Loading Please Wait !!!
ભારતીય બજારના બિસ્કિટ અને કૂકીઝ સ્વાસ્થ્ય માટે હાનિકારક

 

  • નવી દિલ્હીથી પાંચમી ઓક્ટોબરે પ્રકાશિત વિશેષ અહેવાલ

  • ત્રણ હજાર પાંચસો પચાસ પેક્ડ બિસ્કિટ પર અભ્યાસ

  • સ્વીટી પટેલના જણાવ્યા મુજબ ગ્રાહકો સાથે ભ્રામકતા

સિટી ન્યુઝ @ નવી દિલ્હી

ભારતીય બજારમાં વેચાતાં 3,550 પેક્ડ બિસ્કિટ અને કૂકીઝ પર કરવામાં આવેલા એક વ્યાપક હેલ્થ ઓડિટમાં અત્યંત ચોંકાવનારા ખુલાસા સામે આવ્યા છે. નીતિ આયોગ દ્વારા માન્યતા પ્રાપ્ત ગુજરાતના 'ફેક્ટસ્કેન' નામના ફૂડ ટ્રાન્સપરન્સી પ્લેટફોર્મ દ્વારા કરવામાં આવેલા આ ઓડિટ મુજબ, દેશમાં વેચાતા અંદાજે 96 ટકા બિસ્કિટ અને કૂકીઝ સ્વાસ્થ્યની દ્રષ્ટિએ સૌથી નીચલી અને નબળી શ્રેણીમાં આવે છે. આ તમામ પ્રોડક્ટ્સમાં ખાંડ (શુગર), સેચ્યુરેટેડ ફેટ (ચરબી) અને પામ ઓઈલનું પ્રમાણ સ્વાસ્થ્ય માટે હાનિકારક સ્તરે ઊંચું જોવા મળ્યું છે.

ઓડિટ દરમિયાન પૃથ્થકરણ કરવામાં આવેલી કુલ 3,550 પ્રોડક્ટ્સમાંથી 2,635 બિસ્કિટ્સને સૌથી ખરાબ ગણાતો 'E' ગ્રેડ અને 773 પ્રોડક્ટ્સને 'D' ગ્રેડ મળ્યો છે. આશ્ચર્યની વાત એ છે કે માત્ર એક જ પ્રોડક્ટને 'A' ગ્રેડ અને ચાર પ્રોડક્ટ્સને 'B' ગ્રેડ પ્રાપ્ત થયો છે, જ્યારે 106 પ્રોડક્ટ્સ 'C' ગ્રેડમાં આવી છે. આ સમગ્ર કેટેગરીમાં 100 માંથી સરેરાશ 'ન્યુટ્રી-સ્કોર' માત્ર 17 જ નોંધાયો છે, જે સાબિત કરે છે કે બજારમાં ઉપલબ્ધ બિસ્કિટ્સ સામાન્ય નાગરિકોના સ્વાસ્થ્ય સાથે કેવો ગંભીર ચેડાં કરી રહ્યા છે.

રિપોર્ટમાં વધુમાં ખુલાસો કરાયો છે કે 2,022 પ્રોડક્ટ્સમાં પામ ઓઈલનો ખુલ્લેઆમ ઉપયોગ થયો હતો, જ્યારે 1,400 પ્રોડક્ટ્સમાં માલ્ટોડેક્સ્ટ્રિન, ઇન્વર્ટ સીરપ અને લિક્વિડ ગ્લુકોઝ જેવા કૃત્રિમ ગળ્યાં તત્વો મળી આવ્યા હતા. સરેરાશ દર 100 ગ્રામ બિસ્કિટમાં 22.18 ગ્રામ ખાંડ, 20.18 ગ્રામ કુલ ફેટ અને 10.49 ગ્રામ સેચ્યુરેટેડ ફેટ હોવાનું સામે આવ્યું છે, જે FSSAI દ્વારા નક્કી કરવામાં આવેલી સલામત મર્યાદા કરતા અનેકગણું વધારે છે.

ફેક્ટસ્કેનના સ્થાપક સ્વીટી પટેલના જણાવ્યા મુજબ, ગ્રાહકો ઘણીવાર 'ડાઈજેસ્ટિવ', 'મલ્ટીગ્રેન', 'આટા' કે 'હાઈ-ફાઈબર' જેવા આકર્ષક શબ્દો જોઈને બિસ્કિટને સ્વાસ્થ્યપ્રદ માની લે છે, પરંતુ પેકેટના પાછળના ભાગે આપેલી ઇન્ગ્રીડિઅન્ટ લિસ્ટ વાસ્તવિકતા બિલકુલ અલગ દર્શાવે છે. 88 ટકાથી વધુ આવી હેલ્ધી ગણાવાતી પ્રોડક્ટ્સમાં પણ પામ ઓઈલ અથવા હાઈડ્રોજનેટેડ ફેટ અને વધુ પડતી ખાંડનો ભરપૂર ઉપયોગ કરવામાં આવતો હોય છે.

આ બાળકોમાં અને યુવાનોમાં સતત વધી રહેલી લાઈફસ્ટાઈલ સંબંધિત ગંભીર બીમારીઓ વચ્ચે આ રિપોર્ટ આંખ ઉઘાડનારો સાબિત થયો છે. નિષ્ણાતો દ્વારા સ્પષ્ટ સલાહ આપવામાં આવી છે કે ગ્રાહકોએ માત્ર આગળના કવર પર કરવામાં આવતા મોટા દાવાઓ જોવાને બદલે બિસ્કિટ ખરીદતાં પહેલાં પાછળ આપેલો ન્યુટ્રિશન ચાર્ટ અચૂક ચકાસવો જોઈએ.

પેક્ડ ફૂડ અને સ્વાસ્થ્ય જાગૃતિ

બજારમાં મળતી પ્રોસેસ્ડ અને પેક્ડ ખાદ્ય સામગ્રીઓમાં છુપાયેલા હાનિકારક તત્વો વિરુદ્ધ ગ્રાહકોમાં જાગૃતિ ફેલાવવી અત્યંત આવશ્યક છે. ખોરાકની ગુણવત્તા તપાસ્યા બાદ જ તેનું સેવન કરવું જોઈએ.