જનગણના 2027 માટે રાજકોટ તૈયાર 4200 કર્મચારીઓની 3 દિવસ ટ્રેનિંગ
=> કર્મચારીઓની તાલીમ અને નાગરિકો માટે ઓનલાઇન પ્રક્રિયા પણ શરૂ
સિટી ન્યૂઝ@રાજકોટ
દેશમાં આગામી સમયમાં યોજાનારી જનગણના -2027ની વહીવટી પ્રક્રિયાના ભાગરૂપે રાજકોટ મહાપાલિકા દ્વારા વ્યાપક સ્તરે કામગીરીનો પ્રારંભ કરી દેવામાં આવ્યો છે. રાજકોટ મહાનગરપાલિકાના ચૂંટણી અધિકારી પ્રણય પંચાલ દ્વારા જનગણના સંદર્ભે મહત્વની વિગતો અને આયોજનની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. શહેરમાં જનગણનાની કામગીરી સુચારુ અને ચોકસાઈપૂર્વક સંપન્ન થાય તે માટે વહીવટી તંત્ર દ્વારા માળખાગત તૈયારીઓ આખરી કરી લેવામાં આવી છે, જેના ભાગરૂપે કર્મચારીઓની તાલીમ અને નાગરિકો માટે ઓનલાઇન (સ્વ-ગણતરી)ની પ્રક્રિયા પણ શરૂ કરવામાં આવી હોવાનું તેમણે જણાવ્યું હતું.
ચૂંટણી અધિકારી પ્રણય પંચાલના જણાવ્યા અનુસાર, રાજકોટ મહાપાલિકા વિસ્તારમાં જનગણના 2027ની વ્યાપક કામગીરીને પહોંચી વળવા મોટા માનવબળની જરૂરિયાત ઊભી થઈ છે. આ સમગ્ર પ્રક્રિયા અંતર્ગત અંદાજિત 4200થી 4500 જેટલા ગણતરીદારો (એન્યુમરેટર્સ) અને સુપરવાઈઝરોની નિમણૂક કરવામાં આવી રહી છે. આ સ્ટાફ પૈકી મહાપાલિકાના પોતાના અંદાજિત 1050થી 1100 જેટલા કર્મચારીઓનો સમાવેશ આ કામગીરીમાં કરવામાં આવ્યો છે. બાકીના સ્ટાફની વ્યવસ્થા અન્ય સરકારી કે સંલગ્ન વિભાગોમાંથી કરવામાં આવી છે, જેથી કરીને શહેરના તમામ વોર્ડ અને વિસ્તારોને વ્યાપક રીતે આવરી શકાય.
નાગરિકોને ઓનલાઈન માહિતી આપવા અપીલ
આ માટે સરકારે વિશેષ પોર્ટલ se.census.gov.in કાર્યરત કર્યું છે. આ પોર્ટલ પર જઈને નાગરિકો કુટુંબના વડાનું નામ, ઘરના સભ્યોની સંખ્યા, ઘરને લગતી અગત્યની ભૌતિક માહિતી તેમજ નિયત કરવામાં આવેલા અન્ય પ્રશ્નોના જવાબો ઓનલાઇન ભરી શકશે. આ ઓનલાઇન વ્યવસ્થા પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય ફિલ્ડ વર્કને સરળ બનાવવાનો છે. ત્યારે વધુમાં વધુ નાગરિકો ઓનલાઈન પોતાની અને પરિવારની વિગતો સબમિટ કરે તેવી અપીલ મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવી છે.જો નાગરિકો 17 મેથી 31 મે દરમિયાન પોતાની માહિતી ઓનલાઇન પોર્ટલ પર સબમિટ કરી દેશે, તો તેમને વિશેષ ઓળખ નંબર એટલે કે SEI ID પ્રાપ્ત થશે. ત્યારબાદ જ્યારે મહાનગર પાલિકાના ગણતરીદારો કે એન્યુમરેટર્સ તેમના ઘરે રૂબરૂ મુલાકાત માટે આવશે, ત્યારે નાગરિકોએ માત્ર આ SEI ID જ તેમને આપવાનો રહેશે.