રાજકોટના મેયર, ડે.મેયર, ચેરમેનના નામ હાઈકમાન્ડ આવતીકાલે નક્કી કરશે ?
=> મુર્ર્ત નીકળ્યું: ચૂંટણી પરિણામોના મહિના બાદ 28મી મે શહેરને મળશે નવા મેયર
=> સસ્પેન્સ હજુ યથાવત; સંભવિત નામોમાં મેયર પદે સ્નેહલ શુકલ, મનીષ ભટ્ટ નરેન્દ્રસિંહ જાડેજાના નામો હોટ ફેવરિટ
=> સ્ટેન્ડિંગ ચેરમેનમાં અશ્વિન ભોરણિયા, દિલીપ લુણાગરિયા, પરેશ પીપળીયા, ઘનશ્યામ હેરભાના નામો ચાલ્યા
=> ડેપ્યૂટી મેયરમાં દક્ષાબેન વસાણી, રસિલાબેન સાકરિયા
સિટી ન્યૂઝ@રાજકોટ
રાજકોટ મહાપાલિકાના મેયર, ડે.મેયર અને સ્થાયી ચેરમેનની નિમણૂંકનું ગૂંચવાયેલુ કોકડું 28 મીએ ઉકેલાશે. મેયર પદ માટે દાવેદારો સહિતના નગરસેવકોમાં થનગનાટ શરૂ થઈ ગયો છે. પ્રદેશ પાર્લામેન્ટરીમાં શહેરની નેતાગીરીએ મૂકેલા નામ સિવાય અન્ય બે નામ આવશે તેવી સ્પષ્ટતા પ્રદેશની નેતાગીરીએ કરી હતી. સૂત્રોએ આપેલી માહિતી મુજબ સ્ટેન્ડિંગ ચેરમેનના હોદ્દા માટે પ્રદેશ તરફથી ચોંકાવનારૂ નામ આવે તેવી શક્યતા છે જે નામ ચર્ચામાં છે તેમાં અશ્વિન ભોરણિયા, દિલીપ લુણાગરિયા પરેશ પીપળીયા, ઘનશ્યામ હેરભાના નામો ચાલી રહ્યા છે જ્યારે ડેપ્યુટી મેયરમાં રસિલાબેન સાકરીયા દક્ષાબેન વસાણીના નામોની ચર્ચાઓ ચાલી રહી છે. જ્યારે મેયર પદ માટે સૌથી આગળ સ્નેહલ શુકલનું નામ છે બાદમાં મનિષ ભટ્ટ અને નરેન્દ્રસિંહ જાડેજાનું નામ પણ મેયર પદની રેસમાં ચાલી રહ્યું છે.
22 મીએ મ્યૂ. કમિશનર મેયર, ડે.મેયર અને સ્થાયી નામોની જાહેરાત માટે એજન્ડા પ્રસિધ્ધ કરશે જેના 5 દિવસ બાદ 28 મીએ જનરલ બોર્ડમાં નવા સભ્યોની જાહેરાત થશે. રાજકોટના મેયર કોણ તે સાચી ખબર તો 28 મીએ સવારે જ પડશે પણ હજુ સુધી રાજકોટના મેયર કોણ તેની પ્રદેશમાં કોઈ ચર્ચા નથી. આવતીકાલે ગુરૂવારે રાજકોટના નામો ફાઈનલ કરવામાં આવશે. હજુ સુધી કોઈના નામો ફાઈનલ થયા નથી તેવું જાણવા મળી રહ્યું છે.
હજુ મેયરની જાહેરાતને આઠ દિવસનો સમય બાકી છે ત્યારે રાજકોટનાં ભાજપનાં અલગ-અલગ જૂથનાં લોકોએ છેક ગાંધીનગર અને દિલ્હી સુધી પોતાના મરતીયાઓને પદ આપવા માટે જબરદસ્ત લોબિગ શરૂ કર્યું છે.