ઈદે મિલાદુન્નબીની રાજકોટમાં ઉજવણી, હજારો મુસ્લિમ બિરાદરો ઝૂલુસમાં જોડાયા
સિટી ન્યૂઝ@રાજકોટ
વિશ્વને અમન, શાંતિ અને ભાઈચારાનો સંદેશ આપનાર હઝરત મહમદ પૈગમ્બર સાહેબના જન્મદિવસ નિમિત્તે ઈદે મિલાદુન્નબીની રાજકોટમાં કોમી એકલાસભર્યા વાતાવરણમાં ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. મુસ્લિમ સમાજ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં રોશનીનો શણગાર કરવામાં આવ્યો હતો અને હજારો બિરાદરોએ ઉત્સાહપૂર્વક ઉજવણીમાં ભાગ લીધો હતો.
ઈદે મિલાદુન્નબી કમિટીના પ્રમુખ યુનુસભાઈ જૂણેજાના માર્ગદર્શન હેઠળ સવારે શહેરના વિવિધ વિસ્તારોમાંથી ઝૂલુસ નીકળ્યા હતા. બાદમાં તમામ ઝૂલુસ ત્રિકોણબાગ ખાતે એકત્ર થયા હતા અને ત્યાંથી વિશાળ ઝૂલુસ ઢેબર ચોક, નાગરિક બેંક ભવન, મોચીબજાર તથા કોર્ટ થઈ હઝરત ગેબનશા પીરની દરગાહ ખાતે પહોંચ્યો હતો. જ્યાં સલાતો સલામ પેશ કરવામાં આવ્યા હતા.
1,000થી વધુ વાહનો સાથે નીકળેલા ઝૂલુસમાં સફેદ વસ્ત્રોમાં સજ્જ બિરાદરો જોડાયા; શહેરમાં ઠેરઠેર ન્યાઝ અને ઠંડા પીણાંનું વિતરણ
ઝૂલુસમાં સફેદ વસ્ત્રોમાં સજ્જ હજારો મુસ્લિમ બિરાદરો ૧,૦૦૦ જેટલા વાહનો સાથે જોડાયા હતા.
ઈદે મિલાદુન્નબી નિમિત્તે શહેરની મસ્જિદો અને મુસ્લિમ વિસ્તારોને રંગબેરંગી રોશનીથી શણગારવામાં આવ્યા હતા. અગાઉની રાત્રે મુસ્લિમ સમાજ દ્વારા મોટી રાત તરીકે ધાર્મિક ભાવનાથી ઉજવણી કરવામાં આવી હતી. મસ્જિદોમાં નમાઝ, રાતભર ઇબાદત અને સલાતો સલામ સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા.
ઈદે મિલાદુન્નબી કમિટી દ્વારા તહેવાર નિમિત્તે વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ પણ કરવામાં આવી હતી. પાંજરાપોળમાં અબોલ પશુઓ માટે ઘાસચારો, વૃદ્ધાશ્રમમાં ભોજન તેમજ સિવિલ હોસ્પિટલમાં દર્દીઓને ફળનું વિતરણ કરવામાં આવ્યું હતું. ઉપરાંત શહેરના વિવિધ વિસ્તારોમાં ન્યાઝ, ખાદ્ય ચીજવસ્તુઓ, લસ્સી, કોલ્ડ ડ્રિંક સહિતના ઠંડા પીણાંનું વિતરણ કરવામાં આવ્યું હતું.
ઈદે મિલાદુન્નબીના પર્વને પ્રેમ, શાંતિ, ભાઈચારો અને માનવતાના સંદેશ સાથે ઉજવવામાં આવ્યો હતો. મુસ્લિમ બિરાદરોએ પરસ્પર ગળે મળી ઈદની મુબારકબાદી પાઠવી હતી અને દેશના વિકાસ, સુખ-શાંતિ તથા ભાઈચારાની ભાવના જળવાઈ રહે તે માટે દુઆ કરી હતી.