Loading Please Wait !!!
યુદ્ધના જોખમને કારણે UAE ની ફ્લાઈટ્સ બંધ કરવા માંગ!

 

  • પાઈલટ્સ એસોસિએશને DGCA ને પત્ર લખી અપીલ કરી!

  • દુબઈ અને અબુ ધાબીની ફ્લાઈટ્સ પર સંકટના વાદળો!

  • ભારતીય એરલાઈન્સ કંપનીઓની મુશ્કેલીઓ ફરી વધવાની શક્યતા

સિટી ન્યુઝ @ નવી દિલ્હી : ઈરાન અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા તણાવપૂર્ણ સંઘર્ષને કારણે ક્ષેત્રમાં સુરક્ષાનું જોખમ અત્યંત વધી ગયું છે. આ ગંભીર સ્થિતિને ધ્યાનમાં રાખીને ભારતના પાઈલટ્સ એસોસિએશને સરકારી ઉડ્ડયન નિયમનકાર એજન્સી DGCA ને એક મહત્વપૂર્ણ પત્ર પાઠવ્યો છે, જેમાં સંયુક્ત અબ અમીરાત (UAE) ખાસ કરીને દુબઈ, અબુ ધાબી અને આસપાસના અખાતી દેશોની તમામ ફ્લાઈટ્સ તાત્કાલિક ધોરણે બંધ કરવાની માંગ કરવામાં આવી છે.

યુદ્ધ અને અશાંતિની અસરમાંથી માંડ માંડ બહાર આવી રહેલી ભારતીય વિમાન કંપનીઓ માટે જો આ માંગ સ્વીકારવામાં આવે અને ફ્લાઈટ્સ બંધ કરવી પડે, તો તેમની આર્થિક મુશ્કેલીઓ ફરી એકવાર ગંભીર રીતે વધી શકે છે અને વિમાન સેવાઓનું સંચાલન ખોરવાઈ શકે છે.

આ માંગ પાછળનું મુખ્ય કારણ આંતરરાષ્ટ્રીય ઉડ્ડયન બજારનું સમીકરણ છે. ભારતીય એરલાઈન્સ કંપનીઓ માટે UAE નું માર્કેટ અત્યંત મહત્વનું છે. ઉપલબ્ધ આંકડાઓ મુજબ, વર્ષ 2026 ના પહેલા ત્રણ મહિનામાં ભારતથી વિદેશ જતાં કુલ મુસાફરોમાંથી સૌથી વધુ એટલે કે અંદાજે 26.2 ટકા મુસાફરો માત્ર યુએઈની ફ્લાઈટ્સના જ રહ્યા છે.

જો સુરક્ષા કારણોસર આ વિસ્તારની ફ્લાઈટ્સ પર પ્રતિબંધ મૂકવામાં આવે અથવા તેને સ્થગિત કરવામાં આવે, તો તેની સીધી અને નકારાત્મક અસર ભારતીય વિમાન કંપનીઓની રેવન્યુ અને કમાણી પર પડશે, જે ઉદ્યોગ માટે એક મોટો ફટકો સાબિત થઈ શકે છે.

હાલ તો DGCA અને સબંધિત એજન્સીઓ દ્વારા આ મામલે શું નિર્ણય લેવામાં આવે છે અને મુસાફરોની સુરક્ષા તથા આર્થિક હિતો વચ્ચે કેવી રીતે સંતુલન સાધવામાં આવે છે તેના પર સમગ્ર એવિએશન સેક્ટરની નજર ટકેલી છે.

ઉડ્ડયન સુરક્ષા અને આર્થિક પડકારો: મુસાફરોના પ્રાણ અને એરલાઈન્સનું નુકસાન

કોઈપણ રાષ્ટ્ર માટે તેના નાગરિકો અને પાઈલટ્સની સુરક્ષા હંમેશા સર્વોપરી રહે છે. જ્યારે મિડલ ઈસ્ટ જેવા સંઘર્ષગ્રસ્ત ક્ષેત્રોમાંથી પસાર થતી ફ્લાઈટ્સ પર જોખમ તોળાતું હોય, ત્યારે સુરક્ષાત્મક પગલાં લેવા અનિવાર્ય બની જાય છે. જો કે, અખાતી દેશોનું માર્કેટ ભારતીય એરલાઈન્સ માટે કરોડરજ્જુ સમાન હોવાથી, ફ્લાઈટ્સ બંધ કરવાનો નિર્ણય આર્થિક મોરચે મોટો પડકાર પણ ઊભો કરે છે. સુરક્ષા અને વ્યાપારિક હિતો વચ્ચેનો આ સમન્વય તંત્ર માટે અત્યંત કઠિન કસોટી સમાન છે.