સોમનાથ મંદિર અને કોબા કમલમને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા ગુજરાતભરમાં ખળભળાટ
-
અજાણ્યા શખ્સ દ્વારા મોકલવામાં આવેલા આ ધમકીભર્યા મેઈલથી વહીવટી તંત્રમાં દોડધામ મચી ગઈ
-
પોલીસ તપાસ દરમિયાન કાર્યાલય અને આસપાસના પરિસરમાંથી કોઈ શંકાસ્પદ વસ્તુ મળી નથી
-
અગાઉ ૧૦ સપ્ટેમ્બરે પણ વિધાનસભા અને ગાંધીનગર કોર્ટને ઉડાવવાની મળી ચૂકી છે ધમકી
સિટી ન્યુઝ @ અમદાવાદ
ગુજરાતને ફરી એકવાર બોમ્બથી ઉડાવી દેવાની આતંકી ધમકી મળતા સમગ્ર રાજ્યમાં ખળભળાટ મચી ગયો છે. કોઈ અજાણ્યા શખ્સ દ્વારા ઈમેઈલ મારફતે આ ધમકી આપવામાં આવી છે, જેના પ્રારંભે 'અસલામુ વાલેકુમ, અલ્લાહુ અકબર' લખીને ભય અને દહેશત ફેલાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. આ ધમકીભર્યો મેઈલ સૌપ્રથમ પંજાબ પોલીસને પ્રાપ્ત થયો હતો, ત્યારબાદ ડીજીપી પંજાબ દ્વારા ત્વરિત ધોરણે ગુજરાત પોલીસને આ અંગે સત્તાવાર જાણ કરવામાં આવી હતી.
પ્રાપ્ત વિગતો અનુસાર, આ ઈમેઈલમાં જગપ્રસિદ્ધ સોમનાથ મંદિર, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ભાજપની સેન્ટ્રલ ઓફિસ (કોબા કમલમ), રાજ્યના તમામ પોલીસકર્મીઓ અને ગુપ્તચર એજન્સી RAW ને નિશાન બનાવવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ઈમેઈલમાં ચોંકાવનારો દાવો કરાયો છે કે અલગ-અલગ મહત્વના લોકેશન્સ પર અગાઉથી જ બોમ્બ ફીટ કરી દેવામાં આવ્યા છે. ધમકી આપનારે મેઈલમાં ઝેર ઓકતા 'હિન્દુસ્તાન મુર્દાબાદ અને ભાજપ મુર્દાબાદ' જેવા શબ્દો લખ્યા છે તથા આતંકી કનેક્શન છતું કરતા 'પાકિસ્તાન ઝિંદાબાદ અને ખાલિસ્તાન ઝિંદાબાદ'ના નારા પણ ટાંક્યા છે. મેઈલના અંતમાં ફરીથી 'અલ્લાહુ અકબર' લખવામાં આવ્યું હતું.
આ ગંભીર ધમકી મળતા જ રાજ્યની તમામ સુરક્ષા એજન્સીઓ અને પોલીસ તંત્ર ત્વરિત એલર્ટ મોડ પર આવી ગયું છે અને સઘન તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. અમદાવાદ શહેર પોલીસને જાણ થતાં જ ખાનપુરમાં આવેલા ભાજપ કાર્યાલય ખાતે પોલીસ કાફલો દોડી ગયો હતો. ફાયર બ્રિગેડ, પોલીસની વિવિધ ટીમો તેમજ બોમ્બ સ્કોડ અને ડોગ સ્કોડને તાત્કાલિક શહેર ભાજપ કાર્યાલય પર રવાના કરવામાં આવી હતી. આ દરમિયાન મેયર હિતેશ બારોટ અને શહેર મહામંત્રી ઉમંગભાઈ નાયક પણ ખાનપુર કાર્યાલય ખાતે પહોંચ્યા હતા.
શાહપુર પોલીસ સ્ટેશનના પીઆઈ પી.બી. ખાંભલાએ જણાવ્યું હતું કે બોમ્બની ધમકીનો ઈમેઈલ મળ્યા બાદ બોમ્બ સ્કોડ અને ડોગ સ્કોડની મદદથી કાર્યાલય અને આસપાસના વિસ્તારમાં ઝીણવટભરી તપાસ કરવામાં આવી હતી, પરંતુ સદનસીબે તપાસ દરમિયાન કોઈપણ પ્રકારની શંકાસ્પદ વસ્તુ મળી આવી નથી. ઉલ્લેખનીય છે કે આ અગાઉ ગત ૧૦ સપ્ટેમ્બરે પણ ગુજરાત વિધાનસભા, ગાંધીનગર કોર્ટ અને અમદાવાદની કેટલીક શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીઓ મળી ચૂકી છે, જેને પગલે સુરક્ષા એજન્સીઓ કોઈપણ જોખમ લેવા માગતી નથી.
રાષ્ટ્રીય સુરક્ષા અને કાયદો-વ્યવસ્થા
સોશિયલ મીડિયા અને ઈમેઈલ માધ્યમો દ્વારા આપવામાં આવતી આતંકી કે નકલી ધમકીઓ સામે સાયબર ક્રાઈમ અને સુરક્ષા એજન્સીઓનું સંકલન નાગરિકોની સલામતી સુનિશ્ચિત કરવા માટે અત્યંત મહત્વપૂર્ણ છે.