સાવધાન રાજકોટ; 4 દિવસ ભારે ગરમી બપોરે બહાર જવું જોખમી
- ગરમી બેકાબૂ : પારો હજુ 44 ડીગ્રી પર પહોંચી શકે છે
સિટી ન્યૂઝ@રાજકોટ : ગુજરાતમાં આગામી ચાર દિવસ હીટવેવની શક્યતાના પગલે માથું ફાડી નાખે એવી ગરમીની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યું અનુસાર, રાજ્યમાં હજુ ગરમીનો કહેર વધવાનો છે. આગામી સાત દિવસ માટે વિવિધ જિલ્લામાં હીટવેવની સાથે ઓરેન્જ અને યલો એલર્ટ જાહેર કર્યું છે. 11થી 17 મે દરમિયાન સમગ્ર ગુજરાતમાં હવામાન મુખ્યત્વે શુષ્ક રહેવાની શક્યતા છે. આગામી ચાર દિવસ સુધી મહત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર જોવા મળશે નહીં. હીટવેવની ગંભીરતાને ધ્યાનમાં રાખીને 11થી 14 મે સુધી ખાસ ચેતવણી જારી કરવામાં આવી છે, જેમાં કચ્છ અને સુરેન્દ્રનગર જિલ્લા માટે આગામી ત્રણ દિવસનું 'ઓરેન્જ એલર્ટ' જાહેર કરાયું છે. આ સિવાય સૌરાષ્ટ્રના દ્વારકા, રાજકોટ, બોટાદ, જૂનાગઢ, અમરેલી અને ગુજરાત પ્રદેશના બનાસકાંઠા, પાટણ, ગાંધીનગર, આણંદ, વડોદરા, સુરત અને અમદાવાદ જેવા વિસ્તારોમાં 'યલો એલર્ટ' આપવામાં આવ્યું છે.