ચીની અર્થતંત્રમાં ગાબડું: નફો ઘટતા ઉદ્યોગો પર મંદીના વાદળ
- આંતરિક માંગમાં ઘટાડો અને નફામાં તોતિંગ ગાબડાથી ચીનની મુશ્કેલીઓ વધી
- શું ચીનની આર્થિક મુશ્કેલીઓ ભારત માટે બનશે સુવર્ણ તક?
- નિકાસ વધી હોવા છતાં ચીની કંપનીઓની કમાણીમાં મોટો ઘટાડો
સિટી ન્યુઝ @ નવી દિલ્હી
ચીનનું અર્થતંત્ર હાલમાં ગંભીર આર્થિક પડકારોનો સામનો કરી રહ્યું છે. એકતરફ વૈશ્વિક બજારમાં નિકાસમાં વધારો જોવા મળી રહ્યો છે, તો બીજી તરફ ચીનની અંદર જ આંતરિક માગમાં ભારે ઘટાડો થયો છે. ચીનના નેશનલ બ્યુરો ઓફ સ્ટેટિસ્ટિક્સના તાજેતરના આંકડા મુજબ, મે-2026માં ચીની ઉદ્યોગોનો નફો માત્ર 21.1 ટકા રહ્યો છે, જે ગયા વર્ષના સમાન સમયગાળામાં 24.7 ટકા હતો. બ્લૂમબર્ગના અહેવાલ મુજબ, જાન્યુઆરીથી મે 2026 સુધીનો ઔદ્યોગિક નફો અંદાજો કરતા પણ નીચો રહ્યો છે. ચીન છેલ્લા ત્રણ વર્ષથી ફેક્ટરી ડિફ્લેશનની સ્થિતિનો સામનો કરી રહ્યું છે.
નિષ્ણાતો માટે સૌથી આશ્ચર્યજનક બાબત એ છે કે વૈશ્વિક સ્તરે એડવાન્સ્ડ મેન્યુફેક્ચરિંગ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ જેવી પ્રોડક્ટ્સની માગ હોવા છતાં ચીનની સ્થાનિક ખરીદી તૂટી છે. ચીની કંપનીઓ પોલાદ, ઇલેક્ટ્રોનિક્સ અને કેમિકલ્સ જેવી ચીજવસ્તુઓના વધારાના સ્ટોકને ઘટાડવા માટે આકર્ષક ભાવે વિદેશમાં વેચવા માટે મજબૂર બની રહી છે. આ સ્થિતિ ભારત માટે સાવચેતી અને તક બંને લાવે છે. જો ચીન પોતાના માલનું ભારતમાં ડમ્પિંગ કરવાનો પ્રયાસ કરે તો ભારત સરકારે એન્ટી-ડમ્પિંગ ડ્યુટી લગાવીને પોતાના ઉદ્યોગોનું રક્ષણ કરવું પડશે.
બીજી તરફ, ચીનની આ મજબૂરી ભારત માટે નિકાસ ક્ષેત્રે મોટું મેદાન પૂરું પાડી શકે છે. વૈશ્વિક બજારમાં ભારતીય માલની હરીફાઈમાં આગળ નીકળવાની અને સસ્તા ઉત્પાદન દ્વારા ભારત પોતાની નિકાસ વધારી શકે છે. આમ, ચીનની આંતરિક માંગમાં આવેલો ઘટાડો ભારત માટે એક પડકારની સાથે સાથે આર્થિક વિકાસના નવા દ્વાર ખોલવાની તક પણ સાબિત થઈ શકે છે. ભારત પોતાની નીતિઓ દ્વારા ચીની માલના ડમ્પિંગને રોકીને પોતાની સ્થાનિક ઉત્પાદન ક્ષમતા વધારવા પર ધ્યાન કેન્દ્રિત કરશે તો લાંબા ગાળે ફાયદો થઈ શકે છે.
ભારત માટેની વ્યૂહાત્મક તક
ચીનનું અર્થતંત્ર જે રીતે ઢળી રહ્યું છે, તે ભારતીય ઉદ્યોગ જગત માટે આત્મનિર્ભર બનવાની શ્રેષ્ઠ તક છે. ચીન જે વસ્તુઓની નિકાસમાં અત્યાર સુધી એકહથ્થુ શાસન કરતું હતું, તે જ જગ્યાએ ભારતીય ઉત્પાદનો વધુ સ્પર્ધાત્મક બની શકે છે. સરકારે માત્ર ચીની માલ સામે રક્ષણ આપવા માટે ડ્યુટી વધારવી જોઈએ એટલું જ નહીં, પરંતુ મેક ઇન ઇન્ડિયા હેઠળ ઉત્પાદનને વેગ આપી વૈશ્વિક માંગ પૂરી કરવા માટે પણ સજ્જ થવું જોઈએ. ચીનની નબળાઈનો લાભ લઈ ભારત પોતાની અર્થવ્યવસ્થાને મજબૂત કરવાની તક જતી ન કરવી જોઈએ.