાદ ૨૦૨૨માં પણ બંને નેતાઓની નિયમિત મુલાકાતો અને સંવાદ ચાલુ રહ્યા.

૨૦૨૩ : સંબંધોમાં ટેકનોલોજી અને રક્ષા સહકારનો નવો તબક્કો

જૂન ૨૦૨૩માં નરેન્‍દ્રભાઇ મોદીની અમેરિકાની પ્રથમ સ્‍ટેટ વિઝિટ થઈ. તેમણે અમેરિકન કોંગ્રેસના સંયુક્‍ત સત્રને બીજી વખત સંબોધિત કર્યું. આ પ્રવાસ દરમિયાન રક્ષા, સેમિકન્‍ડક્‍ટર, અવકાશ, કળત્રિમ બુદ્ધિ, ક્‍વાન્‍ટમ ટેકનોલોજી, સ્‍વચ્‍છ ઊર્જા અને વેપાર સહિતના ક્ષેત્રોમાં સહકારને નવી દિશા મળી. ભારતના વિદેશ મંત્રાલયે ૨૦૨૩ને ભારત-અમેરિકા સંબંધોમાં ટેકનોલોજી અને રક્ષા સહકારના દૃષ્ટિકોણથી મહત્‍વપૂર્ણ વર્ષ ગણાવ્‍યું હતું.

આ સમયગાળામાં iCET — Initiative on Critical and Emerging Technology ભારત-અમેરિકા સંબંધોનું મહત્‍વનું પ્‍લેટફોર્મ બન્‍યું, સેમિકન્‍ડક્‍ટર, ટેલિકોમ, સ્‍પેસ, ક્‍વાન્‍ટમ, એઆઈ અને રક્ષા ટેકનોલોજી જેવા ક્ષેત્રોમાં સહકાર વધારવાની દિશા નક્કી થઈ, ૨૦૨૩માં દ્વિપક્ષીય વેપાર પણ લગભગ ૨૦૦ અબજ ડોલર સુધી પહોંચ્‍યો હોવાનું ભારતના વિદેશ મંત્રાલયના વાર્ષિક અહેવાલમાં નોંધાયું છે.

૨૦૨૪ : ટેકનોલોજી, સેમિકન્‍ડક્‍ટર અને લોકો વચ્‍ચેના સંબંધો

૨૦૨૪માં પણ ભારત-અમેરિકા સંબંધોમાં ટેકનોલોજી સહકાર મહત્‍વપૂર્ણ રહ્યો. એઆઈ , ક્‍વાન્‍ટમ, બાયોટેકનોલોજી, IT, કમ્‍યુનિકેશન અને સેમિકન્‍ડક્‍ટર જેવા ક્ષેત્રોમાં ચર્ચા થઈ. સપ્‍ટેમ્‍બર ૨૦૨૪માં મોદીએ અમેરિકામાં ટેકનોલોજી ઉદ્યોગના નેતાઓ સાથે રાઉન્‍ડ ટેબલ બેઠક કરી અને iCETને ભારત-અમેરિકા Comprehensive Global Strategic પાર્ટનરશીપના મહત્‍વપૂર્ણ સ્‍તંભ તરીકે રજૂ કરવામાં આવ્‍યું.

૨૦૨૫ : ટ્રમ્‍પના બીજા કાર્યકાળમાં “COMPACT”નો નવો અધ્‍યાય

૧૩ ફેબ્રુઆરી ૨૦૨૫ના રોજ વોશિંગ્‍ટનમાં નરેન્‍દ્ર મોદી અને ડોનાલ્‍ડ ટ્રમ્‍પ વચ્‍ચેની બેઠકમાં બંને દેશોએ યુએસ-ઇન્‍ડિયા કોમ્‍પેક્‍ટ શરૂ કર્યું , તેમાં મિલેટરી પાર્ટનરશીપ, Accelerated Commerce અને ટેકનોલોજી પર ભાર મૂકાયો, રક્ષાક્ષેત્રમાં વધુ સહયોગ, સહ-ઉત્‍પાદન, ટેકનોલોજી ટ્રાન્‍સફર અને નવા સંરક્ષણ કરારો અંગે દિશા નક્કી થઈ.

આ જ બેઠકમાં બંને દેશોએ દ્વિપક્ષીય વેપારને ૨૦૩૦ સુધી ૫૦૦ અબજ ડોલર સુધી પહોંચાડવાનો લક્ષ્યાંક જાહેર કર્યો અને Bilateral ટ્રેડ એગ્રીમેન્‍ટ માટે વાટાઘાટો આગળ વધારવાની જાહેરાત કરી. ઊર્જા ક્ષેત્રમાં તેલ, ગેસ અને નાગરિક પરમાણુ ઊર્જા સહકારને પણ મહત્‍વ અપાયું.

૨૦૨૬ : વેપાર, રક્ષા અને વ્‍યૂહાત્‍મક સંબંધોની નવી કસોટી

૬ ફેબ્રુઆરી ૨૦૨૬ના ભારત-અમેરિકા સંયુક્‍ત નિવેદનમાં બંને દેશોએ Interim Agreement ઇન્‍ટરિમ એગ્રીમેન માટેનુ ફ્રેમવર્ક જાહેર કર્યું. આ સાથે બંને દેશોની વ્‍યાપક Bilateral Trade Agreement વાટાઘાટોને આગળ વધારવાની પ્રતિબદ્ધતા ફરી વ્‍યક્‍ત થઈ, વેપાર સંબંધોમાં બજાર પ્રવેશ અને ટેરિફ જેવા મુદ્દા ઓ હવે સંબંધોના મહત્‍વપૂર્ણ ભાગ બની ગયા છે.

૧૭ જૂન ૨૦૨૬ ના રોજ ફ્રાન્‍સમાં જી ૭ સમીટ દરમિયાન નરેન્‍દ્રભાઇ મોદી અને ડોનાલ્‍ડ ટ્રમ્‍પની મુલાકાત થઈ. બંને નેતાઓએ ભારત-અમેરિકા COMPACT હેઠળ રક્ષા, વ્‍યૂહાત્‍મક ટેકનોલોજી, ઊર્જા અને વેપારમાં થયેલી પ્રગતિની સમીક્ષા કરી તથા Interim Bilateral Trade Agreement અંગે ચાલી રહેલી વાટાઘાટોને આગળ વધારવા અધિકારીઓને સૂચના આપી.

ગુજરાતના મુખ્‍યમંત્રી તરીકે અમેરિકાથી વિઝા સંબંધિત ગંભીર રાજદ્વારી મતભેદનો સામનો કરનાર નરેન્‍દ્રભાઇ મોદી, વડાપ્રધાન બન્‍યા બાદ અમેરિકાના રાષ્‍ટ્રપતિઓ સાથે નિયમિત ઉચ્‍ચસ્‍તરીય સંવાદના કેન્‍દ્રમાં આવ્‍યા. આજના તબક્કે ભારત-અમેરિકા સંબંધો માત્ર બે દેશોના પરંપરાગત રાજદ્વારી સંબંધો પૂરતા નથી રહ્યા. તેમાં રક્ષા, વેપાર, ઊર્જા, ટેકનોલોજી, અવકાશ, સપ્‍લાય ચેઇન, ઇન્‍ડો-પેસિફિક અને લોકો વચ્‍ચેના સંબંધોનો વ્‍યાપક સમાવેશ થાય છે, સાથે જ વેપાર, ટેરિફ અને બજાર પ્રવેશ જેવા મુદ્દાઓ પર બંને દેશો વચ્‍ચે વાટાઘાટો અને મતભેદો પણ રહે છેラએટલે આ સંબંધને સહકાર અને વાટાઘાટ બંને સાથે આગળ વધતી ભાગીદારી તરીકે જોવો યોગ્‍ય છે.

જોકે હવે સવાલ એ છે કે બદલાતા વિશ્વમાં ભારત અને અમેરિકા પોતાની ભાગીદારીને કઈ દિશા માં લઈ જાય છે....?