તહેવારોમાં નાના ધંધાર્થીઓ અને ફેરિયાઓને હેરાન ન કરો
-
નવી દિલ્હીથી પાંચમી ઓક્ટોબરે પ્રકાશિત વિશેષ અહેવાલ
-
અઢાર ઓક્ટોબર 2026 સુધીમાં એક્શન ટેકન રિપોર્ટ માંગ્યો
-
પ્રિયંક કાનૂનગોની અધ્યક્ષતાવાળી બેંચ દ્વારા નોંધ લેવાઈ
સિટી ન્યુઝ @ નવી દિલ્હી
રાષ્ટ્રીય માનવ અધિકાર પંચ (NHRC) દ્વારા તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને આગામી નવરાત્રિ, દિવાળી અને છઠ પૂજા જેવા પવિત્ર તહેવારો દરમિયાન સ્થાનિક વિક્રેતાઓ, શેરી વિક્રેતાઓ, ફેરિયાઓ, કુંભાર અને નાના વેપારીઓની આજીવિકા તથા માનવ અધિકારોનું પૂરતું રક્ષણ સુનિશ્ચિત કરવા માટે કડક નિર્દેશો જારી કરવામાં આવ્યા છે. પંચે સ્પષ્ટ આદેશ આપ્યો છે કે તહેવારોની મોસમમાં કોઈપણ ગરીબ કે નાના વેપારીની રોજી-રોટી છીનવી ન લેવાય અને બાકી રહેલા કેસોના વધારાના તથા સંપૂર્ણ કાર્યવાહી અહેવાલો 18 ઓક્ટોબર 2026 સુધીમાં સબમિટ કરવામાં આવે.
વિવિધ શહેરોમાંથી પંચને મળી રહેલી ફરિયાદોમાં એવો ગંભીર આરોપ મૂકવામાં આવ્યો હતો કે તહેવારો દરમિયાન સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા યોગ્ય કારણ વગર સ્થાનિક વિક્રેતાઓ અને ફેરિયાઓને તેમની જગ્યાઓથી હટાવવામાં આવી રહ્યા છે. તેમના સ્ટોલ્સ અથવા માલસામાન જપ્ત કરવા, મનસ્વી દંડ ફટકારવા અને વિનાકારણે હેરાનગતિ ગુજારવાની ફરિયાદોની ગંભીર નોંધ લઈને ગત વર્ષે NHRC સભ્ય પ્રિયંક કાનૂનગોની અધ્યક્ષતાવાળી બેંચ દ્વારા આ મામલે તપાસના આદેશ આપવામાં આવ્યા હતા.
પંચે નિર્દેશ આપ્યો છે કે તહેવારો દરમિયાન સ્થાનિક વિક્રેતાઓને ગેરવાજબી રીતે બહાર કાઢીને તેમની આજીવિકાથી વંચિત ન રાખવા જોઈએ. જો ક્યાંક અગ્નિ સલામતી કે જાહેર સુરક્ષાના કારણોસર સ્થળ ખાલી કરાવવાની અનિવાર્ય આવશ્યકતા ઊભી થાય, તો તેવા કિસ્સાઓમાં સંબંધિત વિક્રેતાઓ માટે તાત્કાલિક યોગ્ય અને વૈકલ્પિક વ્યવસ્થાઓ પૂરી પાડવી વહીવટી તંત્રની નૈતિક ફરજ છે.
આયોગે ખાસ તાકીદ કરી છે કે વિક્રેતાઓનો માલ ક્યારેય મનસ્વી રીતે જપ્ત ન કરવો અથવા કારણ વગર તેમની સામે દંડાત્મક કાર્યવાહી ન કરવી. ઉત્પીડન, ખંડણી કે બિનજરૂરી દખલગીરીની કોઈપણ ફરિયાદ સામે કાયદાકીય ધોરણે કડક કાર્યવાહી કરવાના આદેશ આપવામાં આવ્યા છે. આ વર્ષે પણ તહેવારોમાં નાના વેપારીઓના અધિકારોનું રક્ષણ કરવા માટે પંચે તમામ રાજ્યોને ફરીથી કડક ચેતવણી આપી છે.
સ્થાનિક વહીવટીતંત્રોને એવું પણ સૂચન કરવામાં આવ્યું છે કે તેઓ સ્થાનિક વિક્રેતાઓ, પરંપરાગત વ્યવસાયો અને સ્થાનીક ઉત્પાદનોને 'વોકલ ફોર લોકલ' ની ભાવનાથી પ્રોત્સાહન આપે. તમામ રાજ્યોના મુખ્ય સચિવોને નિર્દેશ અપાયો છે કે તેઓ જિલ્લા મેજિસ્ટ્રેટ, મ્યુનિસિપલ અધિકારીઓ અને પોલીસ તંત્ર સુધી આ માર્ગદર્શિકા પહોંચાડે જેથી ગરીબોના હિતોનું રક્ષણ થઈ શકે.
માનવ અધિકાર અને આજીવિકા સુરક્ષા
તહેવારોના દિવસોમાં નાના વેપારીઓ અને ફેરિયાઓની આજીવિકાનું રક્ષણ કરવું એ કલ્યાણકારી રાજ્યની પ્રાથમિક જવાબદારી છે. વહીવટી તંત્ર દ્વારા સંવેદનશીલતા દાખવવી અનિવાર્ય છે.