તાઇવાનમાં નોકરી અપાવવાના બહાને લાખોની ઠગાઈ
-
સાગર સુંદર પુજારી સાથે બની છેતરપિંડી
-
શ્રેયાંન્શી જોષી અને વિનીત શાહ સામે ગુનો
-
પાંચ લાખ એકাত্তર હજાર રૂપિયા પડાવી લીધા
સિટી ન્યુઝ @ વડોદરા
મહારાષ્ટ્રના ૩૩ વર્ષીય સાગર સુંદર પુજારી સાથે વિદેશમાં નોકરી અપાવવાના બહાને 5.71 લાખ રૂપિયાની માતબર રકમની ઠગાઈ થઈ હોવાની ગંભીર ફરિયાદ વડોદરાના વારસિયા પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. ‘વિક્ટોરીયા વિઝન’ નામની બોગસ કંપનીના નામે શ્રેયાંન્શી જોષી અને સોલિસિટર તરીકે પોતાની ઓળખ આપનાર વિનીત શાહ દ્વારા તાઇવાનમાં વર્ક પરમિટ વિઝા, નોકરી તથા ARC (એલિયન્સ રેસિડેન્સ સર્ટિફિકેટ) અપાવવાની મોટી ખાતરી આપવામાં આવી હતી. ઓનલાઈન પ્રોસેસિંગ ફી અને ચેક મારફતે કુલ રૂપિયા પડાવ્યા બાદ તેને નોકરી તો ન અપાઈ, પરંતુ ઊલટાનું બનાવટી વિઝા આપીને તેને તાઇવાનમાં ગેરકાયદેસર રીતે રોકાવા માટે મજબૂર કરવામાં આવ્યો હતો.
માર્ચ 2026 દરમિયાન સાગર અને તેમની પત્નીએ ઓનલાઈન નોકરીની શોધખોળ કરતી વખતે ‘વિક્ટોરીયા વિઝન’ અંગે માહિતી મેળવી હતી, ત્યારબાદ શ્રેયાંન્શી જોષીએ વડોદરાના ન્યુ VIP રોડ પર બાલાજી વિંગ બેંકર હોસ્પિટલ નજીક પોતાની ઓફિસ હોવાનું જણાવી તાઇવાનમાં નોકરીનું આકર્ષક સ્વપ્ન બતાવ્યું હતું. તમામ નાણાકીય લેવડદેવડ પતી ગયા બાદ નોકરી નક્કી થઈ ગઈ હોવાનું કહીને 11 જૂન 2026ના રોજ ફરિયાદીને મુંબઈથી બેંગકોક મોકલવામાં આવ્યા હતા. ત્યાં ઓસ્ટ્રેલિયાના વિઝાની પ્રક્રિયાના નામે ઈ-મેઇલથી વિઝા મોકલીને બાદમાં તાઇવાન માટે 14 દિવસનો ROC વિઝા આપીને 30 જૂને તાઇપેઈ શહેરની ટ્વીન સ્ટાર હોટલમાં મોકલી દેવાયા હતા.
તાઇવાન પહોંચ્યા બાદ પણ જ્યારે લાંબા સમય સુધી કોઈ નોકરી ન મળી ત્યારે ફરિયાદીએ વારંવાર સંપર્ક કર્યો હતો, પરંતુ કંપની દ્વારા વિઝા એક્સટેન્ડ કરવાના બહાને 21 જુલાઈના રોજ વોટ્સએપ પર વધુ 60 દિવસનું બનાવટી ROC મોકલી આપવામાં આવ્યું હતું. સમય પૂરો થવા છતાં નોકરી ન મળતા અને વધુ રોકાણ માટે દબાણ કરાતાં જ્યારે પૂછપરછ કરી ત્યારે શ્રેયાંન્શી જોષી દ્વારા પૈસા પરત નહીં આપે અને જાનથી કે કેસમાં ફસાવવાની ધમકી આપીને હોટલનું બુકિંગ તથા જમવાની વ્યવસ્થા પણ બંધ કરી દેવામાં આવી હતી.
આખરે કંટાળીને 28 સપ્ટેમ્બર 2026ના રોજ સવારે યુવકે તાઇવાનના તાવ્યાન એરપોર્ટ ખાતે પહોંચીને સત્તાવાળાઓ સમક્ષ સરેન્ડર કર્યું હતું. ઇમિગ્રેશન અધિકારીઓની પૂછપરછમાં 60 દિવસનું ROC તદ્દન બનાવટી હોવાનું બહાર આવ્યું હતું, જેના કારણે યુવક માત્ર 14 દિવસ જ કાયદેસર રહી શક્યો હોવાથી બાકીના દિવસો ગેરકાયદે ગણાયા હતા. તાઇવાન સત્તાવાળાઓ દ્વારા યુવક પાસેથી 40 હજાર તાઇવાન ડોલરનો ભારે દંડ વસૂલવામાં આવ્યો હતો તેમજ આગામી ત્રણ વર્ષ સુધી તાઇવાનમાં પ્રવેશ પર પ્રતિબંધ મૂકીને તેને પોતાના ખર્ચે ભારત પરત મોકલવામાં આવ્યો હતો.
વિદેશમાં નોકરી અપાવવાના નામે ચાલતા આવા ઠગ રેકેટ સામાન્ય નાગરિકોની જિંદગી બરબાદ કરી નાખતા હોય છે. વડોદરા પોલીસે આ મામલે ગુનો દાખલ કરીને ફરાર આરોપીઓની સઘન શોધખોળ શરૂ કરી છે, જેથી આવા ભેજાબાજ ઠગોને કાયદાનો પાઠ ભણાવી શકાય અને અન્ય કોઈ નિર્દોષ નાગરિક આનો ભોગ ન બને.
વિદેશી નોકરીના નામે છેતરપિંડી
વિદેશમાં રોજગારી મેળવવાની લ્હાયમાં ગેરકાયદે એજન્ટોના ચક્કરમાં ફસાવાથી ગંભીર આર્થિક અને માનસિક નુકસાન સહન કરવાનો વારો આવે છે. નાગરિકઓએ હંમેશાં અધિકૃત અને રજિસ્ટર્ડ એજન્સીઓ મારફત જ વિદેશ પ્રવાસ કરવો જોઈએ.