Loading Please Wait !!!
બ્રિજમાં બેદરકારી સામે કમિશનરની લાલ આંખ બે ઇજનેર સસ્પેન્ડઃ બે અધિકારીઓને કારણદર્શક નોટિસ

રાજકોટના નવા રિંગ રોડ ઉપર નિર્માણાધીન બ્રિજમાં લાપરવાહી સામે RMCની મોટી કાર્યવાહી
નબળી ગુણવત્તા અને કામમાં વિલંબ થયો હતો, બેકબોન કન્સ્ટ્રક્શન કંપનીને પણ નોટિસ અપાઈ

 
સિટી ન્યૂઝ@રાજકોટ

રાજકોટ શહેરના નવા રિંગરોડ ઉપર નિર્માણાધીન બ્રિજની કામગીરીમાં બેદરકારી મામલે મનપાએ મોટી કાર્યવાહી કરી છે. બે ઇજનેરને સસ્પેન્ડ કરાયા છે. જ્યારે ડેપ્યુટી કમિશનર અને સિટી ઇજનેરને મ્યુ. કમિશનરે કારણદર્શક નોટિસ ફટકારી છે. નાયબ ઇજનેર વી.સી.કારીયા અને આસી.ઇજનેર વિશાલ વાગડીચા નામના ઇજનેરોને સસ્પેન્ડ કરાયા છે. આ ઉપરાંત, ડેપ્યુટી કમિશનર ચેતન નંદાણી અને સિટી ઇજનેર કુંતેશ મહેતાને પણ કારણદર્શક નોટિસ ફટકારવામાં આવી છે.

નવા રિંગરોડ ઉપર કટારીયા ચોકડી પાસે અલગ અલગ ત્રણ નાળા બ્રિજ ૪૦ કરોડના અંદાજિત ખર્ચથી તૈયાર થઈ રહ્યા છે. જેમાં કામમાં બેદરકારી, બ્રિજના કામમાં સાતિઓ સહિતના મામલે કાર્યવાહી કરવામાં આવી છે. ગંભીર બેદરકારી ખુલ્લી પડતાં મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાએ કડક કાર્યવાહીના આદેશ આપ્યા છે. અયોગ્ય એલાઈનમેન્ટ, નબળી ગુણવત્તા અને કામમાં ભારે વિલંબ થયો હતો. બેકબોન કન્સ્ટ્રક્શન કંપનીને પણ નોટિસ અપાઈ છે, રાજકોટ મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાએ ૧૫૦ ફૂટ રિંગ રોડ પર મહાનગરપાલિકા દ્વારા હાથ ધરવામાં આવેલા નિર્માણાધીન ત્રણ બ્રિજના કામોની રૂબરૂ સ્થળ મુલાકાત લીધી હતી. કમિશનરે બ્રિજની કામગીરીની પ્રગતિ, નિર્માણની ગુણવત્તા, સ્થળ પર ઉપલબ્ધ મેન પાવર, સાઈટ મોનિટરિંગ અને પ્રોજેક્ટ પૂર્ણ કરવાની સમયમર્યાદા અંગે જૂબ જ ઝીણવટભરી અને વિગતવાર સમીક્ષા કરી હતી. આ ત્રણ બ્રિજ (BR-૨, BR-૩ અને BR-૪)ના વાઈડકિંંગ કામગીરીની ચકાસણી દરમિયાન

પ્રાથમિક દ્રષ્ટિએ જ વર્કમેનશીપનો સ્પષ્ટ અભાવ જોવા મળ્યો હતો. જેમાં કામગીરીની નબળી ગુણવત્તા અને સ્થળ ઉપર જોવા મળેલી ક્ષતિઓને ગંભીરતાથી લઈને મનપા કમિશનારે તાત્કાલિક અસરથી પ્રોજેક્ટ મેનેજમેન્ટ યુનિટને સમગ્ર કામગીરીનો ટેકનિકલ સર્વે કરીને વિગતવાર રિપોર્ટ રજૂ કરવા આદેશ આપ્યો હતો.

PMU દ્વારા આ ત્રણેય બ્રિજ પ્રોજેક્ટનો સર્વે કરવામાં આવ્યો હતો. આ સર્વે રિપોર્ટમાં કામગીરી દરમિયાન થયેલી ગંભીર ભૂલો, ખામીઓ અને ટેકનિકલ ક્ષતિઓ ખુલ્લી પડી હતી. રિપોર્ટમાં સ્પષ્ટપણે ફલિત થયું હતું કે, આ કામગીરીમાં નિર્ધારિત માપદંડો જળવાયા નથી અને પ્રોજેક્ટની કામગીરીમાં ગંભીર પ્રકારની બેદરકારી અને શિથિલતા દાખવવામાં આવી છે.

સર્વે રિપોર્ટના આધારે મ્યુનિસિપલ કમિશનરે તાત્કાલિક કડક પગલાં ભરતા વોર્ડ નં. ૯ના નાયબ કાર્યપાલક ઇજનેર વિજય સી. કારીયા અને આસિસ્ટન્ટ ઇજનેર વિશાલ એમ. વાગડીચાને રજૂ પરથી સસ્પેન્ડ કરવાનો આદેશ કર્યો છે. બંને ઇજનેરોને ત્રણેય બ્રિજના વાઈડકિંંગની કામગીરીનું સુપરવિઝન, મોનિટરિંગ અને દેખરેખ રાખવાની જવાબદારી સોંપાઈ હતી. પરંતુ તેઓની કામગીરીમાં વર્કમેનશીપનો અભાવ, ફરજ પ્રત્યેની ગંભીર બેદરકારી, શિથિલતા અને નિષ્કાળજી સ્પષ્ટપણે સાબિત થતાં આ સસ્પેન્શનનો આદેશ આપવામાં આવ્યો છે. આ ઉપરાંત પ્રોજેક્ટના સુપરવિઝન અને વહીવટી દેખરેખમાં નિષ્કાળજી બદલ વેસ્ટ ઝોનના નાયબ મ્યુનિસિપલ કમિશનર ચેતન નંદાણી અને સિટી ઇજનેર કુંતેશ મહેતાને પણ કારણદર્શક નોટિસ ફટકારવામાં આવી છે.

કામોની ગુણવત્તામાં કોઈ પણ જાતનું સમાધાન ચલાવી લેવાશે નહીં

મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાએ જણાવ્યું હતું કે, પ્રજાના નાણાંથી તૈયાર થતાં પ્રજાલક્ષી પ્રોજેક્ટ્સ અને શહેરના ઇન્ફ્રાસ્ટ્રક્ચર કામોની ગુણવત્તામાં કોઈ પણ જાતનું સમાધાન ચલાવી લેવાશે નહીં. દરેક પ્રોજેક્ટ નિયત સમયમર્યાદામાં અને યોગ્ય ગુણવત્તા સાથે પૂરા થાય તે સુનિશ્ચિત કરવા માટે આગામી સમયમાં મ્યુનિસિપલ કમિશનરની સીધી દેખરેખ હેઠળ દરેક પ્રોજેક્ટનું ઝીણવટભર્યું મોનિટરિંગ કરાશે. હાલ બંને ઇજનેરોને સરપેન્ડ કરવામાં આવ્યા છે. હવે આખા મામલાની વિજીલન્સ તપાસ કરાશે. ત્યારબાદ જે કોઈની બેદરકારી સામે આવશે તેની સામે નિયમ મુજબ કડક પગલાં લેવામાં આવશે.