ટ્રમ્પ તંત્રએ સપ્ટેમ્બર સુધીમાં ત્રણ લાખ વિઝા રદ કર્યા! અમેરિકામાં ઇમિગ્રેશન ક્રેકડાઉન અને ડિપોર્ટેશન ડ્રાઇવ વધુ વેગવંતી!
-
વિઝા રદ કરવાની કાર્યવાહીમાં ટ્રમ્પ પ્રશાસને તોડ્યા રેકોર્ડ!
-
સોશિયલ મીડિયા સ્ક્રીનિંગ અને ઝીરો ટોલરન્સ નીતિ અપાઈ!
-
માનવ અધિકાર કાર્યકરો દ્વારા નીતિઓ સામે ભારે વિરોધ!
સિટી ન્યુઝ @ વાશિંગ્ટન
અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના વહીવટીતંત્ર દ્વારા તેમની બીજી ટર્મના શાસન દરમિયાન સપ્ટેમ્બરના અંત સુધીમાં આશરે ત્રણ લાખ વિઝા રદ કરી દેવામાં આવ્યા છે. અમેરિકાના વિદેશ વિભાગ દ્વારા જાહેર કરાયેલા આંકડાઓ દર્શાવે છે કે ફેડરલ ગવર્નમેન્ટ દ્વારા ઇમિગ્રેશન અને ડિપોર્ટેશન ડ્રાઇવને અત્યંત ઝડપી બનાવી દેવામાં આવી છે.
વિદેશ વિભાગના પ્રવક્તા ટોમી પિગોટે જણાવ્યું હતું કે ટ્રમ્પ વહીવટીતંત્રએ અમેરિકન ઇતિહાસમાં કોઈપણ સરકારની તુલનાએ સૌથી વધુ ઝડપે વિઝા રદ કરવાની કાર્યવાહી કરી છે. નિયમ તોડનાર, ફ્રોડ કરનાર અને રાષ્ટ્રીય સુરક્ષા સામે જોખમ ઊભું કરતા વિદેશીઓ સામે ઝીરો ટોલરન્સનો અભિગમ અપનાવવામાં આવ્યો છે.
આ કાર્યવાહીના મુખ્ય નિશાને પેલેસ્ટાઇન સમર્થક વિદેશી દેખાવકારો તેમજ ચાર્લી કિર્ક પરના હુમલા અંગે સોશિયલ મીડિયા પર ટિપ્પણી કરનારા લોકો રહ્યા છે. આ હેતુસર વિદેશી દેખાવકારોને ડિપોર્ટ કરવા માટે ઇમિગ્રન્ટ્સ અને વિઝા અરજદારોના સોશિયલ મીડિયા સ્ક્રીનિંગના નિયમો પણ અત્યંત આકરા કરી દેવામાં આવ્યા છે.
બીજી બાજુ, માનવ અધિકાર કાર્યકરો અને સમર્થકોએ આકરી પ્રતિક્રિયા આપતા જણાવ્યું છે કે સરકાર રાષ્ટ્રીય સુરક્ષાની આડમાં તેની ટીકા કરનારાઓનો અવાજ દબાવી રહી છે અને યોગ્ય પ્રક્રિયાના અભાવે અસલામત વાતાવરણ સર્જી રહી છે. મિનેસોટાની સોમાલી અમેરિકન સમ્યુનિટી જેવા વર્ગોને પણ ટાર્ગેટ કરવામાં આવી રહ્યા હોવાના આક્ષેપો થયા છે.
વર્ષ ૨૦૨૪માં ગેરકાયદે ઇમિગ્રેશન અટકાવવાના વચન સાથે સત્તા પર આવેલા ટ્રમ્પે હવે કાયદેસરના ઇમિગ્રન્ટ્સ માટે પણ મુશ્કેલીઓ વધારી દીધી છે, જેમાં કેટલાક વર્ક વિઝા પર અત્યંત મોંઘી ફી લાદવામાં આવી હોવાથી પ્રવાસીઓમાં ચિંતાનું મોજું ફેલાયું છે.
ઇમિગ્રેશન નીતિઓ અને માનવ અધિકારો: અમેરિકામાં વધતો સંઘર્ષ
રાષ્ટ્રીય સુરક્ષા અને કડક સરહદ નિયંત્રણો એ કોઈપણ દેશની સાર્વભૌમત્વનો વિષય હોઈ શકે છે, પરંતુ જ્યારે વિઝા રદ કરવાની ઝુંબેશ અને સોશિયલ મીડિયા સ્ક્રીનિંગ જેવા નિર્ણયો આડેધડ અમલમાં મૂકાય, ત્યારે તે કાયદેસરના ઇમિગ્રન્ટ્સ અને અભિવ્યક્તિની સ્વતંત્રતા માટે ગંભીર પડકાર બની જાય છે. ટ્રમ્પ પ્રશાસનની આ આક્રમક ઇમિગ્રેશન નીતિએ અમેરિકામાં સુરક્ષા અને માનવ અધિકારો વચ્ચેની ચર્ચાને ફરી એકવાર ચરમસીમા પર પહોંચાડી દીધી છે.