રાજકોટમાં વયોવૃદ્ધ દંપતી સાથે મોટી ઠગાઈ અમેરિકન બેંકના નોકરીની બહાને છેતરપિંડી આચરી
-
દુબઈના ગોલ્ડન વિઝા આપવાના નામે લૂંટ્યા
-
એસઆઈપી રોકાણ અને પેન્શનના નામે ફસાવ્યા
-
યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી તપાસ
સિટી ન્યુઝ @ રાજકોટ
રાજકોટમાં વયોવૃદ્ધ દંપતી સાથે રૂપિયા 17.58 લાખની તોતિંગ છેતરપિંડી થઈ હોવાની એક અત્યંત ચોંકાવનારી ઘટના સામે આવી છે. ઉત્તરપ્રદેશના એક શખ્સે પોતે અમેરિકાની બેંકમાં ઓનલાઈન વર્ક ફ્રોમ હોમ કરતો હોવાની ખોટી ઓળખ આપીને વૃદ્ધ દંપતીનો વિશ્વાસ કેળવ્યો હતો. ત્યારબાદ તેણે વૃદ્ધને દુબઈની ગોલ્ડન સિટિઝનશિપ અને વિઝા અપાવીને સિનિયર સિટિઝન પેન્શન શરૂ કરાવવા તેમજ એસઆઈપીમાં મોટું રોકાણ કરાવવાના બહાને ઓનલાઈન તથા રોકડ રકમ કટકે કટકે મેળવી લીધી હતી અને બાદમાં ફરાર થઈ ગયો હતો, જેના આધારે યુનિવર્સિટી પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
આ કેસની વિગત મુજબ ફરિયાદી ચીમનલાલ નારણભાઈ પટેલે પોલીસ સમક્ષ જણાવ્યું હતું કે તેઓ સંતાન વિહોણા છે અને નિવૃત્તિ પહેલા સુરેન્દ્રનગર ખાતે ઓટોમોબાઈલની દુકાન ચલાવતા હતા. છેલ્લા 15 વર્ષથી વય નિવૃત્તિના કારણે ધંધો બંધ કરીને તેઓ રાજકોટમાં પોતાના પત્ની સાથે રહેવા આવી ગયા હતા. તેમણે વિમલનગર મેઈન રોડ પર વસંત માર્વેલમાં એક ફ્લેટ લીધો હતો, જે ફ્લેટ બ્રોકર રોહિત મોરી મારફતે અનુજપ્રકાશ ઓમપ્રકાશ સાથે મુલાકાત કરાવીને માસિક રૂપિયા 21,000 ના ભાડા કરારથી આપ્યો હતો.
આ ફ્લેટ પર આવનજવર દરમિયાન અનુજપ્રકાશે દંપતીને જણાવ્યું કે તે અમેરિકાની બેંકમાં ઓનલાઈન નોકરી કરે છે અને તેની પાસે કેનેડાની સિટિઝનશિપ છે. થોડા દિવસ પછી તેની પત્ની પણ ત્યાં રહેવા આવી ગઈ હતી. ત્યારબાદ અનુજપ્રકાશે વૃદ્ધ દંપતીને ઉંમરલાયક હોવાનું અને સંતાન ન હોવાનું કહીને નિવૃત્તિની આવક માટે એસઆઈપીમાં રોકાણ કરવાનું અને દુબઈના વિઝા કઢાવીને પેન્શન અપાવવાનું પ્રલોભન આપ્યું હતું. આ પ્રલોભનમાં ફસાઈને દંપતીએ જુદી જુદી તારીખોએ ઓનલાઈન અને રોકડ રકમ આપી હતી.
અનુજપ્રકાશે દુબઈના ગોલ્ડન વિઝાની એપ્લિકેશન કરવાના બહાને તા. 15.03.2025 ના રોજ ફરિયાદીનો મોબાઈલ લઈને તેમના એચડીએફસી બેંક ખાતામાંથી ઓનલાઈન 1 લાખ રૂપિયા પોતાના ખાતામાં ટ્રાન્સફર કરી લીધા હતા. ત્યારબાદ તા. 17.04.2025 ના રોજ રૂપિયા 78,847 અને તા. 19.04.2025 ના રોજ રૂપિયા 83,717 વિઝા માટે ટ્રાન્સફર કરાવ્યા હતા. આ ઉપરાંત દુબઈના ગોલ્ડન વિઝાની ફી પેટે રૂપિયા 6 લાખ રોકડા 01.06.2025 ના રોજ લીધા હતા તથા પત્ની અલકાબેનના વિઝા માટે રૂપિયા 3,96,000 બેંક ઓફ મહારાષ્ટ્રના ખાતામાં આરટીજીએસ કરાવ્યા હતા.
બાદમાં એસઆઈપી શરૂ કરવાના નામે વધુ રૂપિયા 15 લાખ માંગ્યા હતા અને કહ્યું હતું કે મારે તમારો આ જ ફ્લેટ ખરીદવો છે જેથી તમારા એસઆઈપીના 15 લાખમાંથી 10 લાખ હું આપીશ અને 5 લાખ તમે આપો. જેથી ફરિયાદીએ પોતાના સાળા પાસેથી 5 લાખ ઉછીના લઈને અનુજપ્રકાશને રોકડા આપ્યા હતા અને ફ્લેટ ખરીદી પેટે 5 લાખનો ચેક આપ્યો હતો જે બેંકમાં નાખતા રિટર્ન થયો હતો. ત્યારબાદ આરોપી જુલાઈ 2025 માં ફ્લેટ ખાલી કરીને જાણ કર્યા વગર જ નાસી ગયો હતો, જેથી પોલીસે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.
સાયબર ઠગાઈ અને સાવધાની
વયોવૃદ્ધ નાગરિકોને લોભામણી યોજનાઓ અને વિઝા અપાવવાના બહાને ફસાવીને લાખો રૂપિયા પડાવતા ઠગો સામે કડક કાનૂની પગલાં લેવા અનિવાર્ય છે.