રાજકોટમાં પૂર્વ જસ્ટિસ રોહિન્ટન ફાલી નરીમાનનું વ્યાખ્યાન
-
રાજકુમાર કોલેજ ખાતે પરિસંવાદનું આયોજન થયું હતું
-
નવ મિલિયન મતદારોના નામ કાઢી નાખવામાં આવ્યા
-
બે ન્યાયાધીશોની બેન્ચના વિભાજિત ચુકાદા પર નિરાશા
સિટી ન્યુઝ @ રાજકોટ
સર્વોચ્ચ અદાલતના પૂર્વ ન્યાયમૂર્તિ રોહિન્ટન ફાલી નરીમાને તાજેતરમાં રાજકોટની મુલાકાત દરમિયાન રાજકુમાર કોલેજ ખાતે 'બંધારણ અને સામાન્ય માણસ' વિષય પર ઉદ્બોષણ કરતા ભારતીય ચૂંટણી પંચ (ECI) ની કામગીરી પર અત્યંત ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. તેમણે મતદાર યાદીઓના સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) દરમિયાન મોટી સંખ્યામાં મતદારોના નામ મનમાની રીતે કાઢી નાખવાના અહેવાલો અને મુખ્ય ચૂંટણી કમિશનર દ્વારા અન્ય કમિશનરોના વાંધાઓને અવગણવાની બાબતને લોકશાહી માટે ખતરા રૂપ ગણાવી છે.
નરીમાને કડક સબ્દોમાં જણાવ્યું હતું કે દેશમાં એવું ચૂંટણી પંચ હોઈ શકે નહીં જે આ પ્રકારે પક્ષપાતી કે અયોગ્ય રીતે કાર્ય કરે. પશ્ચિમ બંગાળમાં આશરે 9 મિલિયન (90 લાખ) જેટલા મતદારોના નામ મતદાર યાદીમાંથી કપાવા છતાં સુપ્રીમ કોર્ટે આ પ્રક્રિયાને રોકવા માટે કોઈ નક્કર પગલાં લીધા નથી. જેમાંથી અપીલ કરનાર 2.2 મિલિયન મતદારો પૈકી અંદાજે 100,000 અપીલોના ચૂકાદા 93 ટકા મતદારોના પક્ષમાં આવ્યા છે, જે સાબિત કરે છે કે આ કાર્યવાહી સંપૂર્ણપણે ગેરકાયદેસર અને મનસ્વી હતી.
તેમણે સરકારના હાથમાં ચૂંટણી કમિશનરોની નિમણૂક સંપૂર્ણપણે સોંપી દેવાના નિર્ણયને લોકશાહી માટે 'ખતરાની ઘંટી' (Red Flag) ગણાવ્યો છે. અનુપ બરનવાલ કેસના ઐતિહાસિક ચુકાદા વિરુદ્ધ લવાયેલા 2023ના કાયદા દ્વારા મુખ્ય ન્યાયાધીશ (CJI) ને સમિતિમાંથી બહાર કરીને તેમના સ્થાને કેન્દ્રીય મંત્રીને સામેલ કરવાના નિર્ણયની ટીકા કરતા તેમણે કહ્યું કે આનાથી કમિશનરોની સ્વતંત્રતા જોખમાય છે અને આ કાયદાની વૈધતા પાંચ ન્યાયાધીશોની બેન્ચ દ્વારા નક્કી થવી જોઈએ.
પૂર્વ જસ્ટિસે એ વાત પર પણ આશ્ચર્ય વ્યક્ત કર્યું કે જો બે ચૂંટણી કમિશનરોએ CEC ના કેટલાક નિર્ણયો સામે સત્તાવાર વાંધો ઉઠાવ્યો હતો, તો તેઓએ 2023ના કાયદાની કલમ 18 હેઠળ પોતાની સત્તાનો ઉપયોગ કેમ ન કર્યો. તેમણે કટાક્ષ કર્યો કે કમિશનરોની નિમણૂક પણ વર્તમાન સરકાર દ્વારા જ કરાઈ હોવાથી તેઓ યોગ્ય વિરોધ નોંધાવી શક્યા નથી. અંતે, તેમણે આશા વ્યક્ત કરી હતી કે સર્વોચ્ચ અદાલત આ મામલે તાત્કાલિક હસ્તક્ષેપ કરશે અને નિમણૂક સમિતિમાં વડાપ્રધાન, વિરોધ પક્ષના નેતા અને મુખ્ય ન્યાયાધીશને સામેલ કરવાની જૂની વ્યવસ્થા પુનઃસ્થાપિત કરશે.
લોકશાહીના પાયા સમાન મતદાનના અધિકારની પવિત્રતા જાળવી રાખવી એ કોઈપણ સ્વતંત્ર રાષ્ટ્ર માટે અનિવાર્ય છે. ન્યાયતંત્ર અને ચૂંટણી સંસ્થાઓની નિષ્પક્ષતા જ જનતાના મૌલિક અધિકારોનું સાચું રક્ષણ કરી શકે છે.
બંધારણીય મૂલ્યો અને લોકશાહી
દેશની સર્વોચ્ચ સંસ્થાઓ અને પવિત્ર બંધારણીય સંસ્થાઓની સ્વાયત્તતા જાળવી રાખવી એ લોકશાહીની મજબૂતાઈ માટે અત્યંત જરૂરી છે. નાગરિકોના અધિકારોનું રક્ષણ સર્વોપરી છે.