તારાપૂર પાસે અકસ્માત 4નાં મોત
ટ્રક પાછળ ટેમ્પો ઘૂસી જતાં આખો પરિવાર માંસના લોચામાં ફેરવાયો
સિટી ન્યૂઝ@આણંદ : આણંદ જિલ્લામાં તારાપુર-વટામણ હાઈવે પર આજે 11મેની વહેલી સવારે એક અકસ્માતની ઘટના ઘટી છે. ટ્રક પાછળ ટેમ્પો ઘૂસી જતાં એક જ પરિવારના 4 લોકોના મોત થયા છે, જયારે 5 શ્રમિકો ઘાયલ થયા છે.
તારાપુર-વટામણ હાઈવે પર ફતેપુરા ગામ પાસે આવેલા ગુજરાત ગેસ CNG પંપ નજીક ઉભેલી એક ટ્રક પાછળ સુપર કેરી ટેમ્પો ધડાકાભેર અથડાઈ હતી. આ ટેમ્પોમાં સવાર તમામ મુસાફરો શ્રમિકો હતા, જેઓ મધ્યપ્રદેશના અલિરાજપુર જિલ્લાના છોટી સરની ગામથી મજૂરીકામ અર્થે સૌરાષ્ટ્ર તરફ જઈ રહ્યા હતા. આ ભયાનક અકસ્માતમાં ટેમ્પોમાં સવાર એક જ પરિવારના 4 સભ્યોના ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યા છે, જ્યારે અન્ય 5 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, વહેલી સવારના અંધારામાં સર્જાયેલો આ અકસ્માત એટલો પ્રચંડ હતો કે ટેમ્પોના આગળના ભાગનો કુરચો બોલી ગયો હતો અને ધડાકા જેવો અવાજ સાંભળીને આસપાસના લોકો અને રાહદારીઓ તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા. ટેમ્પોમાં સવાર શ્રમિકો લોહીલુહાણ હાલતમાં ફસાઈ ગયા હતા. ગંભીર રીતે ઘાયલ થયેલા 5 લોકોને બહાર કાઢીને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. 4 મૃતકોના ક્ષતવિક્ષત મૃતદેહને મહામહેનતે બહાર કાઢવામાં આવ્યાં હતા. પોલીસે આ મામલે અકસ્માતે મોતનો ગુનો નોંધીને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે અને વધુ તપાસ હાથ ધરી છે. સ્થાનિકોના જણાવ્યા અનુસાર તારાપુર-વટામણ હાઈવે પરનું આ સ્થળ વર્ષોથી અક્સ્માત ઝોન તરીકે ઓળખાય છે. અહીં અનેક નિર્દોષ લોકો પહેલાથી જ પોતાનો જીવ ગુમાવી ચૂક્યા છે. છતાં આજ સુધી જવાબદાર તંત્રની આંખ ખુલી નથી. ફતેપુરા પાસે આવેલ CNG પંપ સુધી પહોંચવા માટે આજુબાજુના ગામોના લોકો પાસે કોઈ યોગ્ય સર્વિસ રોડ નથી. ફતેપુરા, રિંઝા, પચેગામ, ગોલાણા સહિતના ગામોના ખેડૂતો અને વાહનચાલકોને દોઢ કિલોમીટર સુધી રોંગ સાઈડમાં વાહન હંકારીને જવું પડે છે. કારણ કે સીધા રસ્તે જવું હોય તો 6 કિલોમીટર દૂર કસબારા બ્રિજ સુધી જઈને યુટર્ન લેવો પડે છે. આથી વાહનચાલકોએ CNG પુરાવવા રોંગ સાઈડ આવવું પડે છે.
સ્થાનિકોનું આ વિસ્તારમાં અવારનવાર જીવલેણ અકસ્માતો સર્જાય છે, તેમ છતાં તંત્ર દ્વારા અહીં કોઈ પણ પ્રકારના 'અકસ્માત ઝોન' કે સાવચેતી દર્શાવતા સાઈન બોર્ડ લગાવવામાં આવ્યા નથી.
મૃતકોના નામ
પ્રદીપભાઈ કાળુભાઈ મંડોલ - 32 વર્ષ
જયલીબેન પ્રદીપભાઈ મંડોલ - 30 વર્ષ
સિજલબેન પ્રદીપભાઈ મંડોલ - 12 વર્ષ
અસ્મિતા રણદીપભાઈ બીલાસ - 8 વર્ષ
ઈજાગ્રસ્તોના નામ
રણદીપ માનલોઈ ભીલાલા - 28 વર્ષ
સૈના રમલાભાઈ માનલોઈ ભીલાલા - 26 વર્ષ
ઓપડીયા મેરલા માનલોઈ ભીલાલા - 12 વર્ષ
રમેશભાઈ કુંવરસિંહ માનલોઈ ભીલાલા - 30 વર્ષ
રમેશભાઈ કોળી પટેલ - 12 વર્ષ