જૂની પાંચ રૂપિયાની નોટ બદલવાની લાલચ સાયબર ફ્રોડનો ભોગ બન્યા કરજણના ખેડૂત
-
સોશિયલ મીડિયાની જાહેરાતો જોઈને ફસાયા લોકો
-
તબક્કાવાર ઓનલાઇન ટ્રાન્જેક્શન કરીને નાણાં ગુમાવ્યા
-
વલણ પોલીસ મથકમાં સાયબર ફ્રોડ ફરિયાદ
સિટી ન્યુઝ @ વડોદરા
સોશિયલ મીડિયા ઉપર આવતી લોભામણી જાહેરાતોને જોઈને કેટલાય ભોળા લોકો લાલચમાં આવી જઈ પોતાની મહેનતની લાખોની મત્તા ગુમાવતા હોય છે. આવો જ એક ચોંકાવનારો કિસ્સો વડોદરાના વલણ પોલીસ મથકની હદમાં બન્યો છે, જ્યાં રૂ. 5 ની જૂની નોટ બદલીને 17 લાખ રૂપિયા મેળવવાની અતિશય લાલચમાં કરજણ તાલુકાના એક વ્યક્તિ સાયબર ફ્રોડનો ભોગ બન્યા છે. પીડિત પાસે રૂ. 5 ની બે જૂની નોટો હતી, જેના બદલામાં કુલ 34 લાખ રૂપિયા મેળવવાની લાલચે તેઓએ તબક્કાવાર રૂ. 1.6 લાખ ગુમાવ્યા હોવાનું સામે આવ્યું છે, અને આ અંગે વલણ પોલીસ મથકમાં સત્તાવાર ફરિયાદ નોંધાવવામાં આવી છે.
પ્રાપ્ત વિગતો મુજબ કરજણ તાલુકાના જૂની સાયર ગામ ખાતે રહેતા અને ખેતી કામ સાથે સંકળાયેલા 42 વર્ષીય મહેન્દ્ર માછી 15 દિવસ અગાઉ પોતાના મોબાઈલમાં રીલ્સ જોઈ રહ્યા હતા, તે દરમિયાન ફેસબુક પર એક જાહેરાત જોવા મળી હતી જેમાં દાવો કરાયો હતો કે રૂ. 5 ની જૂની 1 ચલણી નોટના બદલામાં રૂ. 17 લાખ મેળવો. આ રીલ્સ જોઈને મહેન્દ્રભાઈના મનમાં ઝડપથી પૈસા કમાવવાની લાલચ જાગી હતી, અને તેમણે સ્ક્રીન ઉપર દેખાતા મોબાઈલ નંબર પર વોટ્સએપ કરીને પોતાની પાસે રૂ. 5 ની બે જૂની નોટો હોવાની જાણકારી આપી ફોટા મોકલી આપ્યા હતા.
ત્યારબાદ 6 ઓક્ટોબરના રોજ મહેન્દ્રભાઈના મોબાઈલ પર એક વોટ્સએપ કૉલ આવ્યો હતો, જેમાં સામેવાળાએ જણાવ્યું હતું કે તમારી પાસે રહેલી રૂ. 5 ની બે જૂની નોટો લેવા માટે અમારો માણસ આવશે અને તમને રૂ. 34 લાખનું પાર્સલ આપશે, જેની પ્રોસેસિંગ ફી પેટે તમારે માત્ર રૂ. 750 ભરવા પડશે. તેમને એક ક્યુઆર કોડ મોકલી આપવામાં આવ્યો હતો, જેમાં મહેન્દ્રભાઈએ વિશ્વાસ રાખીને રૂ. 750 ઓનલાઈન જમા કરાવી દીધા હતા અને ત્યાંથી જ આ ઠગાઈના ખેલની ખરાબ શરૂઆત થઈ ચૂકી હતી.
ઠગાઈ કરનારાઓએ બીજા દિવસે એટલે કે 7 ઓક્ટોબરના રોજ ફરી ફોન કરીને જણાવ્યું કે તમને પાર્સલ આપવા જતો માણસ પકડાઈ ગયો છે અને તેને છોડાવવા બીજા રૂ. 25,500 ભરવા પડશે. આ પ્રકારે ડર અને લાલચ બતાવીને 8 ઓક્ટોબરના રોજ વધુ રૂ. 53,000 પડાવવામાં આવ્યા હતા. આમ તબક્કાવાર માત્ર ત્રણ જ દિવસમાં મહેન્દ્ર માછીએ કુલ રૂ. 1,06,400 ઓનલાઈન ટ્રાન્જેક્શન દ્વારા ગુમાવી દીધા હતા, અને બાદમાં પોતાની સાથે મોટી છેતરપિંડી થયાનું માલુમ પડતાં તેઓએ વલણ પોલીસ મથકમાં સાયબર ફ્રોડની ફરિયાદ નોંધાવી છે.
આ સમગ્ર બનાવ સંદર્ભે વલણ પોલીસ મથકના પી.આઈ. પી.ટી. ચૌધરી દ્વારા સઘન તપાસ હાથ ધરવામાં આવી છે. સોશિયલ મીડિયા પર આવતી આવી કોઈ પણ લોભામણી અને અવાસ્તવિક જાહેરાતોથી હંમેશા દૂર રહેવું તેમજ સાયબર અજાણ્યા ઠગાઈ કરનાર શખ્સો સામે સમયસર સતર્કતા દાખવવી એ જ નાગરિકો માટે સૌથી મોટો બચાવ સાબિત થઈ શકે છે.
સોશિયલ મીડિયા ફ્રોડથી સાવધાન રહો
જૂની નોટો કે સિક્કા બદલવાની લાલચ આપીને નાણાં પડાવતી ઓનલાઈન ઠગાઈની જાળથી હંમેશા સાવચેત રહેવું અનિવાર્ય છે.