Loading Please Wait !!!
રાજકોટ અને દ્વારકા સ્ટેશનોનું પશ્ચિમ રેલવેના જનરલ મેનેજરે કર્યું નિરીક્ષણ

  • મુસાફર સુવિધા, સ્વચ્છતા અને સુરક્ષાની સમીક્ષા; રાજકોટ ગૂડ્સ શેડના 28.71 કરોડના પુનર્વિકસિત કાર્યોનું લોકાર્પણ

સિટી ન્યૂઝ@રાજકોટ

પશ્ચિમ રેલવેના જનરલ મેનેજર રામાશ્રય પાંડેએ રાજકોટ અને દ્વારકા રેલવે સ્ટેશનોનું નિરીક્ષણ કરી મુસાફર સુવિધાઓ, સ્વચ્છતા, સુરક્ષા અને રેલ સંચાલન વ્યવસ્થાની સમીક્ષા કરી હતી. આ દરમિયાન રાજકોટમાં રૂ.૨૮.૭૧ કરોડના ખર્ચે પુનર્વિકસિત કરવામાં આવેલા રાજકોટ ગૂડ્સ શેડના કાર્યોનું લોકાર્પણ પણ કરવામાં આવ્યું હતું.

રાજકોટ ગૂડ્સ શેડમાં આધુનિક RCC પ્લેટફોર્મ અને રોડ કનેક્ટિવિટી, નવું બે માળનું ગૂડ્સ ઓફિસ બિલ્ડિંગ, સુરક્ષા અને લાઇટિંગ સિસ્ટમ, વરસાદી પાણીના નિકાલની સુવિધા તેમજ લોડિંગ-અનલોડિંગની વ્યવસ્થામાં સુધારા કરવામાં આવ્યા છે. ત્રણ રેલ ટ્રેકને પૂર્ણ રેક લંબાઈ સુધી લંબાવવામાં આવ્યા છે. આ સુવિધાઓથી માલ સંચાલન ક્ષમતામાં વધારો થવાની સાથે વેપાર-ઉદ્યોગ જગતને વધુ સારી લોજિસ્ટિક્સ સુવિધા મળશે.

આ પ્રસંગે જનરલ મેનેજર રામાશ્રય પાંડે, DRM ગિરિરાજ કુમાર મીના સહિતના અધિકારીઓએ ગૂડ્સ શેડ પરિસરમાં વૃક્ષારોપણ પણ કર્યું હતું.

દ્વારકા સ્ટેશનના કામોની પણ સમીક્ષા

દ્વારકા સ્ટેશનની મુલાકાત દરમિયાન અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ ચાલી રહેલા વિકાસ કાર્યોની પ્રગતિની સમીક્ષા કરવામાં આવી હતી. ફૂટ ઓવર બ્રિજ, લિફ્ટ, પ્લેટફોર્મ, વેઇટિંગ રૂમ, કેટરિંગ સ્ટોલ, એક્ઝિક્યુટિવ લાઉન્જ અને સર્ક્યુલેટિંગ એરિયાનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. દ્વારકા સ્ટેશનના વિકાસ કાર્યો સમયમર્યાદામાં પૂર્ણ કરવા તેમજ સ્ટેશન પર સ્વચ્છતા, સુરક્ષા અને મુસાફર સુવિધાઓ વધુ મજબૂત બનાવવા જનરલ મેનેજરે અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપી હતી.

રાજકોટ સ્ટેશનના વિકાસ કાર્યોની સમીક્ષા

જનરલ મેનેજરે અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ રાજકોટ સ્ટેશન પર ચાલી રહેલા પુનર્વિકાસ કાર્યોનું નિરીક્ષણ કર્યું હતું. રુખડિયા કોલોની તરફ નિર્માણાધીન બીજા પ્રવેશદ્વાર, પ્લેટફોર્મ, કેટરિંગ સ્ટોલ, AC અને સ્લીપર ક્લાસ વેઇટિંગ રૂમ, બુકિંગ ઓફિસ, કૂ લોબી, પાર્સલ ઓફિસ તથા દિવ્યાંગજનો માટેની સુવિધાઓની સમીક્ષા કરી હતી. પ્રસ્તાવિત ૧૨ મીટર પહોળા ફૂટ ઓવર બ્રિજ સહિતના વિકાસ કાર્યો નિર્ધારિત ગુણવત્તા અને ધોરણો મુજબ ઝડપથી પૂર્ણ કરવા અધિકારીઓને સૂચના આપવામાં આવી હતી.

રેલવે કોલોનીમાં કર્મચારીઓ સાથે સંવાદ

રાજકોટની રેલવે લોકો કોલોનીની મુલાકાત દરમિયાન જનરલ મેનેજરે રેલવે કર્મચારીઓ અને તેમના પરિવારો સાથે સંવાદ કર્યો હતો. રહેણાંક સુવિધાઓ અંગે માહિતી મેળવી જરૂરી સુધારા માટે કર્મચારીઓના સૂચનો પણ જાણ્યા હતા. કર્મચારી કલ્યાણ સાથે સંકળાયેલા કાર્યોને પ્રાથમિકતા આપવા અધિકારીઓને સૂચના આપવામાં આવી હતી.