પાણી મુદ્દે પાકિસ્તાનની ભારતને ગર્ભિત ધમકી: હાથ કાપી નાખવાની કરી વાત
- સિંધુ જળ સંધિ પર પાકિસ્તાનનું ઝેરી નિવેદન, ભારત વિરુદ્ધ કર્યા વાણીવિલાસ
- પાકિસ્તાની મંત્રીએ આપી ભારતને ચીમકી, કહ્યું- અમારું પાણી રોક્યું તો પરિણામ ભોગવવું પડશે
- ઇસ્લામાબાદમાં પાકિસ્તાન કરશે આંતરરાષ્ટ્રીય સેમિનાર, કાયદાકીય પાસાઓ પર મંથન
સિટી ન્યુઝ @ ઇસ્લામાબાદ
સિંધુ જળ સંધિને લઈને પાકિસ્તાન ફરી એકવાર ભારત વિરુદ્ધ આક્રમક નિવેદનો કરી રહ્યું છે. પાકિસ્તાનના જળવાયુ પરિવર્તન મંત્રી મુસાદિક મલિકે ભારતને ધમકી આપતા જણાવ્યું હતું કે, જો ભારત પાકિસ્તાનના હિસ્સાનું પાણી રોકવાનો પ્રયાસ કરશે તો તેઓ 'હાથ કાપી નાખશે'. સૂચના મંત્રી અતાઉલ્લાહ તરાર સાથેની સંયુક્ત પ્રેસ કોન્ફરન્સમાં મલિકે આક્ષેપ કર્યો હતો કે ભારત પાકિસ્તાનના હિસ્સાના પાણી પર પોતાનો દાવો કરી રહ્યું છે, જે પાકિસ્તાન ક્યારેય સ્વીકારશે નહીં.
અતાઉલ્લાહ તરારે સિંધુ જળ સંધિને કાયદેસર રીતે અનિવાર્ય ગણાવતા કહ્યું કે, ભારત આ સંધિને ન તો એકતરફી રીતે સ્થગિત કરી શકે છે, ન તો રદ કરી શકે છે. પાકિસ્તાન હવે આ મુદ્દાને આંતરરાષ્ટ્રીય મંચ પર લઈ જવા માટે ઇસ્લામાબાદમાં પ્રથમ આંતરરાષ્ટ્રીય સેમિનારનું આયોજન કરી રહ્યું છે. જેમાં વિવિધ વિષયના નિષ્ણાતો સંધિના કાનૂની અને તકનીકી પાસાઓ પર ચર્ચા કરશે. પાકિસ્તાની વડાપ્રધાન શાહબાઝ શરીફ અને સેના પ્રમુખ આસિમ મુનીરના નિવેદનોનો હવાલો આપીને પાકિસ્તાને પાણીને પોતાની 'રેડ લાઇન' ગણાવી છે.
પાકિસ્તાન દ્વારા વારંવાર આપવામાં આવતી આવી ધમકીઓ પાછળ તેનું આંતરિક જળ સંકટ હોવાનું નિષ્ણાતો માની રહ્યા છે. ભારત સરકારે અગાઉ પણ સ્પષ્ટ કર્યું છે કે તે સિંધુ જળ સંધિનું પાલન કરે છે, પરંતુ પાકિસ્તાનના ખોટા આક્ષેપો અને પ્રોત્સાહિત કરવામાં આવતા આતંકવાદને કારણે દ્વિપક્ષીય સંબંધોમાં સતત તણાવ રહે છે. ઇસ્લામાબાદનો આ આંતરરાષ્ટ્રીય સેમિનારનો નિર્ણય ભારત પર દબાણ લાવવાના પ્રયાસરૂપે જોવામાં આવી રહ્યો છે, પરંતુ ભારત હંમેશા પોતાની સુરક્ષા અને રાષ્ટ્રીય હિતોને સર્વોપરી રાખીને કાયદાકીય મર્યાદામાં રહીને કામ કરવામાં માને છે.
જળ સંધિ અને તણાવપૂર્ણ સંબંધો
સિંધુ જળ સંધિ ભારત અને પાકિસ્તાન વચ્ચે દાયકાઓથી ચાલી આવતી એક વ્યવસ્થા છે. પાકિસ્તાન જ્યારે જ્યારે આંતરિક રીતે નબળું પડે છે ત્યારે આવા પાણીના મુદ્દા ઉઠાવી ભારત વિરુદ્ધ નફરત ફેલાવવાનો પ્રયાસ કરે છે. 'હાથ કાપી નાખવા' જેવી ભાષાનો પ્રયોગ એ પાકિસ્તાનની હતાશા દર્શાવે છે. આંતરરાષ્ટ્રીય સ્તરે આ મુદ્દો ઉઠાવવો એ પાકિસ્તાનની ભારતને બદનામ કરવાની એક જૂની રણનીતિ છે, જેમાં તેને ક્યારેય સફળતા મળી નથી. ભારત પોતાના અધિકારો અને સંધિની શરતોને લઈને હંમેશા સ્પષ્ટ રહ્યું છે અને ભવિષ્યમાં પણ રહેશે.