આર.પી.જાડેજાના કુટુંબીજનોનું દોઢ કરોડની જગ્યા પર દબાણ
=> નાનામવામાં દબાણ કર્યાનો પર્દાફાશ
સિટી ન્યૂઝ@રાજકોટ
રાજકોટના નાનામવા વિસ્તારમાં જમીનની કિંમતો આસમાને છે. એક વારનો ભાવ એકથી દોઢ લાખ રૂપિયા બોલાઈ રહ્યો છે. ત્યારે 107 ચો.મી. એટલે કે 128 વારની આશરે દોઢ કરોડ રૂપિયાની રોડ કાંઠાની જમીન પર ગામના પરિવારે દબાણ કર્યાનો પર્દાફાશ થયો છે.નાનામવાના પ્રતિષ્ઠિત જાડેજા પરિવાર દ્વારા સરકારી ગામતળ અને રસ્તાની જગ્યા પર ત્રણ પેઢીથી દબાણ કરવામાં આવ્યું હોવાનું પ્રાંત અધિકારીના ચુકાદામાં સામે આવ્યું છે. અરજદારોએ પોતાની જમીન ઓછી નોંધાઈ હોવાનો દાવો કરી અપીલ કરી હતી, પરંતુ તપાસમાં તેઓએ 107 ચોરસ મીટર સરકારી જગ્યા પચાવી પાડી હોવાનું સાબિત થતા અપીલ ફગાવી દેવામાં આવી છે.નાનામવા સિટી સરવે વોર્ડના સરવે નંબર 3519થી 3522ની જમીન બાબતે સ્વ.પ્રવીણસિંહ શિવુભા જાડેજા, સ્વ.જગદીશસિંહ શિવુભા જાડેજા અને સ્વ. નરેન્દ્રસિંહ શિવુભા જાડેજાના વારસદારો રહેન્દ્રસિંહ ઉર્ફે આર.પી. જાડેજા સહિતના કુટુંબીજનોએ પ્રાંત અધિકારી શહેર-1 સમક્ષ અપીલ કરી હતી.તેઓની રજૂઆત હતી કે પ્રોપર્ટી કાર્ડમાં ચારેય સરવે નંબરનું કુલ ક્ષેત્રફળ 1623.01 ચોરસ મીટર નોંધાયેલું છે. પરંતુ વાસ્તવમાં તેઓનો સ્થાનિક કબજો 1771.11 ચોરસ મીટર પર છે. તેઓએ દાવો કર્યો હતો કે 1950 પહેલાથી તેઓનો રાવળા હક્ક છે અને હક્કચોકસી અધિકારીએ ભૂલથી 148.11 ચોરસ મીટર જમીન ઓછી નોંધી છે.આ મામલે પ્રાંત અધિકારી ડૉ.સી.એમ. પરમારે સિટી સરવે સુપરિન્ટેન્ડન્ટ પાસે સ્થળ તપાસ અને માપણી કરાવતા 3 જાન્યુઆરી 2026ના રોજ નવો રિપોર્ટ રજૂ થયો હતો. નવી માપણી મુજબ અરજદારોનો વાસ્તવિક કબજો 1730.01 ચોરસ મીટર હોવાનું જણાયું હતું. રેકોર્ડ મુજબની 1623.01 ચોરસ મીટર જમીન બાદ કરતા અરજદારો પાસે 107 ચોરસ મીટર વધારાની જમીનનો કબજો જોવા મળ્યો હતો. તપાસમાં ખુલ્યું હતું કે આ 107 ચોરસ મીટર જમીન પૈકી 80 ચોરસ મીટર જમીન ગામતળની અને 27 ચોરસ મીટર જમીન રસ્તાની છે. આ વધારાની જમીન પર માલિકી સાબિત કરવા અરજદારો કોઈ પુરાવા રજૂ કરી શક્યા ન હતા. જેથી પ્રાંત અધિકારીએ સ્પષ્ટ તારણ આપ્યું કે, અરજદારોના કબજામાં રહેલી આ 107 ચોરસ મીટર જગ્યા પર ગેરકાયદે દબાણ કરવામાં આવ્યું છે.
સામાકાંઠે દેશી દારૂ પીવાથી બે લોકોના શંકાસ્પદ મોત
રાજકોટ શહેરમાંથી એક હૃદયકંપાવનારી ઘટના સામે આવી છે. શહેરના સામા કાંઠા વિસ્તારમાં આવેલી ભગીરથ સોસાયટીમાં રવિવારે દેશી દારૂ પીધા બાદ બે વ્યક્તિઓના શંકાસ્પદ સંજોગોમાં મોત નીપજ્યા છે. આ ઘટનાને પગલે સ્થાનિક કક્ષાએ દેશી દારૂના દૂષણ સામે જનઆક્રોશ ફાટી નીકળ્યો છે.મળતી વિગતો અનુસાર, ભગીરથ સોસાયટીમાં રહેતા મનસુખ ડાભી અને અલ્પેશ સાબરિયા નામના બે વ્યક્તિઓ પરસ્પર ગાઢ મિત્રો હતા.આ બંને મિત્રો નિયમિત રીતે દેશી દારૂ પીવાની કુટેવ ધરાવતા હોવાનું સામે આવ્યું છે. દરરોજની જેમ રવિવારે પણ બંનેએ સ્થાનિક સ્તરેથી દેશી દારૂ મેળવીને પીધો હતો. જો કે, દારૂ પીધાના થોડા જ સમયમાં બંનેની તબિયત લથડી હતી અને જોતજોતામાં બંનેના કરુણ મોત નીપજ્યા હતા. એક સાથે બે વ્યક્તિઓના મરણ થતાં જ સ્થાનિક પોલીસ સહિત રાજકોટ ક્રાઇમ બ્રાન્ચનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો.