રાજકોટમાં ચોરી કરતી ટોળકી ઝડપાઈ: 20 લાખનો મુદ્દામાલ જપ્ત
સિટી ન્યૂઝ@રાજકોટ
રાજકોટ શહેરમાં છેલ્લા કેટલાક સમયથી બંધ મકાનોને નિશાન બનાવી ચોરીની ઘટનાઓને અંજામ આપતી એક શાતિર ટોળકીને ઝડપી લેવામાં રાજકોટ પોલીસને મોટી સફળતા મળી છે. પોલીસે બાતમીના આધારે જામનગર રોડ પર આવેલા એક મહાદેવના મંદિર નજીકથી આ ઘરફોડ ચોરી કરતી ટોળકીના સાગરીતોને દબોચી લીધા છે. આ ટોળકીની ધરપકડ થતાં જ શહેરમાં બનેલી ચોરીના અનેક ભેદ ઉકેલાયા છે. પોલીસની પ્રાથમિક પૂછપરછમાં ચોંકાવનારા ખુલાસા સામે આવ્યા છે. પકડાયેલા તસ્કરોએ છેલ્લા માત્ર દોઢ મહિનાના ટૂંકા ગાળામાં જ રાજકોટના અલગ-અલગ વિસ્તારોમાં 5 જેટલી મોટી ઘરફોડ ચોરીની ઘટનાઓને અંજામ આપ્યો હોવાની કબૂલાત કરી છે. આ ટોળકી મોટેભાગે સુમસામ અને બંધ મકાનોની રેકી કરીને રાત્રિના સમયે તાળા તોડી હાથફેરો કરતી હતી.