Loading Please Wait !!!
ઇથેનોલ નીતિના પ્રચાર પાછળ છુપાયેલું ખેડૂતોની નિરાશાનું અસલી ચિત્ર!

 

  • ખેડૂતોને મકાઈનું વાવેતર કરવા પ્રોત્સાહિત કરાયા છતાં પૂરતા ભાવ ન મળ્યા.

  • માર્ચ 2025 થી ઓગસ્ટ 2026 દરમિયાન બજારભાવ MSP સુધી ન પહોંચ્યા.

  • ઉદ્યોગપતિઓના દબાણમાં આવીને બહારથી મકાઈની આયાતમાં છૂટ આપવામાં આવી.

સિટી ન્યુઝ @ નવી દિલ્હી

નવી દિલ્હી, દેશનાં રાજકીય અને આર્થિક ક્ષેત્રે ઇથેનોલ નીતિ અંગે જોરશોરથી ચર્ચાઓ ચાલી રહી છે અને સરકાર દાવો કરી રહી છે કે ખેડૂત હવે અન્નદાતા'માંથી ઊર્જાદાતા' બની ગયો છે. જો કે, કેન્દ્રીય કૃષિ મંત્રાલયની ફાઈલો અને એગમાર્કનેટના સત્તાવાર આંકડા એક સાવ જુદું જ ચિત્ર રજૂ કરે છે. ખેડૂતોને મકાઈનું વાવેતર કરવા પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા, પરંતુ માર્ચ ૨૦૨૫ થી ઓગસ્ટ ૨૦૨૬ દરમિયાન એક પણ મહિનો એવો નથી રહ્યો જ્યારે મકાઈનો સરેરાશ ભાવ ટેકાના ભાવ (MSP) સુધી પહોંચ્યો હોય.

સરકારે ડિસ્ટિલરીઝને સસ્તા ચોખા ઉપલબ્ધ કરાવતા તેમણે ખેડૂતોની મકાઈ ખરીદવાનું બંધ કરી દીધું હતું અને આયાતમાં છૂટ અપાતા ખેડૂતો પાયમાલ થયા છે. માત્ર મકાઈ જ નહીં, પરંતુ શેરડી પકવતા ખેડૂતો પણ આ ક્રાંતિમાં અન્યાયનો ભોગ બન્યા છે, કારણ કે ખાંડ મિલો ઇથેનોલ વેચીને મોટો નફો કમાઈ રહી છે પરંતુ શેરડીના ભાવ નક્કી કરવામાં ઇથેનોલની કમાણીને ઉમેરવામાં આવતી નથી.

ઇથેનોલ બનાવતી કંપનીઓને ઓઈલ કંપનીઓ તરફથી પ્રાઈસ પ્રોટેક્શનનું કાનૂની કવચ મળેલું છે, પરંતુ કાચો માલ આપનારા ખેડૂતોના પાકની ખરીદી માટે કોઈ કાનૂની ગેરંટી કે પ્રોફિટ શેરિંગ મોડેલ લાગુ કરવામાં આવ્યું નથી.

આંકડા દર્શાવે છે કે ઇથેનોલ નીતિ હાલમાં પૂરેપૂરી ઉદ્યોગ-કેન્દ્રિત બની રહી છે અને જ્યાં સુધી સરકાર મકાઈની MSP પર ખરીદીની કાનૂની ગેરંટી ન આપે ત્યાં સુધી આ નારો માત્ર પ્રચારનું સાધન બની રહેશે.

કૃષિ અર્થતંત્ર અને નીતિઓ

દેશના કૃષિ ક્ષેત્ર અને ખેડૂતોના આર્થિક હિતોનું રક્ષણ કરવા માટે નીતિગત નિર્ણયોમાં પારદર્શિતા અને ન્યાયસંગત વ્યવસ્થાઓ હોવી અનિવાર્ય છે.