વંદે ભારત સ્લીપર ટ્રેનમાં હવે મળશે ફાઈવ-સ્ટાર ભોજનનો સ્વાદ
- પારંપરિક થાળીને બદલે રેલવે અપનાવશે 'રેડી-ટુ-ઈટ' મોડલ, જાણીતી બ્રાન્ડ્સ સાથે જોડાણ
- હલ્દીરામ-ટાટા જેવી કંપનીઓ સાથે ભાગીદારી, હવે ટ્રેનમાં મળશે પચવામાં હળવો ખોરાક
- સેલિબ્રીટી શેફ દ્વારા ડિઝાઈન કરાયેલું મેનુ, યાત્રીઓને મળશે 100 ટકા શુધ્ધતા અને તાજગી
સિટી ન્યુઝ @ નવી દિલ્હી
ભારતીય રેલવે હવે વંદે ભારત સ્લીપર ટ્રેનોમાં યાત્રીઓને આંતરરાષ્ટ્રીય સ્તરનો અનુભવ આપવા માટે ભોજન વ્યવસ્થામાં ધરખમ ફેરફારો કરી રહ્યું છે. રેલવે બોર્ડે કોચિંગ સિસ્ટમને સંપૂર્ણપણે 'રેડી-ટુ-ઈટ' મોડલ પર લાવવાનો નિર્ણય લીધો છે, જેમાં આઈટીસી (ITC), હલ્દીરામ, એમટીઆર (MTR) અને ટાટા કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ જેવી દેશ-વિદેશની દિગ્ગજ ફૂડ ઈન્ડસ્ટ્રીની બ્રાન્ડ્સ સાથે ભાગીદારી કરવામાં આવશે. આ પહેલનો મુખ્ય ઉદ્દેશ્ય ટ્રેનને માત્ર પરિવહનનું સાધન નહીં, પરંતુ દેશની એક 'સિગ્નેચર બ્રાન્ડ' તરીકે સ્થાપિત કરવાનો છે, જે લક્ઝરી અને સ્વાદના મામલે જાપાનની શિનકાનસેન અને યુરોપની એડવાન્સ ટ્રેનોને ટક્કર આપી શકે.
આ મેનુ ખાસ કરીને જાણીતા સેલિબ્રીટી શેફ દ્વારા તૈયાર કરવામાં આવી રહ્યું છે, જેમાં પચવામાં હળવા અને પ્રીમિયમ ક્વોલિટીના વ્યંજનોનો સમાવેશ થાય છે. ભોજન સંપૂર્ણપણે વેક્યુમ-સીલ્ડ હશે અને ઈન્ટરનેશનલ હાઈજીન ધોરણોનું ચુસ્તપણે પાલન કરવામાં આવશે. ટ્રેનના અત્યાધુનિક મિની કિચનમાં યુવી (UV) હીટિંગ અને સ્ટીમ ટેક્નોલોજીનો ઉપયોગ થશે, જેથી ભોજનમાં તાજગી, સુગંધ અને પોષક તત્વો જળવાઈ રહે. ખાસ કરીને રાત્રિની સફર દરમિયાન પેટ માટે હળવો ખોરાક મળે તે માટે બાજરા-મિલેટ્સ આધારિત સૂપ અને કોન્ટિનેન્ટલ-ઈન્ડિયન ફ્યુઝન વાનગીઓ પીરસવા પર વિચારણા ચાલી રહી છે.
રેલવેના આ આધુનિકીકરણના પ્રયાસો પાછળનું વિઝન યાત્રીઓને શુદ્ધતા અને ગુણવત્તાયુક્ત આહાર આપવાનું છે. પારંપરિક થાળીના સ્થાને હવે સ્માર્ટ અને મોર્ડન ડિશ પીરસવામાં આવશે, જે વૈશ્વિક ધોરણોને અનુરૂપ હશે. આ નવી વ્યવસ્થાથી વંદે ભારત સ્લીપર ટ્રેન માત્ર ઝડપ માટે જ નહીં, પરંતુ તેના પ્રીમિયમ ફૂડ અનુભવ માટે પણ ઓળખાશે. યાત્રીઓની પસંદ અને સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને કરાયેલા આ ફેરફારો ટૂંક સમયમાં વંદે ભારતની સ્લીપર ટ્રેનોમાં જોવા મળશે.
ટ્રેનના ભોજન વ્યવસ્થાની મુખ્ય વિશેષતાઓ રેલવે હવે રેડી-ટુ-ઈટ મોડલ અપનાવી રહ્યું છે. આઈટીસી, હલ્દીરામ, એમટીઆર અને ટાટા જેવી દિગ્ગજ ફૂડ બ્રાન્ડ્સ સાથે ભાગીદારી કરવામાં આવી છે. મેનુ જાણીતા શેફ દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે જેમાં મિલેટ્સ આધારિત વાનગીઓ અને ફ્યુઝન વ્યંજનોનો સમાવેશ થાય છે. કિચનમાં યુવી હીટિંગ અને સ્ટીમ ટેક્નોલોજીથી માણસના સ્પર્શ વગર ભોજન તૈયાર થશે. તમામ ખોરાક વેક્યુમ-સીલ્ડ અને ઈન્ટરનેશનલ હાઈજીન ધોરણો સાથે પીરસવામાં આવશે.