ગુજરાતના મેન્યુફેક્ચરિંગ MSME એકમોનું હવે થશે GIS આધારિત જિયો-ટેગિંગ અને મેપિંગ
-
ઉદ્યોગોની ભૌગોલિક સ્થિતિ અને માળખાકીય સુવિધાઓની જરૂરિયાતો જાણી શકાશે
-
રાજ્યમાં MSME ક્ષેત્રનો એક સંકલિત અને વ્યવસ્થિત ડેટાબેઝ તૈયાર થશે
-
ઉદ્યોગકારોને GIPL ના પ્રતિનિધિઓને જરૂરી સહકાર અને માહિતી પૂરી પાડવા અપીલ
સિટી ન્યુઝ @ ગાંધીનગર
ગુજરાતમાં મેન્યુફેક્ચરિંગ ક્ષેત્ર સાથે જોડાયેલા MSME એકમોનું હવે GIS આધારિત જિયો-ટેગિંગ અને મેપિંગ કરવામાં આવશે. કેન્દ્ર સરકારની RAMP યોજના અંતર્ગત રાજ્યના MSME કમિશનરેટ દ્વારા આ મહત્વનો પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો છે, જેના દ્વારા ‘ઉદ્યોગ પોર્ટલ’ પર નોંધાયેલા મેન્યુફેક્ચરિંગ MSME એકમોની માહિતીનું સચોટ મેપિંગ કરીને તેને પીએમ ગતિ શક્તિ પોર્ટલ સાથે સંકલિત કરવામાં આવશે. આ સમગ્ર કામગીરીની જવાબદારી ગુજરાત ઈન્ફો પેટ્રો લિમિટેડ (GIPL) ને સોંપવામાં આવી છે, જેના અધિકૃત પ્રતિનિધિઓ એકમોની મુલાકાત લઈને જિયો-ટેગિંગ અને ડેટાની ચકાસણી કરશે.
આ GIS મેપિંગના માધ્યમથી રાજ્યના MSME એકમોનો એક વિગતવાર અને વ્યવસ્થિત ડિજિટલ ડેટાબેઝ તૈયાર થશે. જેના આધારે ઉદ્યોગો કયા ભૌગોલિક વિસ્તારમાં આવેલા છે, ત્યાં કઈ માળખાકીય સુવિધાઓની જરૂરિયાત છે અને કયા ક્ષેત્રોમાં વિકાસને વધુ વેગ આપી શકાય તે અંગેનું આયોજન સરળ બનશે. આ ડેટા પીએમ ગતિ શક્તિ પોર્ટલ સાથે જોડાવાથી નીતિ ઘડતર અને નિર્ણય પ્રક્રિયા વધુ પારદર્શક બનશે તથા સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓ અને સહાય સીધી યોગ્ય MSME એકમો સુધી પહોંચાડી શકાશે.
ઔદ્યોગિક વિકાસ અને ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર
સરકારની આ પ્રકારની ટેકનોલોજી આધારિત પહેલોથી લઘુ અને મધ્યમ ઉદ્યોગો (MSME) ને વૈશ્વિક સ્તરે સ્પર્ધાત્મક બનવામાં અને પારદર્શક વહીવટી સહયોગ મેળવવામાં મોટી મદદ મળે છે.