ભારત અને મ્યાનમાર વચ્ચે સરહદ રેખા નક્કી કરવાનો મુદ્દો ઉકેલાઈ શકે છે!
-
વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે વાતચીત ચાલુ હોવાનું જણાવ્યું.
-
અમેરિકન મેગેઝિન 'દ ડિપ્લોમેટ' ના રિપોર્ટ બાદ આ ચર્ચા સામે આવી છે.
-
અરૂણાચલ પ્રદેશ, નાગાલેન્ડ, મણિપુર અને મિઝોરમમાંથી સરહદ પસાર થાય છે.
સિટી ન્યુઝ @ નવી દિલ્હી
નવી દિલ્હી, ભારત અને મ્યાનમાર વચ્ચે સરહદ રેખા નક્કી કરવાનો વર્ષોથી પડતર રહેલો મુદ્દો ટૂંક સમયમાં ઉકેલાઈ શકે છે. અહેવાલો મુજબ, બંને દેશો એવી જમીનની અદલાબદલી કરવા પર વિચાર કરી રહ્યા છે, જેની સરહદ હજુ સુધી નક્કી થઈ શકી નથી. નવી દિલ્હીમાં પ્રેસ કોન્ફરન્સ દરમિયાન વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું હતું કે સરહદ પર કેટલાક એવા વિસ્તારો છે જે ઉકેલવાના બાકી છે અને તે હિસ્સાઓ પર હાલ વાતચીત ચાલી રહી છે.
અમેરિકન મેગેઝિન 'દ ડિપ્લોમેટ' ના રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે ભારત સરકાર મણિપુર સરહદે આવેલ બોર્ડર પિલર ૬૫ અને ૬૮ વચ્ચે સીમા નક્કી કરવા માટે આશરે ૧.૪ ચોરસ માઈલ જમીનની અદલાબદલીના પ્રસ્તાવ પર વિચાર કરી રહી છે. ભારત અને મ્યાનમાર વચ્ચે કુલ ૧,૬૪૩ કિલોમીટર લાંબી આંતરરાષ્ટ્રીય સરહદ છે, જેમાંથી ૧,૪૭૨ કિલોમીટર હિસ્સો બોર્ડર પિલર દ્વારા નક્કી થઈ ચૂક્યો છે, જ્યારે ૧૭૧ કિલોમીટર હિસ્સો હજુ પણ વણઉકેલાયેલો છે.
આ પ્રસ્તાવ પાછળનો મુખ્ય હેતુ સરહદ નક્કી કરવાની પ્રક્રિયાને ઝડપી બનાવીને સમગ્ર સીમા પર ફેન્સિંગ કરવાનો છે, જેથી ઘૂસણખોરી અને ગેરકાયદેસર સ્થળાંતર રોકી શકાય. બીજી તરફ, મણિપુરમાં 'કોઓર્ડિનેટિંગ કમિટી ઓન મણિપુર ઇન્ટિગ્રીટી' (COCOMI) સંગઠને સરકારને ચેતવણી આપી છે કે રાજ્યની જમીનનો એક નાનો ટુકડો પણ મ્યાનમારને સોંપવામાં ન આવે અને પ્રસ્તાવ લાગુ કરાય તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે.