Loading Please Wait !!!
રા.લો. સંઘમાં ફરી ‘નીતિન ઢોકેયાના યુગ’ના એંધાણ!

ચેરમેનની રેસમાં મજબૂત; ઢોકેયાના સમર્થનમાં ડિરેક્ટરોનું ગણિત મંડાશે
  • પાર્ટી ઢોકેયાને ન બેસાડે તો બાબુ નસીનનું નામ પણ ચર્ચામાં
  • મોટાભાગના ડિરેક્ટરનું સમર્થન ઢોકેયાને હોવાની ચર્ચા
  • ચેરમેન-વાઈસ ચેરમેન માટે પણ સેન્સ-મેન્ડેટ પ્રક્રિયા થવાના સંકેત
બળવા બાદ હવે ચેરમેન-વાઈસચેરમેન કોણ બનશે સહકારી આગેવાનોની ચર્ચા શરૂ

સિટી ન્યૂઝ@રાજકોટ

રાજકોટ લોધિકા ખરીદ વેચાણ સંઘની ચૂંટણી બાદ હવે ચેરમેન અને વાઈસ ચેરમેન પદને લઈને સહકારી ક્ષેત્રમાં રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. ચૂંટણીના પરિણામો બાદ નીતિન ઢોકેયા ફરી એક વખત સંઘના ચેરમેન પદની રેસમાં મજબૂત दावेદાર તરીકે ઉભરી આવ્યા હોવાની ચર્ચા છે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, મોટાભાગના ડિરેક્ટરોનું સમર્થન નીતિન ઢોકેયાને મળી રહ્યું હોવાના સંકેતો મળી રહ્યા છે.

રાજકોટ લોધિકા સંઘમાં વ્યક્તિગત બેઠક સહિત કુલ ૧૬ ડિરેક્ટરો, રાજકોટ જિલ્લા બેન્કના એક પ્રતિનિધિ અને ત્રણ સરકાર નિયુક્ત ડિરેક્ટરો મળી કુલ ૨૦ સભ્યોનું બોર્ડ સ્થાય છે. આવી સ્થિતિમાં ચેરમેન અને વાઈસ ચેરમેનની ચૂંટણી પહેલાં ડિરેક્ટરોનું સમર્થન નિર્ણાયક બની શકે છે.

ખાસ વાત એ છે કે રાજકોટ જિલ્લા બેન્કના ચેરમેન તરીકે જયેશ રાદડિયા યથાવત્ છે. જેના કારણે જિલ્લા બેન્કના પ્રતિનિધિનું સમર્થન પણ નીતિન ઢોકેયાને મળે તેવી પૂરેપૂરી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. જો આ સમીકરણો વાસ્તવિકતામાં પરિવર્તિત થાય તો રાજકોટ લોધિકા સંઘમાં નીતિન ઢોકેયા ફરીથી પ્રભાવશાળી બનવાના સંકેત તૈરી તેને જોવામાં આવી રહ્યું છે. તાજેતરની ચૂંટણીમાં મેન્ડેટ અને બળવાણા મુદ્દે

સર્જાયેલા રાજકીય ધમાસાણ બાદ હવે ચેરમેન-વાઈસ ચેરમેનની ચૂંટણી વધુ રસપ્રદ બની છે. ભાજપ દ્વારા બંને પદ માટે સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવે અને ત્યારબાદ મેન્ડેટ જાહેર કરવામાં આવે તેવી શક્યતા પણ વ્યક્ત થઈ રહી છે. જોકે અંતિમ નિર્ણય ભાજપના સંગઠન સ્તરે થવાનો રહેશે.

આ સમગ્ર ઘટનાક્રમમાં જયેશ રાદડિયાની સહકારી ક્ષેત્રે પકડ ફરી એક વખત ચર્ચામાં આવી છે. રાજકોટ જિલ્લા બેન્ક બાદ લોધિકા સંઘના સમીકરણોમાં પણ તેમનું જૂથ નિર્ણાયક ભૂમિકા ભજવી શકે છે તેવી ચર્ચા સહકારી વર્તુળોમાં ચાલી રહી છે.

રાજકોટ લોધિકા સંઘની ચૂંટણી માત્ર એક સંસ્થાની ચૂંટણી પૂરતી મર્યાદિત નથી. આગામી સમયમાં રાજકોટ ડેરી, રાજકોટ જિલ્લા બેન્ક અને રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડ સહિતની મહત્વની સહકારી સંસ્થાઓની ચૂંટણીઓ યોજાવાની છે.

૨૦૨૬ની વિધાનસભા ચૂંટણી પહેલાં સૌરાષ્ટ્રના રાજકીય એપી સેન્ટર ગણાતા રાજકોટ જિલ્લામાં સહકારી સંસ્થાઓ પર પ્રભુત્વ જાળવવું રાજકીય રીતે પણ મહત્વપૂર્ણ બની શકે છે. જેના કારણે લોધિકા સંઘના ચેરમેન અને વાઈસ ચેરમેનની ચૂંટણીને આગામી સહકારી રાજકારણની દિશા નક્કી કરનારી કડી તરીકે જોવામાં આવી રહી છે.

હવે જોવાનું એ રહેશે કે ભાજપ સેન્સ-મેન્ડેટની પ્રક્રિયા દ્વારા કોના નામ પર મોहर મારે છે અને બોર્ડના ડિરેક્ટરોનું સમર્થન અંતે કોના પક્ષે જાય છે. પરંતુ હાલના સમીકરણો જોતા રાજકોટ લોધિકા સંઘમાં ફરી એક વખત નીતિન ઢોકેયા યુગના વળતરના સંકેતો સ્પષ્ટપણે જોવા મળી રહ્યા છે.