Loading Please Wait !!!
વાંકાનેરના વિનયગઢમાં ખનીજ માફિયાઓ પર ત્રાટકી પોલીસ: 3.04 કરોડનો મુદ્દામાલ જપ્ત

  • LCB, SOG અને ખાણ ખનીજ વિભાગના બે અલગ-અલગ દરોડા; 11 ડમ્પર અને જેસીબી મશીનો ઝબ્બે
  • ખાણ ખનીજ વિભાગે વસૂલાતની પ્રક્રિયા તેજ કરી; આરોપીઓની ધરપકડ માટે ચક્રો ગતિમાન
  • જમુરી સીમ વિસ્તારમાં ડુંગર ખોતરતા ખનીજ ચોરોમાં ફફડાટ; જેસીબી અને ટ્રેક્ટર લોડર હસ્તગત

સિટી ન્યુઝ @ મોરબી

મોરબી જિલ્લામાં ગેરકાયદેસર ખનીજ ખનન પ્રવૃત્તિઓને ડામવા માટે પોલીસ અને ખાણ ખનીજ વિભાગે કમર કસી છે. વાંકાનેર તાલુકાના વિનયગઢ ગામની સીમમાં છેલ્લા ૨૪ કલાકમાં બે અલગ-અલગ સ્થળોએ દરોડા પાડીને કુલ રૂ. ૩.૦૪ કરોડનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. મોરબી જિલ્લા એલ.સી.બી. (LCB), એસ.ઓ.જી. (SOG) અને સ્થાનિક પોલીસે ખનીજ વિભાગના અધિકારીઓને સાથે રાખીને આ સંયુક્ત ઓપરેશન પાર પાડ્યું હતું, જેનાથી ખનીજ માફિયાઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.

પ્રથમ દરોડાની વિગત મુજબ, જિલ્લા એલ.સી.બી. અને એસ.ઓ.જી.ની ટીમે વિનયગઢ ગામની સીમમાં ગેરકાયદેસર ખનીજ ખનન થતું હોવાની બાતમીના આધારે રેડ કરી હતી. આ સ્થળ પરથી પોલીસે ૬ ડમ્પર, ૧ જેસીબી અને ૧ ટ્રેક્ટર લોડર સહિત કુલ રૂ. ૧.૩૯ કરોડની મશીનરી અને સાધનો જપ્ત કર્યા છે. આ મામલે તરણેતરના ગભરુભાઈ નાથાભાઈ રબારી અને જામવાડીના વાલાભાઈ ગગજીભાઈ અલગોતરના નામ ખુલ્યા છે. પોલીસ આ બંને આરોપીઓની ધરપકડ કરવા માટે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

બીજી તરફ, વાંકાનેર સ્થાનિક પોલીસને મળેલી ચોક્કસ બાતમીના આધારે વિનયગઢ ગામના જમુરી સીમ વિસ્તારમાં ડુંગર પાસે બીજા દરોડા પાડવામાં આવ્યા હતા. અહીં પણ ગેરકાયદે ખનન કરતી ટોળકી પર ત્રાટકેલી પોલીસે ૫ ડમ્પર અને ૧ જેસીબી મશીન કબજે કર્યા હતા. આ બીજા દરોડામાં કુલ રૂ. ૧.૬૫ કરોડનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. આ ખનીજ ચોરીમાં વિનયગઢના રહેવાસી હરેશભાઈ જગાભાઈ ડોડાની સંડોવણી હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.

ખાણ ખનીજ વિભાગ દ્વારા આ બંને કેસોમાં કાયદેસરના દંડની વસૂલાત માટેની પ્રક્રિયા પણ શરૂ કરી દેવામાં આવી છે. જપ્ત કરાયેલા વાહનોના નંબર (GJ 36 Y 8877, GJ 13 TA 2525 વગેરે) પરથી તેમના માલિકોની પણ વિગતો એકઠી કરવામાં આવી રહી છે. પોલીસ અધિકારીઓના જણાવ્યા મુજબ, વિનયગઢ અને આસપાસના વિસ્તારોમાં ડુંગરોમાંથી ગેરકાયદેસર રીતે ખનીજ કાઢીને તેનું વહન કરવામાં આવતું હતું, જેના કારણે સરકારી તિજોરીને મોટી હાનિ પહોંચી રહી હતી.

મોરબી જિલ્લા પોલીસ વડા દ્વારા ખનીજ ચોરી રોકવા માટે આપવામાં આવેલી કડક સૂચના બાદ પોલીસ સક્રિય બની છે. આગામી દિવસોમાં વાંકાનેર અને હળવદ પંથકમાં પણ આ પ્રકારના દરોડાની કાર્યવાહી ચાલુ રાખવામાં આવશે તેવા સંકેતો મળી રહ્યા છે. ખનીજ ચોરીમાં સામેલ શખ્સો ભલે ગમે તેટલા પ્રભાવશાળી હોય, તેમની વિરુદ્ધ કડક હાથે કામ લેવામાં આવશે તેવી ખાતરી તંત્ર દ્વારા આપવામાં આવી છે. જપ્ત કરાયેલ મુદ્દામાલ હાલ વાંકાનેર પોલીસ સ્ટેશન ખાતે સુરક્ષિત રીતે ખસેડવામાં આવ્યો છે.