Loading Please Wait !!!
નકલી 'રોયલ સ્ટેગ'ની 13 પેટી હજુ ગુમ 156 બોટલથી 468 લોકોના જીવ પર જોખમ?

 
  • ભાવનગર લઠ્ઠાકાંડમાં ભયાવહ ગણિત
  • મધ્યપ્રદેશમાં પરપ્રાંતિયના ઘરમાં બનાવેલ 28 પેટી દારૂ ગુજરાત આવ્યો હતો
  • 15 પેટી નકલી દારૂ શોધવામાં પોલીસ સફળ હજુ 13 પેટી ગોતવા ઊંધામાથે

સિટી ન્યૂઝ@ભાવનગર
ભાવનગરમાં નકલી દારૂ પીવાના બનાવમાં ૫ લોકોનાં મોત અને ૨૦ લોકો ગંભીર હાલતમાં હોવાના અહેવાલ વચ્ચે પોલીસ માટે વધુ એક મોટો પડકાર ઊભો થયો છે. તપાસ દરમિયાન મધ્યપ્રદેશથી ગુજરાતમાં નકલી દારૂની ૨૮ પેટીઓ આવી હોવાની માહિતી સામે આવી છે. પોલીસે તેમાંથી ૧૫ પેટી ઝડપી લીધી છે, જ્યારે બાકી રહેલી ૧૩ પેટી દારૂની શોધખોળ હાથ ધરવામાં આવી છે. પોલીસ માટે આ ૧૩ પેટી શોધવી મહત્વપૂર્ણ બની છે, કારણ કે જો આ દારૂ બજારમાં પહોંચ્યો હોય તો વધુ લોકોના જીવ જોખમમાં મુકાઈ શકે છે. એક પેટીમાં ૧૨ બોટલ ગણીએ તો ૧૩ પેટીમાં કુલ ૧૫૬ બોટલ થાય છે. આપેલા અંદાજ મુજબ એક બોટલ ત્રણ લોકો સુધી પહોંચે તો ૪૬૮ લોકો સુધી સંભવિત જોખમ ઊભું થઈ શકે છે. આ આંકડો માત્ર સંભવિત ગણતરી છે અને વાસ્તવિક અસર કેટલી થઈ શકે તે તપાસ બાદ જ સ્પષ્ટ થશે. દરમિયાન, શંકાસ્પદ નકલી દારૂનું સેવન ન કરવા માટે લોકોને સાવચેત રહેવાની અપિલ કરવામાં આવી છે. ખાસ કરીને ગામડાઓમાં આ દારૂનો સપ્લાય થયો હોવાની આશંકાને પગલે પોલીસ દ્વારા તપાસ અને શોધખોળ વધુ તેજ કરવામાં આવી છે. ૧૩ પેટી ઝડપથી શોધી કાઢવામાં આવે તે જરૂરી છે, જેથી સંભવિત રીતે વધુ લોકો આ જીવલેણ દારૂની ઝપેટમાં ન આવે.