Loading Please Wait !!!
ભારતમાં એક માત્ર ! જૂનાગઢમાં પુરૂષોત્તમરાયજી મંદિર આસ્થાનું કેન્દ્ર

=> પુરુષોત્તમ માસ શરૂ થતાં જ અહીં દેશભરમાંથી હજારો વૈષ્ણવો ઉમટી પડે છે અને દરરોજ પ્રભુની પરિક્રમા કરીને ધન્યતા અનુભવે છે

=> પુરૂષોત્તમ માસનો મહામહિમ પ્રારંભ: ભક્તિનો મહાસાગર ઉમટ્યો

સિટી ન્યૂઝ@જૂનાગઢ 

સૌરાષ્ટ્રની પાવન અને ઐતિહાસિક ભૂમિ જૂનાગઢના ગિરનારની તળેટીમાં આવેલા પૌરાણિક દામોદર કુંડ ખાતે આજથી પવિત્ર પુરુષોત્તમ માસ (અધિક માસ)ની ભક્તિભાવપૂર્વક શરૂઆત થઈ રહી છે. અહીં આવેલા સુપ્રસિદ્ધ રાધા દામોદરજી મંદિર ખાતે ભગવાન સ્વયં 'પુરુષોત્તમ સ્વરૂપે' બિરાજમાન છે. પુરાણોમાં જેનો સ્પષ્ટ ઉલ્લેખ જોવા મળે છે તેવું સમગ્ર ભારતભરમાં આ એકમાત્ર પૌરાણિક ભગવાન પુરુષોત્તમરાયજીનું અતિ દિવ્ય અને પ્રભાવશાળી સ્વરૂપ છે. આ પવિત્ર માસ દરમિયાન અહીં પ્રભુના માત્ર દર્શન કરવાથી પણ અક્ષય પુણ્યની પ્રાપ્તિ થાય છે, તેવી દ્રઢ ધાર્મિક માન્યતા છે.વૈજ્ઞાનિક અને આધ્યાત્મિક દ્રષ્ટિએ હિન્દુ પંચાંગ અનુસાર સમગ્ર વર્ષ દરમિયાન અંદાજે 10 જેટલી તિથિઓનો ક્ષય થાય છે. જેના પરિણામે દર 3 વર્ષે એક વધારાનો મહિનો ઉમેરાય છે, જેને લોકભાષામાં 'અધિક માસ' કે 'મલમાસ' કહેવાય છે. હિન્દુ ધર્મ સંસ્કૃતિમાં દરેક મહિનાના કોઈ ને કોઈ દેવી-દેવતા અધિપતિ હોય છે, પરંતુ તિથિઓના ક્ષયના કારણે સર્જાયેલા આ વધારાના મહિનાને શરૂઆતમાં કોઈ દેવી-દેવતાએ સ્વીકાર્યો ન હતો. આથી આ મહિનાની વહારે સ્વયં ભગવાન વિષ્ણુ આવ્યા અને તેમણે આ માસને પોતાનું સર્વોચ્ચ અને ઉત્કૃષ્ટ નામ 'પુરુષોત્તમ' આપ્યું.રાધા દામોદર મંદિરના મુખ્ય મુખિયાજી જીતેન્દ્રભાઈ ઠાકરે પવિત્ર માસના અજોડ મહત્વ અંગે જણાવ્યું કે, પુરુષોત્તમ માસ શરૂ થતાં જ અહીં દેશભરમાંથી હજારો વૈષ્ણવો ઉમટી પડે છે અને દરરોજ પ્રભુની પરિક્રમા કરીને ધન્યતા અનુભવે છે. આ ઉપરાંત મંદિર પરિસરની બાજુમાં જ શ્રીમદ વલ્લભાચાર્ય મહાપ્રભુજીની પવિત્ર બેઠકજી પણ બિરાજે છે, જ્યાં ભાવિક વૈષ્ણવો ઝારીચરણ સ્પર્શ ભક્તિ કરી પ્રભુના મનોહર દર્શનનો લાભ લે છે.

રવિવારે યોજાશે છપ્પનભોગ અને ગિરિકંદરા મનોરથ

આ એક મહિનાના ગાળા દરમિયાન આવતા ચાર રવિવારે પરંપરાગત રીતે ભવ્ય મનોરથો કરવામાં આવશે. જેમાં પ્રભુને અન્નકૂટ રૂપે 56 ભોગ (છપ્પનભોગ) ધરાવવામાં આવશે. ત્યારબાદ ગિરિકંદરા મનોરથ અને અણઘટ મનોરથ જેવા વૈષ્ણવ સંપ્રદાયના વિવિધ દિવ્ય મનોરથોનું સુંદર આયોજન થશે. વૈષ્ણવો આ ઉત્સવોનો લાભ લઈ શકે તે માટે તમામ ધાર્મિક કાર્યક્રમોની જાહેરાત સમયસર કરવામાં આવશે.

અહીં કરેલી ભક્તિનું મળે છે સવા લાખ ગણું ફળ

શાસ્ત્રોક્ત માન્યતા અનુસાર પુરુષોત્તમ માસનું ફળ અતિ વિશેષ છે. આ માસમાં ભક્ત દ્વારા કરવામાં આવેલી માત્ર 1 માળાના જાપથી 'સવા લાખ' માળાનું પુણ્ય મળે છે અને 1 બ્રાહ્મણને ભક્તિભાવપૂર્વક ભોજન કરાવવાથી 'સવા લાખ' બ્રાહ્મણોને જમાડવાનું અદ્ભુત ફળ પ્રાપ્ત થાય છે. અધિક માસમાં પ્રભુ ચરણોમાં કરેલી સેવા-પૂજાનું અનંત ગણું ફળ મળતું હોવાથી મંદિર મંડળ દ્વારા તમામ ભક્તોને દર્શન અને સત્સંગનો લાભ લેવા ભાવભીનું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.