સસ્પેન્ડેડ મહિલા કોન્સ્ટેબલ નયના બારૈયા ઝડપાઈ ગઈ
-
સુરત સેશન્સ કોર્ટે આગોતરા જામીન ફગાવી દીધા
-
ઉદયપુર અને ચિત્તોડગઢમાં ફર્યા બાદ ગીર રોકાયેલી
-
સોશિયલ મીડિયા પર રીલ બનાવવાની ભારે શોખીન
સિટી ન્યુઝ @ સુરત
કીર્તિ પટેલની ખાસ સાથીદાર અને વિવાદાસ્પદ સસ્પેન્ડેડ મહિલા કોન્સ્ટેબલ નયના બારૈયાની સુરતની પુણા પોલીસે આખરે ધરપકડ કરી લીધી છે. પુણા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ખંડણી તેમજ આઈટી એક્ટ હેઠળના ગંભીર ગુનાઓમાં તે છેલ્લા ત્રણ મહિનાથી પોલીસને ચકમો આપીને નાસતી ફરતી હતી. આ કેસમાં મુખ્ય આરોપી કીર્તિ પટેલ અગાઉથી જ જેલ હવાલે છે, જ્યારે નયના બારૈયા સતત પોલીસને હાથતાળી આપી રહી હતી. સુરત સેશન્સ કોર્ટે તેના આગોતરા જામીન ફગાવી દીધા બાદ પુણા પોલીસે તેને ઝડપી લઈને કોર્ટમાં રજૂ કરી હતી, જ્યાંથી તેના એક દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે.
નયનાના લિવ-ઇન પાર્ટનર દ્વારા ગત જુલાઈ મહિનામાં પુણા પોલીસ સ્ટેશનમાં 3.12 કરોડ રૂપિયા પડાવી લેવાની અને કીર્તિ પટેલ સાથે મળીને વધુ નાણાં વસૂલવા માટે ધાકધમકી આપવાની ફરિયાદ નોંધાવવામાં આવી હતી. ડીસીપી આલોક કુમારના જણાવ્યા અનુસાર, ધરપકડથી બચવા માટે નયનાએ પોતાનો મોબાઈલ ફોન સ્વિચ ઓફ કરી દીધો હતો અને ઉદયપુર, ચિત્તોડગઢ તેમજ ખાટુશ્યામ જેવા વિવિધ ધાર્મિક અને પર્યટન સ્થળોએ આશરો લીધો હતો. આ દરમિયાન ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોની ચોક્કસ બાતમીના આધારે પોલીસને ખબર પડી કે તે ગુજરાત પરત ફરીને સાસણગીરના એક રિસોર્ટમાં છુપાઈને બેઠી છે, ત્યારબાદ પોલીસ ટીમે તુરંત દરોડો પાડીને તેને પકડી લીધી.
આ સમગ્ર વિવાદની શરૂઆત ફેબ્રુઆરી મહિનામાં થઈ હતી, જ્યારે નયના બારૈયા સામે રાજુ ભમ્મરની પત્નીએ ભાવનગરના દાઠા પોલીસ સ્ટેશનમાં પ્રેમ પ્રકરણના વિવાદમાં ગાળો બોલવા, જાતિ અંગે અપમાનજનક શબ્દો વાપરવા અને જાનથી મારી નાખવાની ધમકી આપવાની ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદ બાદ આ કેસમાં કીર્તિ પટેલની એન્ટ્રી થઈ હતી. 5 જૂનના રોજ કીર્તિ પટેલે નયનાના સમર્થનમાં આવીને ફરિયાદીને ફોન પર ગાળાગાળી કરી ધમકી આપી હતી અને પોતાના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પરથી બદનક્ષીકારક વીડિયો તથા રીલ્સ બનાવીને સોશિયલ મીડિયા પર વાયરલ કર્યા હતા, જેમાં નયનાએ પણ પૂરો સાથ આપ્યો હતો.
આ અગાઉ પણ નયના બારૈયા પોતાની હાઈ-ફાઈ જીવનશૈલી, મોંઘી ગાડીઓ અને સોશિયલ મીડિયા પર રીલ બનાવવાની શોખીન હોવાને કારણે અનેકવાર વિવાદોમાં ઘેરાયેલી રહી છે. ગત 14 નવેમ્બર 2025ના રોજ એટ્રોસિટી કેસમાં ફરાર થયેલા એક વોન્ટેડ આરોપી પાર્થ ધાંધલ્યાને પોતાના ઘરમાં આશરો આપવા અને તેની સાથે ઇંગ્લિશ દારૂની બોટલો મળી આવવાના કેસમાં તેને પોલીસ વિભાગ દ્વારા સસ્પેન્ડ પણ કરવામાં આવી હતી. કાયદાના રક્ષક થઈને ગુનેગારોને આશરો આપવા અને ખંડણી જેવા ગંભીર કૃત્યોમાં સંડોવણી હોવાને કારણે તેની કારકિર્દી પર કાળો ડાઘ લાગ્યો છે.
પુણા પોલીસે બંને આરોપીઓ સામે BNS ની વિવિધ કલમો તેમજ આઈટી એક્ટ હેઠળ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. હાલ રિમાન્ડ પર રહેલી નયના બારૈયાની સઘન પૂછપરછ કરવામાં આવી રહી છે, જેનાથી આ રેકેટ સાથે જોડાયેલા અન્ય નામો અને ગુનાખોરીના મોટા રહસ્યો બહાર આવવાની પૂરી સંભાવના છે. કાયદાકીય શિકંજા સકંજામાં આવવાથી સોશિયલ મીડિયા પર દબદબો જમાવનારા આવા અસામાજિક તત્વોના અહંકારનો અંત આવ્યો છે.
પોલીસ વિભાગમાં ભ્રષ્ટાચાર અને ગુનાખોરી
કાયદાનું પાલન કરાવવાની જવાબદારી ધરાવતા રક્ષકો જ જ્યારે ગુનાખોરી કે ખંડણી જેવા ગંભીર કાવતરામાં સંડોવાય ત્યારે સમગ્ર સુરક્ષા તંત્ર પર ગંભીર સવાલો ઊભા થતા હોય છે.