Loading Please Wait !!!
અમદાવાદની 133 શાળાઓ પર DEOની 'સર્જિકલ સ્ટ્રાઈક': ₹2.91 કરોડની રિકવરી મુદ્દે પ્રોપર્ટી જપ્ત કરવાની ચીમકી!

  • મણિનગરની જય સોમનાથ શાળાના ₹62.55 લાખ બાકી - વર્ષો જૂની ઉઘરાણી માટે કલેક્ટરને કરાશે જાણ
  • ખાતાકીય ઓડિટમાં ખુલી મોટી પોલ - રિકવરી પેન્ડિંગ રાખતી શાળાઓ પાસે હવે રૂબરૂ જવાબ માંગવામાં આવ્યો
  • શ્રી વિદ્યાનગર હાઈસ્કૂલ સહિત 5 શાળાઓના લાખો રૂપિયા બાકી - નિભાવ ગ્રાન્ટના વિકલ્પમાં ફસાઈ શાળાઓ

અમદાવાદ શહેરની ગ્રાન્ટેડ શાળાઓમાં વર્ષોથી ચાલી આવતી આર્થિક અનિયમિતતાઓ સામે જિલ્લા શિક્ષણાધિકારી (DEO) એ લાલ આંખ કરી છે. ખાતાકીય ઓડિટ દરમિયાન સામે આવેલી ₹૨.૯૧ કરોડની પેન્ડિંગ રિકવરી મુદ્દે શહેરની ૧૩૩ શાળાઓને અંતિમ નોટિસ ફટકારવામાં આવી છે. DEO રોહિત ચૌધરીએ સ્પષ્ટ કર્યું છે કે જો નિર્ધારિત સમયમાં આ રકમ જમા કરાવવામાં નહીં આવે અથવા ચલણ રજૂ નહીં કરાય, તો નાછૂટકે કલેક્ટર મારફતે શાળાની મિલકતો જપ્ત કરવાની કે તેના પર સરકારી બોજો દાખલ કરવાની કાર્યવાહી હાથ ધરાશે.

ઓડિટ અહેવાલ મુજબ, આ ૧૩૩ શાળાઓએ સરકારી અનુદાન મેળવ્યા બાદ નિયમ મુજબ જે રકમ પરત કરવાની હતી તે વર્ષોથી સરકારી તિજોરીમાં જમા કરાવી નથી. આ યાદીમાં મણિનગરની જાણીતી જય સોમનાથ શાળા મોખરે છે, જેની ₹૬૨.૫૫ લાખની રિકવરી બાકી છે. આ ઉપરાંત આશ્રમ રોડની શ્રી વિદ્યાનગર હાઈસ્કૂલ પાસે પણ ₹૨૯.૭૯ લાખની વસૂલાત કરવાની થાય છે. અન્ય ૫ શાળાઓ એવી છે જેમના માથે ₹૧૨ લાખથી વધુનું દેવું છે.

જિલ્લા શિક્ષણાધિકારીએ જણાવ્યું હતું કે, "ઘણી શાળાઓ એવી છે કે જેમની પાસે ૨૫ લાખથી વધુની રિકવરી બાકી છે. અમે આ શાળાઓના સંચાલકોને રૂબરૂ બોલાવીને જવાબ માંગ્યો છે. જો તેઓએ રકમ વેવ કરાવી હોય તો તેના પુરાવા રજૂ કરવા અથવા તાત્કાલિક ધોરણે ચલણ ભરીને તેની કોપી કચેરીમાં જમા કરાવવી પડશે."

નોંધનીય છે કે, ઘણી શાળાઓ નિભાવ ગ્રાન્ટને બદલે ફીનો વિકલ્પ સ્વીકારે છે, જેમાં સરકાર માત્ર પગારનું જ અનુદાન આપે છે. આવી સ્થિતિમાં ઓડિટમાં નીકળતી રકમ શાળાઓએ સ્વતઃ જમા કરાવવાની હોય છે. જોકે, લાંબા સમયથી શાળાઓએ આ બાબતે દુર્લક્ષ સેવ્યું હોવાથી હવે શિક્ષણ વિભાગે મિલકત જપ્ત કરવા સુધીના કડક પગલાં લેવાની તૈયારી બતાવી છે. આ કાર્યવાહીથી અમદાવાદની ગ્રાન્ટેડ શાળાઓના સંચાલકોમાં ભારે ફફડાટ જોવા મળી રહ્યો છે.