Loading Please Wait !!!
નાગરિકો ગંદકી કરે અને મનપા સફાઈ કરે તે હવે નહીં ચાલે

કમિશનર બૂલેટ લઈ ફિલ્ડમાં નિકળ્યા; જાહેરમાં થૂંકનાર પાસે સફાઈ કરાવી

સિટી ન્યૂઝ@રાજકોટ

રાજકોટ શહેરને સ્વચ્છ અને સુંદર બનાવવા મહાનગરપાલિકાએ હવે સ્પૉટ એકશનને વધુ વેગ આપ્યો છે. મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા સોલિડ વેસ્ટ મેનેજમેન્ટની ટીમ સાથે બુલેટ પર સવાર થઈ જ્યુબિલી, તીમડા ચોક અને યાજ્ઞિક રોડ સહિતના સતત ધમધમતા વિસ્તારોમાં સરપ્રાઈઝ ચેકિંગ માટે નીકળ્યા હતા. કમિશનરની સીધી ફિલ્ડ મુલાકાતાથી ગંદકી ફેલાવનારા તત્વોમાં ફફડાટ ફેલાયો હતો.

ફિલ્ડ મુલાકાત દરમિયાન જ્યુબિલી વિસ્તારમાં જાહેર રસ્તા પર થૂંકતા એક નાગરિકને કમિશનરે રૂબરૂ રોક્યો હતો. જાહેર સ્થળે ગંદકી કરવા બદલ તેમને સ્વચ્છતા અને જાહેર જવાબદારી અંગે સમજ આપવામાં આવી હતી. ત્યારબાદ જે સ્થળે થૂંકીને ગંદકી કરવામાં આવી હતી, ત્યાં જ તે નાગરિક પાસે સફાઈ કરાવવામાં આવી હતી. આ કાર્યવાહીનો હેતુ માત્ર દંડ વસૂલવાનો નથી, પરંતુ નાગરિકોમાં પોતાની ફરજ અને જવાબદારીનું ભાન કરાવવાનો હતો.

કમિશનરે રોડ, ફૂટપાથ અને જાહેર

સ્થળોની સફાઈ વ્યવસ્થાની પણ જીણવટભરી સમીક્ષા કરી હતી. તેમની સાથે સફાઈ સુપરવાઈઝરો અને સોલિડ વેસ્ટ મેનેજમેન્ટની ટીમ પણ સ્થળ પર હાજર રહી હતી. અધિકારીઓને સફાઈ વ્યવસ્થા વધુ અસરકારક બનાવવા અને ગંદકી કરનારાઓ સામે તાત્કાલિક કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી હતી.

જ્યુબિલી રોડ પર લાઠી-થડાવાળા અને વેપારીઓને પણ પોતાના વ્યવસાયની આસપાસ સ્વચ્છતા જાળવવા કડક સૂચના આપવામાં આવી હતી. જ્યાં કચરો જોવા મળ્યો ત્યાં સંબંધિત વેપારીઓ પાસે જ સ્થળ પર સફાઈ કરાવવામાં આવી હતી. કમિશનરે સ્પષ્ટ જણાવ્યું હતું કે રોજીરોટી મેળવવાની સાથે વેપારના સ્થળની સ્વચ્છતા જાળવવાની જવાબદારી પણ વેપારીઓની છે. લારી કે દુકાનની બહાર વારંવાર કચરો ફેંકવામાં આવશે અથવા ગ્રાહકો દ્વારા થતી ગંદકી પ્રત્યે વેપારીઓ આંખ આડા કાન કરશે તો દંડ સહિત કાયદેસરની કડક કાર્યવાહી કરવામાં આવશે. વેપારીઓને આપવામાં આવી હતી. વેપારીઓને પોતાના વિસ્તારની નિયમિત સફાઈ, કચરાના યોગ્ય નિકાલ અને ગ્રાહકોને સ્વચ્છતા અંગે જાગૃત કરવા પણ સૂચના અપાઈ હતી.

સફાઈ કર્મચારીઓની મહેનત એળે નહીં જાય

કમિશનર તુષાર સુમેરાએ જણાવ્યું હતું કે રાજકોટ મહાનગરપાલિકાના સફાઈ કર્મચારીઓ દિવસ-રાત મહેનત કરીને શહેરને સ્વચ્છ રાખવા માટે પરસેવો પાડે છે. પરંતુ કેટલાક બેદકાર નાગરિકો ક્ષણિક આળસમાં જાહેરમાં કચરો ફેંકે કે થૂંકે તે હવે ચલાવી લેવાશે નહીં. મછપાલિકા સફાઈ કરશે અને નાગરિક ગંદકી કરશે તેવી માનસિકતાનો અંત લાવવો જરૂરી છે. જાહેર રસ્તા, ફૂટપાથ અને અન્ય જાહેર સ્થળો સૌની સામૂહિક મિલકત છે. તેને સ્વચ્છ રાખવાની જવાબદારી માત્ર મનપાની નથી, પરંતુ દરેક નાગરિકની પણ છે. આગામી દિવસોમાં શહેરના અલગ-અલગ વિસ્તારોમાં આવી જ રીતે સદન ચેકિંગ, સ્થળ પર કાર્યવાહી અને રપોટ એક્શન ચાલુ રહેશે તેમ કમિશનરે જણાવ્યું હતું.