Loading Please Wait !!!
સોમનાથથી મોદીની ગર્જના કોઈ શક્તિ ભારતને દબાવી નહીં શકે

  • હર હર મહાદેવ શિવની સાથે શક્તિની પૂજા એ આપણી પરંપરા; એટલે જ અમે ચંદ્રયાનના લેન્ડિંગ પોઈન્ટને શિવ-શક્તિ નામ આપ્યું
  • આધ્યાત્મથી પરમાણુ સુધી મોદીએ બતાવી ભારતની શક્તિ

સિટી ન્યૂઝ@સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ ભગવાન સોમનાથના સાનિધ્યમાં આજે ભક્તિ, શક્તિ અને રાષ્ટ્રીય ગૌરવનો ત્રિવેણી સંગમ રચાયો હતો. સોમનાથ મંદિરના પુનનિર્માણના 75 વર્ષ પૂર્ણ થવાના અવસરે આયોજિત સોમનાથ અમૃતપર્વ-2026માં સહભાગી થવા વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમનાથ પધાર્યા હતા. આ તકે તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે, જેનું નામ 'સોમ' (ચંદ્ર) છે તેને કોઈ નષ્ટ કરી શકતું નથી. ભારત તેની આધ્યાત્મિક ચેતના અને અડગ સંકલ્પશક્તિના જોરે આજે વિશ્વ ફલક પર અજેય બની રહ્યું છે. વડાપ્રધાન મોદીએ આજે એક ઐતિહાસિક વિધિના સાક્ષી બની મંદિરના 90 મીટર ઊંચા શિખર પર 11 પવિત્ર તીર્થના જળથી કુંભાભિષેક કર્યો હતો. આ માટે ખાસ ક્રેનની મદદ લેવામાં આવી હતી. ગર્ભગૃહમાં શાસ્ત્રોક્ત વિધિ મુજબ જળાભિષેક અને વિશેષ પૂજા-અર્ચના કરી હતી.

જનસભાને સંબોધતા વડાપ્રધાને આજના દિવસ (11 મે)નું ઐતિહાસિક મહત્વ સમજાવતા પોખરણ પરમાણુ પરીક્ષણને યાદ કર્યું હતું. તેમણે કહ્યું, આજે 11 મે છે, આજના જ દિવસે ભારતે પોખરણમાં પરમાણુ પરીક્ષણ કરીને દુનિયાને પોતાની તાકાત બતાવી હતી. જ્યારે વિશ્વની શક્તિઓ ભારતને ઘેરવા માંગતી હતી, ત્યારે ભારતે ડગ્યા વગર 'ઓપરેશન શક્તિ' સફળ બનાવ્યું હતું. શિવની સાથે શક્તિની પૂજા એ આપણી પરંપરા છે, એટલે જ અમે ચંદ્રયાનના લેન્ડિંગ પોઈન્ટને પણ 'શિવ-શક્તિ' નામ આપ્યું છે.