મોરબી ઓવરબ્રિજમાં બેદરકારી: નબળો પિલ્લર કોન્ટ્રાક્ટરે પોતાના ખર્ચે તોડવો પડશે
- ગુણવત્તાના ધોરણોમાં નિષ્ફળતા, માર્ગ અને મકાન વિભાગ દ્વારા કડક કાર્યવાહી
- નિયત મજબૂતાઈના અભાવે પિલ્લર તોડી ફરીથી બનાવવાનો તંત્રનો આદેશ
- વારંવારની ટેકનિકલ ખામીઓને કારણે પ્રોજેક્ટ પૂર્ણ થવામાં થશે ભારે વિલંબ
સિટી ન્યુઝ @ મોરબી
મોરબીમાં આશરે ₹80 કરોડના ખર્ચે બની રહેલા નટરાજ ફાટક ઓવરબ્રિજમાં ગુણવત્તાને લઈને ગંભીર બેદરકારી સામે આવી છે. પ્રોજેક્ટના એક પિલ્લરની મજબૂતાઈ પરીક્ષણ દરમિયાન નિર્ધારિત ધોરણો મુજબની ન હોવાનું બહાર આવતા માર્ગ અને મકાન વિભાગે તાત્કાલિક અસરથી બાંધકામ તોડી ફરીથી બનાવવાનો આદેશ આપ્યો છે. આ કામગીરી કોન્ટ્રાક્ટર દ્વારા તેમના પોતાના ખર્ચે કરવાની રહેશે. ઉલ્લેખનીય છે કે, પિલ્લરની મજબૂતાઈ એમ-35 હોવી અનિવાર્ય હતી, પરંતુ પરીક્ષણમાં તે માત્ર એમ-33 જ નોંધાઈ હતી, જેના કારણે તંત્રએ સુરક્ષાના દૃષ્ટિકોણથી કોઈ પણ પ્રકારનું જોખમ ન લેતા આ કડક પગલું ભર્યું છે.
આ ઓવરબ્રિજનું નિર્માણ કાર્ય અમદાવાદની રણજિત બિલ્ડકોન કંપની કરી રહી છે. અગાઉ પણ પાંચ નંબરના પિલ્લર પાસે એલાઈમેન્ટની ખામી સર્જાતા બાંધકામનો ભાગ નમી ગયો હતો, જેને તે સમયે પણ ફરીથી બનાવવાની ફરજ પડી હતી. હવે મહારાણા પ્રતાપ સર્કલ તરફ જવાના માર્ગ પરના પિલ્લરમાં ફરી ખામી જોવા મળતા બાંધકામની ગુણવત્તા પર અનેક સવાલો ઊભા થયા છે. વારંવાર સામે આવતી આવી ટેકનિકલ ભૂલોને કારણે પ્રોજેક્ટની ગતિ અત્યંત ધીમી પડી ગઈ છે.
લગભગ એક કિલોમીટર લાંબા આ ઓવરબ્રિજનું નિર્માણ કાર્ય ઓક્ટોબર-2025 સુધીમાં પૂર્ણ કરવાનું લક્ષ્ય હતું. જોકે, હાલની સ્થિતિએ હજુ તમામ પિલ્લરોનું કામ પણ પૂર્ણ થયું નથી અને ટેકનિકલ ખામીઓને કારણે કામ ફરી કરવું પડતું હોવાથી પ્રોજેક્ટમાં અનિશ્ચિત વિલંબ થવાની પ્રબળ શક્યતા છે. તંત્ર દ્વારા જવાબદાર કોન્ટ્રાક્ટર સામે કડક વલણ અપનાવવામાં આવ્યું છે, પરંતુ આમ છતાં ઓવરબ્રિજ ક્યારે લોકો માટે ખુલ્લો મૂકવામાં આવશે તે અંગે કોઈ સ્પષ્ટ સમયરેખા ઉપલબ્ધ નથી.