Loading Please Wait !!!
ગુજરાતમાં 24 કલાક દુકાનો હોટલ ખુલ્લા રાખી શકાશે

બિલ પર ચર્ચા : પોલીસ કે અન્ય સ્થાનિક ઓથોરિટી આવીને બંધ નહીં કરાવી શકે
 
સ્વચ્છતા, ટ્રાફિક અને સલામતીની ચોકસાઈ રાખવાની રહેશે

સિટી ન્યૂઝ@ગાંધીનગર

ગુજરાતમાં દુકાનો, મોલ, રેસ્ટોરન્ટ, હોટલ, કાફે, ગૅરેજ, શોરૂમ સહિતના વ્યાવસાયિક એકમો હવે ૨૪ કલાક ખુલ્લા રાખી શકાશે. ગુમાસ્તા ધારા સુધારા વિધેયકમાં આ મહત્વપૂર્ણ જોગવાઈ કરવામાં આવી છે. પોલીસ કે અન્ય સ્થાનિક ઓથોરિટી આવીને આવા એકમોને મનસ્વી રીતે બંધ કરાવી શકશે નહીં. જોકે સંચાલકોએ પોતાના એકમની આસપાસ સ્વચ્છતા, ટ્રાફિક વ્યવસ્થા અને સલામતી અંગે જરૂરી તકેદારી રાખવી પડશે. અત્યાર સુધી

મહાનગરપાલિકા વિસ્તારો, હોસ્પિટલો, નેશનલ હાઈવે, રેલવે સ્ટેશન, પેટ્રોલપંપ અને બસ સ્ટેશન વિસ્તારોમાં જ ૨૪ કલાક દુકાનો ચાલુ રાખવાની છૂટ હતી. નગરપાલિકા અને રાજ્ય ધોરીમાર્ગ પરના એકમો માટે રાત્રે ૨થી સવારે ૬ વાગ્યા સુધી, જ્યારે અન્ય વિસ્તારોમાં રાત્રે ૧૧થી સવારે ૬ વાગ્યા સુધી દુકાનો બંધ રાખવાની જોગવાઈ હતી. સુધારા બાદ આ સમયમર્યાદા દૂર કરવામાં આવશે અને રાજ્યભરમાં વધુ વ્યાવસાયિક એકમોને રાત્રિ દરમિયાન પણ વ્યવસાય કરવાની તક મળશે.

કામદારોના હકો યથાવત્

દુકાનો અને વ્યાવસાયિક એકમોને ૨૪ કલાક ખુલ્લા રાખવાની છૂટ આપવામાં આવશે, પરંતુ કામદારોના હકો સાથે કોઈ સમાધાન કરવામાં આવશે નહીં. કામદારોની રજા, કામના કલાકો, વેતન અને સુરક્ષા સંબંધિત કાયદેસરની જોગવાઈઓ યથાવત્ રહેશે. સંચાલકોએ કામદારોને નિયમ મુજબ આરામ અને રજાની સુવિધા આપવી પડશે તેમજ કાર્યસ્થળે સલામતીના ધોરણોનું પાલન કરવું પડશે.

નોંધણી પ્રક્રિયામાં સરળતા

દુકાનોની નોંધણી હવે સેલ્ફ ડેક્લેરેશન થશે ઇન્સ્પેક્ટર રાજ ખતમ

સિટી ન્યૂઝ@ગાંધીનગર

ગુમાસ્તા ધારામાં નોંધણી પ્રક્રિયાને વધુ સરળ અને પારદર્શક બનાવવાની જોગવાઈ કરવામાં આવી છે. હવે દુકાન કે વ્યાવસાયિક એકમની નોંધણી માટે સેલ્ફ ડેક્લેરેશન અને સેલ્ફ સર્ટિફાઈડ દસ્તાવેજોના આધારે અરજી કરી શકાશે. અરજદાર દ્વારા રજૂ કરવામાં આવેલા દસ્તાવેજોના આધારે પ્રક્રિયા આગળ વધારવામાં આવશે. નોંધણીની અરજીની ચકાસણીમાં ઇન્સ્પેક્ટરની ભૂમિકા દૂર કરવામાં આવી છે. આથી વેપારીઓને કચેરીઓના અનાવશ્યક ધક્કા અને વિલંબમાંથી રાહત મળવાની શક્યતા છે. સરકારનો હેતુ વ્યવસાય શરૂ કરવાની પ્રક્રિયાને ઝડપી, સરળ અને ઓછા માનવીય હસ્તક્ષેપવાળી બનાવવાનો છે. આ સત્ર દરમિયાન ગુમાસ્તા ધારા સુધારા વિધેયક સહિત કુલ ૯ બિલ અંગે ચર્ચા કરવામાં આવશે.