ભાજપ હાઈકમાન્ડની ફજેતી!
સહકારી રાજકારણમાં ભાજપના નેતાઓ પક્ષ સામે જ પડી રહ્યા છે?
રાજકોટ લોધીકા ખરીદ વેચાણ સંઘમાં રાદડિયા જૂથનો દબદબો; પણ હાઈકમાન્ડ નારાજ?
ત્રંબા બેઠક પર ટાઈ થતા ચીઠી ઉછાળતા નિતીન રામાણીની જીત થઈ
કુવાડવા બેઠક પર પૂર્વ મંત્રી અરવિંદ રૈયાણી, માધાપર બેઠક પરથી ધોઘુભા જાડેજાની હાર
સિટી ન્યૂઝ@રાજકોટ
રાજકોટ લોધીકા ખરીદ વેચાણ સંઘની ચૂંટણીનું પરિણામ જાહેર થઈ ગયું છે જેમાં જયેશ રાદડિયા જૂથનો દબદબો જોવા મળ્યો છે. આ ચૂંટણીમાં પાર્ટીના મેન્ડેન્ટ વિરુદ્ધ ફોર્મ ભરનાર બે મહત્વની સીટ પર ભાજપના બળવાખોર ઉમેદવારોની જીત થઈ છે. જેમાં કુવાડવા બેઠક પરથી પૂર્વ મંત્રી અરવિંદ રૈયાણી અને માધાપર બેઠક પર પૂર્વ ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજાના પિતા પૃથ્વીસિંહ ઉર્ફે ધોઘુભા જાડેજાને કારમી હારનો સામનો કરવો પડ્યો છે. આ બંને ઉમેદવારને પાર્ટીએ મેન્ડેટ આપવા છતાં તેમના એક પણ મતદારોએ તેમને મત આપ્યા નથી. બીજી તરફ ત્રંબા બેઠક પર ટાઈ થતા ચીઠી ઉછાળતા નિતીન રામાણીની જીત થઈ છે.
રાજકોટ લોધીકા ખરીદ વેચાણ સંઘમાં કુલ ૧૫ બેઠક પૈકી ૧૦ બેઠક બિનહરીફ થતા બાકીની ૫ બેઠક પર
ગઈકાલે ચૂંટણી યોજાઈ હતી જેમાં ભાજપ સામે ભાજપના જ ઉમેદવાર ચૂંટણી મેદાનમાં હતા. પાર્ટી દ્વારા મેન્ડેટ પણ આપવામાં આવ્યું હતું અને મતદારોને વિપ આપવા છતાં ૨ બેઠક પર અપસેટ સર્જાયો છે. વિપનો અનાદર થતા બળવાખોર ઉમેદવાર વિજય સખીયા, નિતીન ચોવટીયાની જીત થઈ છે. આ બન્ને ઉમેદવારોની તરફણમાં તમામ મતદારોએ મતદાન કર્યું હોવાથી પાર્ટીએ મેન્ડેટ આપનાર ઉમેદવાર અરવિંદ રૈયાણી અને પૃથ્વીસિંહ ઉર્ફે ધોઘુભા જાડેજાની હાર થઈ છે. બીજી તરફ ત્રંબા સીટ પર બન્ને ઉમેદવારોને બે-બે મત મળતા ટાઈ પડી હતી જે બાદ ચીઠી ઉછાળતા પાર્ટીએ જેને મેન્ડેટ આપ્યું હતું તેવા નિતીન રામાણીની જીત થઈ છે. જ્યારે હલેન્ડા બેઠક પર પણ પાર્ટીએ જેને મેન્ડેટ આપ્યું તેવા મહેશ આસોદરીયાની જીત થઈ છે અને ખોખડદડ બેઠક પર જયેશ રાદડિયા જૂથના વિરોધી બાબુ નસીતની જીત થઈ છે.