Loading Please Wait !!!
ગુજરાતથી દિલ્હી સુધી સેટિંગ,45 લાખમાં ડોક્ટરની નકલી ડિગ્રી રેકેટ એક્સપોઝ

દિવ્યભાસ્કર વેબના સ્ટિંગ ઓપરેશનમાં શિક્ષણનો કાળો કારોબાર ખૂલ્યો

સિટી ન્યૂઝ@સુરત : દેશભરમાં સામાન્ય જનતાની જિંદગી સાથે રમત રમીને ભણ્યા વગર ડૉક્ટર બનાવતું એક ખતરનાક રેકેટ સક્રિય છે. કાપડ અને હીરા માટે જાણીતું સુરત શહેર હવે નકલી ડિગ્રીવાળા ડૉક્ટરોનું એપી સેન્ટર બની ચૂક્યું છે. સુરતના પોશ ગણાતા અડાજણ વિસ્તારમાં આવેલી એક બિલ્ડિંગમાં 'નેશનલ ક્લાસિસ' નામની સંસ્થા ચલાવતા મુખ્ય એજન્ટ શૈલેષ શાહનો એક ઇન્વેસ્ટિગેશનમાં પર્દાફાશ થયો છે. આ એજન્ટ 45 લાખ રૂપિયામાં BAMS ની નકલી ડિગ્રી ઘરે બેઠા આપવાનો કાળો કારોબાર ચલાવી રહ્યો છે.

એક વિદ્યાર્થિનીના કાકા બનીને ગયેલા ઇન્વેસ્ટિગેશન રિપોર્ટરે એજન્ટ શૈલેષ શાહ સાથે મુલાકાત કરી હતી. 2024 માં NEET માં 509 નો સ્કોર હોવાનું કહેતા એજન્ટે MBBS ની ના પાડી દીધી હતી અને 45 લાખ રૂપિયામાં BAMS ની ડિગ્રીનું સેટિંગ કરી આપવાની ઓફર આપી હતી. એજન્ટે ખુલાસો કર્યો હતો કે વિદ્યાર્થીએ ક્યાંય ભણવા જવાની જરૂર નથી, માત્ર દિલ્હીમાં પરીક્ષા આપવા જવું પડશે. 2024 થી 2028 ના સમયગાળા માટે બેક ડેટમાં એન્ટ્રી કરી દેવામાં આવશે અને 219 યુનિવર્સિટીઓમાંથી મેરિટ મુજબ એલોકેશન થશે. કોઈને શંકા ન જાય તે માટે યુનિવર્સિટીનો ઇન્ટર્નશિપ લેટર પણ સેટિંગથી કાઢી આપવામાં આવશે. એજન્ટ શૈલેષ શાહે ચોંકાવનારો દાવો કર્યો હતો કે બધો પાવર કેન્દ્રમાં જ છે અને UGC જ્યાંથી ઓપરેટ થાય છે ત્યાંથી જ સિસ્ટમમાં બેક-ડેટની એન્ટ્રી અને છેડછાડ કરી શકાય છે. રાજ્ય સરકાર તેમાં કોઈ ફેરફાર કરી શકતી નથી. 45 લાખની ફીમાંથી પહેલા 20 લાખ અને બાકીના વર્ષ પ્રમાણે ભરવાનું નક્કી કરાયું હતું. ડોક્યુમેન્ટમાં ધોરણ 10 અને 12 નું રિઝલ્ટ, આધાર કાર્ડ, ફોટો અને NEET નું સ્કોર કાર્ડ માગવામાં આવ્યું હતું. આ કૌભાંડીઓએ પોતાની વેબસાઈટ પર પણ ગ્રેજ્યુએશન પાસ કરાવવાની ગેરંટી સાથે વિવિધ કોર્સની લોભામણી જાહેરાતો મૂકી છે.

લાખો રૂપિયા ખર્ચીને એજન્ટો પાસેથી ડિગ્રી ખરીદનારાઓની એન્ટ્રી જે તે યુનિવર્સિટીની સત્તાવાર વેબસાઇટ પર પણ બોલતી હોવાનો એજન્ટે દાવો કર્યો છે. આ ગંભીર મુદ્દે ગુજરાત મેડિકલ કાઉન્સિલના સભ્ય ડૉક્ટર ભાવિન કોઠારીએ જણાવ્યું હતું કે, ડિગ્રી વગરના ડૉક્ટરો સમાજના આરોગ્ય માટે ખૂબ મોટો ખતરો છે, આથી આવા જવાબદારોને તાત્કાલિક જેલના સળિયા પાછળ ધકેલવા જોઈએ. અગાઉ પણ પોલીસ દ્વારા અંતરિયાળ વિસ્તારોમાંથી નકલી ડૉક્ટરો પકડાયા છે, ત્યારે સુરતનું આ વ્યવસ્થિત નેટવર્ક અને કૌભાંડ ઊંડી તપાસ માંગી લે છે.