Loading Please Wait !!!
ગુજરાતમાં `વર્ક ફ્રોમ હોમ' ગમે ત્યારે લાગુ?

=> સરકારનો મોટો નિર્ણય પગલું ભરવા તરફ

=> મંત્રી બાવળિયાએ કહ્યું ખાનગી કંપની અને એસોસિએશનો સાથે બેઠક યોજી નિર્ણય લેશું

=> પેટ્રોલ-ડીઝલ બચાવવા સરકાર સક્રિય

સિટી ન્યૂઝ@ગાંધીનગર : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતની ધરતી પરથી પેટ્રોલ-ડીઝલ બચાવવા અને કાર પૂલિંગ કરવા અને મેટ્રો વાપરવા અપીલ કરતાં જ રાજ્ય સરકાર એક્શન મોડમાં આવી ગઈ છે. રાજ્ય સરકાર વર્ક ફ્રોમ હોમ મોડલ પર વિચારણા કરી રહ્યું છે. આ સૂચક નિવેદન આપતા શ્રમ અને રોજગાર મંત્રી કુવરજી બાવળિયાએ કહ્યું કે આ અંગે ખાનગી કંપનીઓ અને એસોસિયેશનો સાથે પણ બેઠક યોજીશું. મુખ્યમંત્રી તથા નાયબ મુખ્યમંત્રીના આઉટડોર સરકારી કાર્યક્રમો હવે વધુ પ્રમાણમાં વર્ચ્યુઅલ રીતે યોજાય તેવી શક્યતા વ્યક્ત થઈ રહી છે.

ખાસ કરીને હેલિકોપ્ટરના ઉપયોગમાં ઘટાડો કરીને પેટ્રોલ-ડીઝલ અને એવિએશન ફ્યુઅલની બચત કરવાનો સરકારનો પ્રયાસ હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે. સરકારી કાર્યક્રમોને ડિજિટલ માધ્યમથી આયોજિત કરવા અંગે ઉચ્ચ સ્તરે ચર્ચા ચાલી રહી છે, જેથી સમય અને ખર્ચ બંનેમાં ઘટાડો થઈ શકે. રાજ્યમાં પેટ્રોલ અને ડીઝલના વધતા વપરાશ વચ્ચે હવે સરકાર વિવિધ સ્તરે બચત માટે નવા વિકલ્પો પર વિચારણા કરી રહી છે. આ મુદ્દે શ્રમ અને રોજગાર મંત્રીએ મહત્વપૂર્ણ નિવેદન આપતાં જણાવ્યું હતું કે, કોર્પોરેટ સેક્ટરમાં શક્ય હોય ત્યાં સુધી વર્ક ફ્રોમ હોમ કલ્ચરને પ્રોત્સાહન આપવા માટે પ્રયાસ કરવામાં આવશે. મંત્રીએ જણાવ્યું કે, અનેક ખાનગી કંપનીઓ અને એસોસિયેશનો સાથે બેઠક યોજીને આ અંગે ચર્ચા કરવામાં આવશે અને ત્યારબાદ યોગ્ય નિર્ણય લેવામાં આવશે.