Loading Please Wait !!!
ગુજરાત કોંગ્રેસમાં બદલાવના સંકેત `લેડી લીડર' કાર્ડ રમશે?

  • ગેનીબેન ઠાકોરના નામ ઉપર મંથનની ચાલતી તૈયારી
  • સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં હાર બાદ કોંગ્રેસમાં હલચલ, નેતૃત્વ પર સવાલ

સિટી ન્યૂઝ@રાજકોટ : શું કોંગ્રેસનું નેતૃત્વ બદલાશે? મહિલાના હાથમાં પ્રદેશ કોંગ્રેસનું નેતૃત્વ આવી શકે? સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કોંગ્રેસનો ઘોર પરાજય થયો છે. કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા પર માછલા ધોવાઈ રહ્યા છે. 2027 સુધી અમિત ચાવડા પ્રદેશ પ્રમુખ બની રહે તેવી ખાતરી તેઓને આપવામાં આવી હોવાની હતી. કોંગ્રેસના પ્રદેશ પ્રમુખનો હોદ્દો અમિત ચાવડાને આપવામાં આવ્યો, પણ નીચે સંગઠન રચવાની સત્તા ન આપવામાં આવી હોવાની ચર્ચા થઈ રહી છે.

અમિત ચાવડા પ્રદેશ પ્રમુખ બન્યા ત્યારે પણ કોંગ્રેસના ફાયર બ્રાન્ડ સાંસદ ગેનીબેન ઠાકોરને પ્રદેશ પ્રમુખ બનાવવાની વિચારણા એક તબક્કે થઈ હતી. જોકે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કોંગ્રેસની હાર બાદ હવે આ ચર્ચા ફરી શરૂ થઈ છે. ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા સામે ગેનીબેન ઠાકોરે એક ફાઈટરની જેમ ભૂમિકા ભજવી. મહિલાઓના અપમાનનો મુદ્દો ઊભો કરી એકલા હાથે ભાજપ સામે લડ્યા. ચોક્કસ તેમાં કેન્દ્રીય નેતૃત્વ રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીનો પણ સપોર્ટ ગેનીબેન ઠાકોરને મળ્યો. આ સપોર્ટ મળતા જ કોંગ્રેસમાં જ ગેનીબેન ઠાકોરને પ્રદેશ પ્રમુખ બનાવવા જોઈએ તેવી ચર્ચા શરૂ થઈ છે. ઠાકોર સમાજમાં ગેનીબેનની પકડ છે. સાથે જ મહિલા હોવાના કારણે મહિલાઓ પર પણ કોંગ્રેસમાં વધુ સક્રિય થાય તે દિશામાં કોંગ્રેસનું નેતૃત્વ વિચારી રહ્યું હોવાની જાણકારી મળે છે. આમ પણ લોકસભાની 26 એ 26 બેઠકો કબજે કરવામાં ગેનીબેન ઠાકોરને કારણે જ ભાજપ સફળ થયું નથી.

ગુજરાત પહેલીવાર કોંગ્રેસ મુક્ત બનશે
રાજ્યસભાની ચાર બેઠકો માટે આગામી દિવસોમાં ચૂંટણી જાહેર થશે. 21 જૂનના રોજ કોંગ્રેસના રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલ, નરહરી અમીન, રમીલાબેન બારા અને રામ મોકરીયા નિવૃત્ત થશે. ભાજપના ત્રણ અને કોંગ્રેસમાંથી એક સભ્ય નિવૃત્ત થશે. હવે રાજ્યસભામાં ગુજરાતમાંથી કોંગ્રેસનો કોઈ સાંસદ ન જઈ શકે તેવી સ્થિતિ સર્જાય છે. કોંગ્રેસનું વિધાનસભામાં સંખ્યા બળ 12નું છે. એટલે રાજ્યસભાની આ ચારેય ખાલી પડનાર બેઠક ઉપર ભાજપના જ ઉમેદવારો જીતી શકે તેવી સ્થિતિ સર્જાય છે. ગુજરાતમાંથી રાજ્યસભાની કુલ 11 બેઠક છે. રાજ્યસભામાં ગુજરાતમાંથી કોંગ્રેસ મુક્ત બનશે. ગુજરાતના ઇતિહાસમાં પ્રથમ વખત રાજ્યસભામાં કોંગ્રેસનો કોઈ સાંસદ નહીં હોય.