રાજકોટ પ્ર-નગર પોલીસને ‘પૂરાવા’ આપ્યા તોય ફરિયાદ લેતી નથી !
- રેલનગરની મારામારી CCTVમાં કેદ છતાંય FIR નહીં
- ફરિયાદીએ બૂકી વિરૂધ્ધ પોલીસને જાણ કરી હોવાનો ખાર રાખી ઘર પાસે આવી અધમૂંઓ કરી નાંખ્યો
- રાજકોટ પોલીસ ખૌફ બતાવાની જગ્યાએ આરોપીઓને કેમ છાવરે છે ?
સિટી ન્યૂઝ@રાજકોટ
શહેરમાં અસામાજિક તત્વોનો આતંક હોવાના આક્ષેપ વચ્ચે રેલનગર શિવાલય ચોક નજીક યુવક પર હુમલાની ઘટના સામે આવી છે. ફરિયાદીના જણાવ્યા મુજબ ૨૪ ઓગસ્ટના રોજ જયેશ નામના યુવક પર ત્રણ શખ્સોએ લાકડાના ધોકા સહિતની વસ્તુઓ વડે હુમલો કર્યો હતો. સમગ્ર ઘટનાના CCTV ફૂટેજ પણ ઉપલબ્ધ હોવાનો ફરિયાદીનો દાવો છે.
ફરિયાદી પક્ષના આક્ષેપ મુજબ IPL ટૂર્નામેન્ટ દરમિયાન શાહરૂખ નામના સટ્ટાબાજ અંગે પોલીસને માહિતી આપ્યાનો ખાર રાખીને જયેશ પર હુમલો કરવામાં આવ્યો હતો. ત્રણેય શખ્સોએ યુવકને રસ્તા પર ઘેરીને માર માર્યો હોવાનો આક્ષેપ છે.
હુમલામાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા જયેશને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. બીજા દિવસે પરિવારજનો સાથે તે પ્રદ્યુમનનગર પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો અને સમગ્ર ઘટનાની ફરિયાદ નોંધાવવા રજૂઆત કરી હતી.
ફરિયાદી પક્ષનો આક્ષેપ છે કે ઘટનાને ત્રણ દિવસ વીતી ગયા છતાં પ્રદ્યુમનનગર પોલીસ દ્વારા ફરિયાદ નોંધવામાં આવી નથી. CCTV ફૂટેજ ઉપલબ્ધ હોવા છતાં કાર્યવાહી ન થતાં પરિવારજનોમાં રોષ ફેલાયો છે.
ફરિયાદીનું કહેવું છે કે હુમલાની ઘટના CCTVમાં કેદ થઈ હોવા છતાં પોલીસ ફરિયાદ નોંધવામાં વિલંબ કરી રહી છે. હવે પોલીસ સ્ટેશનના ધક્કા ખાઈને થાકેલા ફરિયાદીએ કોર્ટમાં ફરિયાદ કરવાની તૈયારી શરૂ કરી હોવાનું જાણવા મળે છે.
હુમલાની ઘટના, CCTV ફૂટેજ અને ઈજાગ્રસ્તની સારવાર સહિતના પુરાવા હોવા છતાં ફરિયાદ નોંધવામાં વિલંબ થયો હોવાના આક્ષેપથી પોલીસની કામગીરી સામે પણ સવાલો ઉઠી રહ્યા છે.