Loading Please Wait !!!
મોંઘવારીથી સામાન્ય વર્ગ બેહાલ: ખાંડથી લઈને કાર સુધીના ભાવ વધ્યા

 

  • બિસ્કિટ, ટૂથપેસ્ટ અને હેર ઓઈલ જેવી દૈનિક ચીજોના ભાવોમાં સતત વધારો

  • કાચા માલ અને પરિવહન ખર્ચ વધતાં ગૃહિણીઓનું રસોડાનું બજેટ સંપૂર્ણ ખોરવાયું

  • શાકભાજીની સાથે ખાંડ, તેલ, ચોખા, આદુ અને લસણના ભાવ આસમાને પહોંચ્યા

સિટી ન્યુઝ @ નવી દિલ્હી

દેશમાં સામાન્ય જનતા માટે દિનપ્રતિદિન મોંઘવારીનો માર અસહ્ય બનતો જઈ રહ્યો છે અને રોજબરોજના વપરાશની તમામ ચીજવસ્તુઓના ભાવ વધતા સામાન્ય પરિવારોનું જીવન નિર્વાહ કરવું અત્યંત મુશ્કેલ બની ગયું છે. સરકાર દ્વારા રજૂ કરવામાં આવતા આર્થિક વિકાસના દાવાઓની સામે વાસ્તવિકતા એ છે કે સામાન્ય પરિવારો માટે મોંઘવારી કોઈ ટકાવારીના આંકડામાં નહીં, પરંતુ બજારમાં વધેલા બિલ સ્વરૂપે દેખાઈ રહી છે.

આ મોંઘવારીની સીધી અસર શાકભાજીના સ્ટોલથી લઈને કરિયાણાની દુકાનો તેમજ કારના શોરૂમ સુધી સ્પષ્ટપણે અનુભવાઈ રહી છે. સામાન્ય ઘરના દરેક ખૂણામાં ઉપયોગમાં લેવાતી રોજિંદી વસ્તુઓ જેવી કે બિસ્કિટ, ટૂથપેસ્ટ અને હેર ઓઈલ જેવી પ્રોડક્ટ્સ ખરીદવા જતાં પણ ગ્રાહકોને અગાઉ કરતાં ઘણા વધારે ભાવ ચૂકવવા પડી રહ્યા છે.

આર્થિક વિશ્લેષકોના જણાવ્યા મુજબ વૈશ્વિક સ્તરે ઈરાન સંકટના કારણે કાચા તેલના ભાવમાં થયેલો વધારો, કાચા માલની અછત તેમજ પેકેજિંગ અને માલ પરિવહન (ટ્રાન્સપોર્ટેશન) ખર્ચમાં થયેલો તોતિંગ ઉછાળો આ વ્યાપક મોંઘવારી પાછળનું મુખ્ય કારણ માનવામાં આવી રહ્યું છે.

બજારની સ્થિતિ એટલી કફોડી બની છે કે ભૂતકાળમાં શાકભાજી સાથે મફતમાં મળતી કોથમીર પણ આજે ₹220 પ્રતિ કિલોના ભાવે વેચાઈ રહી છે. આ ઉપરાંત જીવનજરૂરી ખાદ્યચીજો જેવી કે ખાંડ, ચોખા, ખાદ્યતેલ, આદુ અને લસણના ભાવો આસમાને પહોંચી જતાં મધ્યમ અને ગરીબ વર્ગના રસોડાનું માસિક બજેટ સંપૂર્ણપણે અસ્તવ્યસ્ત થઈ ગયું છે.

આમ સામાન્ય જરૂરિયાતની ચીજોથી લઈને ફોર વ્હીલર વાહનો સુધીના દરેક સેક્ટરમાં ભાવવધારો થવાના કારણે સામાન્ય નાગરિકો પર આર્થિક બોજ વધી રહ્યો છે. બજારમાં વધતી જતી આ મોંઘવારી સામાન્ય પરિવારોની બચત પર સીધો પ્રહાર કરી રહી છે, જેના કારણે સામાન્ય જનજીવન ભારે મુશ્કેલીમાં મુકાયું છે.

સામાન્ય વર્ગ મોંઘવારીથી ત્રસ્ત ખાંડ-શાકભાજી મોંઘાદાટ

દેશમાં સામાન્ય પરિવારો માટે રોજિંદા વપરાશની વસ્તુઓ મોંઘી થતાં ઘર ચલાવવું મુશ્કેલ બન્યું છે. ઈરાન સંકટ, કાચા માલ અને ટ્રાન્સપોર્ટ ખર્ચ વધવાના કારણે ખાંડ, તેલ, ચોખા સહિત શાકભાજીના ભાવ આસમાને પહોંચ્યા છે. કોથમીર ₹220 પ્રતિ કિલો સુધી પહોંચતાં રસોડાનું બજેટ ખોરવાયું છે અને જીવનજરૂરી ચીજો મોંઘી થતાં સામાન્ય વર્ગ બેહાલ બન્યો છે.

 = રસોઈનું બજેટ બગડયું

ખાંડની કિંમતમાં બે મહિનામાં લગભગ 40 ટકાનો વધારો થયો છે. ટાટા કન્ઝયુમર પ્રોડકટસે મીઠાના એક પેકેટની કિંમત અગાઉથી જ 30 રૂપિયાથી વધારીને 32 રૂપિયા કરી નાખી છે. સરસવથી માંડીને સૂરજમુખી, મગફળી, પામ ઓઈલ 10થી27 ટકા મોંઘા થઈ ગયા છે. પતંજલી ફુડસ સહિત અનેક કંપનીઓએ ખાદ્ય તેલની કિંમતો વધારી છે.

= ટાયર, પેઈન્ટ, એસી પણ મોંઘા
જે.કે.ટાયર સપ્ટેમ્બરના અંત સુધીમાં ટાયરોના ભાવમાં 11થી13 ટકા ભાવ વધારવાની યોજના બનાવી રહ્યું છે. તેમાં છેલ્લા બે મહિનામાં 5થી6 ટકાનો થયેલો વધારો સામેલ છે. અન્ય ટાયર કંપનીઓ પણ ભાવવધારો કરવાની તૈયારીમાં છે. ફેબ્રુઆરીથી એપ્રિલ દરમિયાન એર કન્ડીશનરની કિંમતોમાં લગભગ 15 ટકા સુધીનો વધારો થયો છે, તેનું કારણ મોંઘુ તાંબુ, માલ પરિવહન, નબળો પડેલો રૂપિયો છે. એશિયન પેઈન્ટસએ પણ કિંમતોમાં લગભગ 12 ટકાનો વધારો કર્યો છે.

= રોજબરોજના વપરાશની ચીજોના ભાવમાં વધારો
ડાબરે તેના હેર ઓઈલ અને અન્ય ઉત્પાદનોની કિંમત વધારી દીધી છે. કોલગેટ, પામોલીવ ટુથપેસ્ટ સહિત અન્ય ઉત્પાદનોના દામ પણ વધારી દીધા છે. બ્રિટાનીયાએ સપ્ટેમ્બર ત્રિમાસિકમાં બિસ્કુટના ભાવમાં 15.2 ટકાનો વધારો કરવાનું કે 5-10 રૂપિયાવાળા પેકેટનું વજન ઘટાડવાનું વિચાર કરી રહી છે. હિન્દુસ્તાન યુનિલીવરે ઈનપુટ કોસ્ટમાં 2-5 ટકા વધારાની આશંકા છે, જેથી આબુ અને ડિટરજન્ટ મોંઘા થઈ શકે છે.

= કાર ખરીદવામાં ખિસ્સુ હળવુ થઈ શકે છે
ટાટા મોટર્સ પેસેન્જર વ્હીકલ્સે પોતાના યાત્રી વાહનોમાં સપ્ટેમ્બરથી 25 હજાર રૂપિયા સુધીના વધારાની જાહેરાત કરી છે. કાચો માલ અને અન્ય કોમોડીટીના વધતા ખર્ચના કારણે હુંડઈ મોટર્સે પણ સપ્ટેમ્બરથી પોતાના બધા મોડલોમાં 1 ટકા સુધી ભાવ વધારાની જાહેરાત કરી છે. મારુતી સુઝુકીએ પણ ઓગષ્ટમાં પોતાની કારોની કિંમતમાં 30 હજાર રૂપિયા સુધીનો વધારો કરી નાખ્યો છે.

= મોંઘવારી ઘટાડવાના રિઝર્વ બેન્કના ઉપાયો પણ ખિસ્સાનો બોજ વધારશે!
જો આવનારા દિવસોમાં ખાવા-પીવાની વસ્તુઓ અને ઈંધણની કિંમતો આ રીતે વધતી રહી તો આરબીઆઈ વ્યાજ દર વધારી શકે છે. આરબીઆઈ એમપીસીની મિનિટસમાં તેના સભ્યોને સ્પષ્ટ સંકેત આપ્યા છે કે વધતી મોંઘવારી પર લગામ લગાવવા માટે ચાલુ નાણાકીય વર્ષમાં વ્યાજદરમાં વધારો કરી શકે છે.

આથી બની શકે કે મોંઘવારીમાં કંઈક ઘટાડો થાય પણ એથી બધા પ્રકારની લોનો મોંઘી થઈ જશે અને હાલના ઈએમઆઈ વધી જશે, જેથી આમ આદમીના ખિસ્સા પર બોજ વધી જશે.