સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં યુવક મહોત્સવનો પ્રારંભ થયો
-
બ્રાણવે કોલેજોના બે હજાર વિદ્યાર્થીઓ ભાગ લેશે
-
વિજેતા વિદ્યાર્થીઓની પરીક્ષા ફી માફ કરાશે
-
સંસદ પરસોતમ રૂપાલાનાં હસ્તે ખુલ્લો મુકાયો
સિટી ન્યુઝ @ રાજકોટ
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે 54મા 'હીરક સ્પંદન' યુવક મહોત્સવનો રંગેચંગે પ્રારંભ કરવામાં આવ્યો છે. આ ભવ્ય મહોત્સવ તારીખ 9 થી 11 ઓક્ટોબર દરમિયાન યુનિવર્સિટી કેમ્પસના વિવિધ 8 જેટલા સ્થળો પર એકસાથે યોજાઈ રહ્યો છે, જેમાં રાજકોટ સહિતની 92 કોલેજોના 2370 કરતા વધુ ઉત્સાહી વિદ્યાર્થીઓ જુદી જુદી 33 સ્પર્ધાઓમાં પોતાની કલાત્મક પ્રતિભાનું અદભુત પ્રદર્શન કરી રહ્યા છે. આજના ઉદ્ઘાટન સમારોહમાં સંસદ પરસોતમ રૂપાલાનાં વરદ્ હસ્તે મહોત્સવ ખુલ્લો મૂકવામાં આવ્યો હતો અને યુનિવર્સિટીનાં કુલપતિ દ્વારા વિજેતા વિદ્યાર્થીઓ માટે પરીક્ષા ફી માફ કરવાની અત્યંત મહત્વપૂર્ણ જાહેરાત પણ કરવામાં આવી હતી.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઈન્ચાર્જ શારીરિક શિક્ષણ નિયામક ડૉ. હરીશ બી. રાભાએ માહિતી આપતા જણાવ્યું હતું કે, યુનિવર્સિટી સંલગ્ન 92 જેટલી કોલેજોમાંથી 2370 થી વધુ વિદ્યાર્થીઓએ આ કલાકુંભમાં ભારે ઉત્સાહભેર ભાગ લીધો છે. યુવાધનની છૂપી શક્તિ અને સાંસ્કૃતિક વારસાને યોગ્ય પ્રોત્સાહન પૂરું પાડવાના મુખ્ય હેતુથી આયોજિત આ મહોત્સવમાં સંગીત, નૃત્ય, નાટક, લલિતકળા અને સાહિત્ય ક્ષેત્રની કુલ 33 થી વધુ વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું છે. આ વ્યાપક મહોત્સવની સફળતા માટે છેલ્લા 1 થી 2 મહિનાથી સઘન તૈયારીઓ ચાલી રહી હતી અને સમગ્ર આયોજનને પારદર્શી બનાવવા 33 થી વધુ અલગ-અલગ સમિતિઓની રચના કરાઈ છે.
આ તમામ 33 સ્પર્ધાઓમાં સ્પર્ધા દીઠ 3-3 મળીને કુલ 99 વિજેતા કલાકારોની પસંદગી કરવામાં આવશે. જેમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનારી કૃતિઓ અને વિદ્યાર્થીઓને આગામી સમયમાં વેસ્ટ ઝોન અને નેશનલ કક્ષાની આંતર-યુનિવર્સિટી યુવક મહોત્સવ સ્પર્ધાઓમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું પ્રતિનિધિત્વ કરવા માટે મોકલવામાં આવશે. વિદ્યાર્થીઓને અભ્યાસ પ્રત્યે પ્રોત્સાહિત કરવા માટે યુનિવર્સિટી તંત્ર દ્વારા લેવાયેલા નિર્ણય મુજબ વિવિધ સ્પર્ધાઓમાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય સ્થાન પ્રાપ્ત કરનાર વિજેતા વિદ્યાર્થીઓને તેમના ચાલુ સેમેસ્ટરની પરીક્ષા ફીમાંથી સંપૂર્ણ માફી આપવામાં આવશે.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી પાસે ઉત્તમ ઓડિટોરિયમ અને આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ હોવાથી ભવિષ્યમાં વેસ્ટ ઝોન કક્ષાના આંતર-યુનિવર્સિટી યુવક મહોત્સવનું આયોજન કરવાનો પ્લાન પણ સક્રિયપણે વિચારાઈ રહ્યો છે. વિશેષરૂપે પ્રાચીન રાસ, દુહા-છંદ, ભજન, લોકગીત, એકાંકી, મુકાભિનય અને સમૂહ નૃત્ય જેવી સ્પર્ધાઓમાં સૌરાષ્ટ્રના યુવાનોનું પ્રદર્શન દર વર્ષે રાષ્ટ્રીય સ્તરે પણ અત્યંત શ્રેષ્ઠ રહેતું આવ્યું છે અને આ વર્ષે પણ વિદ્યાર્થીઓ અદ્ભુત પ્રદર્શન કરશે તેવી પૂરી આશા છે.
આ મહોત્સવમાં ભાગ લેવા પહોંચેલી કણસાગરા મહિલા કોલેજની વિદ્યાર્થીની ભલગામા હેતવીએ પોતાની ખુશી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે તેઓ પ્રાચીન રાસ વિભાગમાં કોલેજ તરફથી પસંદગી પામ્યા છે અને છેલ્લા 15 થી 20 દિવસથી કોલેજના માર્ગદર્શન હેઠળ રોજ સઘન પ્રેક્ટિસ કરી રહ્યા છે. યુનિવર્સિટીનું સમગ્ર વાતાવરણ અત્યારે યુવા કલાકારોના અદભુત ઉત્સાહ અને કિલકિલાટથી ગૂંજી ઉઠ્યું છે, જે ખરેખર પ્રશંસનીય છે.
યુવા પ્રતિભા અને સાંસ્કૃતિક ઉત્સવ
વિદ્યાર્થીઓની સુષુપ્ત શક્તિઓને બહાર લાવવા અને કલા સંસ્કૃતિને જાળવી રાખવા માટે યુવક મહોત્સવ જેવા આયોજનો ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.