મોરબીના કૂવામાં આપોઆપ પાણી હિલોળા મારવાની રહસ્યમય ઘટના સામે આવી!
-
વીરપરડા ગામમાં નેશનલ હાઈવેની બાજુના ૧૮ ફૂટ ઊંડા કૂવાની ઘટના.
-
ચાર દિવસમાં બે વખત પાણી હિલોળા લેતા લોકોના ટોળેટોળા ઉમટ્યા.
-
મામલતદાર દ્વારા આ સમગ્ર બાબતે તપાસના આદેશ આપવામાં આવ્યા છે.
સિટી ન્યુઝ @ મોરબી
મોરબી, મોરબી પાસે આવેલા વીરપરડા ગામમાં છેલ્લાં ૪ દિવસથી એક કૂવામાં દરિયાના મોજાની જેમ આપોઆપ પાણી હિલોળા મારે છે. જામનગર-અમૃતસર નેશનલ હાઈવેની બાજુમાં આવેલા ૧૮ ફૂટ ઊંડા આ કૂવામાં પાણી અસાધારણ રીતે છલકાવાની આ રહસ્યમય ઘટનાએ લોકોમાં ભારે કૌતુક જગાવ્યું છે અને સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ થતાં લોકોના ટોળેટોળા ઉમટી રહ્યા છે. આ ઘટનાની ગંભીરતાથી નોંધ લઈને મામલતદારે તપાસના આદેશ પણ આપ્યા છે.
વાડીના માલિક પ્રાણજીવનભાઈ સાદરિયાના જણાવ્યા મુજબ આ કૂવો ત્રણ મહિના પહેલા જ બનાવવામાં આવ્યો છે, અને આશ્ચર્યની વાત એ છે કે આસપાસના અન્ય કૂવાઓમાં પાણી સંપૂર્ણપણે શાંત છે, જ્યારે માત્ર આ જ કૂવામાં પાણી હિલોળા મારે છે.
આ રહસ્ય પાછળના કારણો અંગે સાયન્સ કોમ્યુનિકેટર ધનંજય રાવલે જણાવ્યું કે મોરબી ફોલ્ટ લાઇનની નજીક હોવાથી અત્યંત ઓછી તીવ્રતાના સૂક્ષ્મ આંચકાઓને કારણે કૂવામાં પાણી લાંબા સમય સુધી હિલોળે ચડે છે. બીજી તરફ, જિયોલોજિસ્ટ મહેશ ઠક્કરે આ ઘટનાને 'વેલ શેશ' (Well Seiche) નામક ભૂસ્તરશાસ્ત્રીય પ્રક્રિયા ગણાવી છે, જ્યારે સિનિયર વૈજ્ઞાનિકે તેને વિન્ડ એનર્જી પ્રોજેક્ટ સાથે જોડાયેલી કંપનજન્ય અસર હોવાની શક્યતા પણ વ્યક્ત કરી છે.
કુદરતી રહસ્યો અને વિજ્ઞાન
પ્રકૃતિમાં બનતી અસામાન્ય ઘટનાઓ પાછળ અનેક વૈજ્ઞાનિક અને ભૂસ્તરશાસ્ત્રીય કારણો રહેલા હોય છે, જેનો અભ્યાસ કરવાથી લોકોની ગેરસમજ અને ડર દૂર થઈ શકે છે.