Loading Please Wait !!!
રાજકોટમાં ફરાળના નામે ફ્રોડ સાથે ભેળસેળનો કાળો કારોબાર !

  • ધાર્મિક આસ્થા સાથે ખિલવાડ; જૈન સ્વિટ્સમાંથી મળી આવી મકાઈના લોટવાળી પેટીસ
  • ફૂડ વિભાગનો સપાટો, 44 પેઢીઓમાં દરોડા પાડી 52 કિલો અખાદ્ય જથ્થાનો નાશ કર્યો
 
સિટી ન્યૂઝ@રાજકોટ

પવિત્ર તહેવારોના દિવસોમાં ફરાળના નામે લોકોના આરોગ્ય સાથે ગંભીર ચેડાં થતા હોવાની આશંકા વચ્ચે રાજકોટ મહાનગરપાલિકા (RMC) ના ફૂડ વિભાગે શહેરમાં લાલ આંખ કરી છે. ફરાળી પેટીસ અને અન્ય ફરાળી ખાધ્યચીજોમાં સ્ટાર્ચ કે અન્ય રો-મટરિયલની ભેળસેળ રોકવા તેમજ ગંદકી કરતા એકમો સામે કડક કાર્યવાહી કરવા ફૂડ વિભાગ દ્વારા મેગા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ સર્વેલન્સ ડ્રાઈવ અંતર્ગત કુલ ૪૪ જેટલી પેઢીઓમાં ઘનિષ્ઠ તપાસ કરવામાં આવી હતી, જેના કારરો ભેળસેળિયા વેપારીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે.

આ આકરા ચેકિંગ દરમિયાન ફૂડ વિભાગની ટીમે ૫૨ કિલો જેટલો વાસી અને અખાદ્ય જથ્થો પકડી પાડી તેને ઘટનાસ્થળે જ નાશ કર્યો હતો. હાઈજેનિક કન્ડિશન, યોગ્ય સ્ટોરેજ અને લાયસન્સના અભાવે ૩ પેઢીઓને કડક નોટિસ ફટકારવામાં આવી છે અને કુલ રૂ. ૩,૫૦૦નો વહીવટી દંડ વસૂલવામાં

આવ્યો છે. ખાસ કરીને ‘જૈન સ્વિટ નમકીન & સ્નેક્સ’માંથી મકાઈ અને બંટેટાના સ્ટાર્ચવાળો ૩૨ કિલો અખાદ્ય માવો ઝડપાયો હતો, જ્યારે ‘કૃષ્ણામ કાઠિયાવાડી’માંથી વાસી સબ્જી અને બાંધેલા લોટ સહિતનો ૨૦ કિલો જથ્થો નાશ કરી દંડ વસૂલવામાં આવ્યો હતો.

માત્ર નાશ અને દંડ પૂરતી જ કાર્યવાહી સીમિત ન રાખતા, ફૂડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ (FSS-એક્ટ) હેઠળ વિવિધ ફરસણ અને મીઠાઈની દુકાનોમાંથી કુલ ૧૭ શંકાસ્પદ ખાદ્યપદાર્થોના નમૂના લેવામાં આવ્યા છે. જેમાં ફરાળી પેટીસનો લોટ, તીખા

ગાંઠિયા, પાપડી, સેવ, શક્કરપારા, ગુલાબ પુરી અને ખારા સાકરપારા જેવા લુઝ ફરસવાનો સમાવેશ થાય છે. શ્રી લક્ષ્મી સ્વીટ, હર બોલે ફરસણ, જલારામ ફરસણ અને ચામુંડા ફરસણ સહિતની અનેક જાણીતી પેઢીઓમાંથી આ સેમ્પલ લઈ લેબોરેટરીમાં તપાસ અર્થે મોકલી આપવામાં આવ્યા છે.

આ ઉપરાંત, નાગરિકોના આરોગ્યની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે ફૂડ વિભાગ દ્વારા ગુરુ પ્રસાદ ચોક, રૈયા રોડ, કાલાવડ રોડ અને ૧૫૦ ફૂટ રીંગ રોડ સહિતના વિસ્તારોમાં આવેલી વધુ ૨૬ જેટલી પેઢીઓ પર સ્થળ તપાસ કરવામાં આવી હતી. જેમાં ડેરી ફાર્મ, પ્રોવિઝન સ્ટોર, પાન પાર્લરથી માંડીને જાણીતી રેસ્ટોરેન્ટ્સ જેવી કે બર્ગેર કિંગ, સેલિબ્રેશન ફેમિલી રેસ્ટોરેન્ટ અને પટેલ વિહાર રેસ્ટોરેન્ટનો પણ સમાવેશ થાય છે. તંત્રની આ ઝુંબેશ સ્પષ્ટ સંકેત આપે છે કે લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરનારા અને અખાદ્ય સામગ્રી વેચનારાઓ સામે કોઈ પણ પ્રકારની બાંધછોડ ચલાવી લેવામાં આવશે નહીં.