Loading Please Wait !!!
ઈથેનોલ મિશ્રિત પેટ્રોલ પર ભ્રામક પ્રચાર કરનારા સાવધાન: મંત્રાલયે વીડિયોને ગણાવ્યો ખોટો

  • પેટ્રોલ-ઈથેનોલ મિશ્રણ વૈજ્ઞાનિક રીતે સુરક્ષિત, એન્જિન બગડવાના દાવા પાયાવિહોણા
  • સોશિયલ મીડિયા પર વાયરલ કીડીઓ વાળા વીડિયોનું મંત્રાલય દ્વારા ખંડન
  • 2003 થી શરૂ થયેલા આ કાર્યક્રમથી ખેડૂતોની આવકમાં વધારો, વૈશ્વિક સ્તરે સફળ મોડલ

સિટી ન્યુઝ @ નવી દિલ્હી

પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયે દેશમાં ચાલી રહેલા ઈથેનોલ બ્લેન્ડિંગ પ્રોગ્રામ અંગે ફેલાયેલી અફવાઓનું સખત ખંડન કર્યું છે. મંત્રાલયે સ્પષ્ટતા કરી છે કે ઈથેનોલ મિશ્રિત પેટ્રોલ (EBP) સંપૂર્ણપણે વૈજ્ઞાનિક રીતે માન્ય છે અને સરકાર દ્વારા તેની સતત દેખરેખ રાખવામાં આવી રહી છે. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા કીડીઓ વાળા વીડિયોને પાયાવિહોણો ગણાવતા મંત્રાલયે કહ્યું કે, E-20 (20% ઈથેનોલ મિશ્રિત) પેટ્રોલના કારણે એન્જિન બગડવાની કે વાહન ખોટકાવવાની કોઈ મોટી સમસ્યા ક્યાંય પણ સામે આવી નથી. જનતાને ગેરમાર્ગે દોરવા માટે કેટલાક જૂના વીડિયો અને તસવીરો ફરી વાયરલ કરવામાં આવી રહી છે, જેને લઈને સરકાર કડક પગલાં ભરી રહી છે.

વર્ષ 2003માં ક્રૂડ ઓઇલની આયાત ઘટાડવા, ઊર્જા સુરક્ષા વધારવા અને પર્યાવરણની જાળવણીના ઉદ્દેશ્ય સાથે શરૂ કરવામાં આવેલા આ કાર્યક્રમનું અમલીકરણ તમામ ટેક્નિકલ તૈયારીઓ અને હિતધારકો સાથે પરામર્શ કરીને તબક્કાવાર રીતે કરવામાં આવ્યું છે. વર્ષ 2023થી દેશમાં E-20 પેટ્રોલનો અમલ શરૂ થયો છે અને સરકાર ઓઇલ માર્કેટિંગ કંપનીઓ તથા ઓટોમોબાઈલ ઉત્પાદકો સાથે મળીને તેની ગુણવત્તા પર સતત નજર રાખે છે. વિશ્વના ઘણા દેશોમાં આ પદ્ધતિ સફળતાપૂર્વક લાગુ છે.

ઈથેનોલ મિશ્રણ પ્રોગ્રામના આર્થિક ફાયદાઓ પણ અત્યંત મહત્વના છે. મંત્રાલયના અહેવાલ મુજબ, આ પ્રોગ્રામના કારણે ભારતને અત્યાર સુધીમાં 1.40 લાખ કરોડ રૂપિયાની વિદેશી મુદ્રા (ફોરેક્સ રિઝર્વ) બચાવવામાં મોટી સફળતા મળી છે. આ નીતિથી પર્યાવરણને ફાયદો થવાની સાથે સ્થાનિક સ્તરે ખેડૂતોની આવકમાં પણ મોટો વધારો થયો છે. એકંદરે, આ કાર્યક્રમ ભારતની ઊર્જા આત્મનિર્ભરતાને મજબૂત કરવા માટે અત્યંત મહત્વનો સાબિત થઈ રહ્યો છે.

ઊર્જા સુરક્ષા અને ખેડૂતોની સમૃદ્ધિ

ઈથેનોલ બ્લેન્ડિંગ એ માત્ર ઈંધણની અછત ઘટાડવાનો ઉપાય નથી, પરંતુ તે ભારતને ઉર્જા ક્ષેત્રે આત્મનિર્ભર બનાવવાની દિશામાં એક ક્રાંતિકારી પગલું છે. કૃષિ આધારિત ઈંધણ હોવાને કારણે તે ખેડૂતોના આર્થિક વિકાસ સાથે સીધું જોડાયેલું છે. ભ્રામક પ્રચારના કારણે આ મહત્ત્વપૂર્ણ રાષ્ટ્રીય કાર્યક્રમ પર વિશ્વાસ ગુમાવવાને બદલે, વૈજ્ઞાનિક તથ્યોને સમજવા જરૂરી છે. અફવાઓથી દૂર રહીને દેશની પ્રગતિમાં યોગદાન આપવું એ દરેક નાગરિકની જવાબદારી છે.