Loading Please Wait !!!
IPL માં ઇમ્પેક્ટ પ્લેયર તરીકે નહીં રમે એમ.એસ. ધોની: સુબ્રમણ્યમ બદ્રીનાથનો મોટો ખુલાસો

 

  • સુબ્રમણ્યમ બદ્રીનાથે પોતાની યૂટ્યુબ ચેનલ પર ધોની સાથે થયેલી વાતચીતનો કર્યો ઘટસ્ફોટ

  • વધતી ઉંમર અને ફિટનેસ છતાં 20 ઓવર મેદાન પર રહી વિકેટકીપિંગ કરવાની ધોનીની ઇચ્છા

  • બદ્રીનાથના મતે ઇમ્પેક્ટ પ્લેયર બનવાથી CSK ને વ્યૂહાત્મક અને ફિનિશર તરીકે ફાયદો થઈ શકે

સિટી ન્યુઝ @ નવી દિલ્હી

ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન અને ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) ના સફળતમ સુકાની મહેન્દ્ર સિંહ ધોનીએ સ્પષ્ટ કરી દીધું છે કે તેઓ ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) માં 'ઇમ્પેક્ટ પ્લેયર' તરીકે રમવા માંગતા નથી. ધોનીના આ આકરા અને મક્કમ વલણને કારણે આગામી વર્ષે યોજાનારી IPL સિઝનમાં તેમની ભાગીદારીને લઈને ચાલી રહેલી અટકળોમાં નવો રોમાંચક વળાંક આવ્યો છે.

ચેન્નાઈ સુપર કિંગ્સના પૂર્વ સ્ટાર બેટ્સમેન સુબ્રમણ્યમ બદ્રીનાથે પોતાની યુટ્યુબ ચેનલ પર આ ચોંકાવનારો ખુલાસો કર્યો છે. બદ્રીનાથે જણાવ્યું હતું કે ધોની સાથે થયેલી અંગત વાતચીતમાં માહીએ સ્પષ્ટ કર્યું હતું કે જો તેઓ મેદાનમાં ઉતરશે તો એક પૂર્ણકાલિક વિકેટકીપર તરીકે જ રમશે. તેનો સીધો અર્થ એ છે કે તેઓ માત્ર બેટિંગ કરવા પૂરતા મેદાનમાં આવવાને બદલે સંપૂર્ણ 20 ઓવર સુધી મેદાન પર રહીને વિકેટકીપિંગની જવાબદારી સંભાળવા માંગે છે.

બદ્રીનાથના જણાવ્યા અનુસાર, 45 વર્ષની ઉંમરે અને ફિટનેસની વધતી સમસ્યાઓ વચ્ચે ધોની માટે ઇમ્પેક્ટ પ્લેયરનો નિયમ સૌથી શ્રેષ્ઠ વિકલ્પ સાબિત થઈ શકે તેમ છે. પૂર્વ કોચ સ્ટીફન ફ્લેમિંગ પણ અગાઉ સંકેત આપી ચૂક્યા છે કે ધોની મોડી ઓવરોમાં એટલે કે 16મી ઓવર પછી જ બેટિંગ કરવા ઉતરે છે. આવી સ્થિતિમાં જો તેઓ માત્ર ઇમ્પેક્ટ બેટ્સમેન તરીકે રમે તો તેમના શરીર પર વર્કલોડ ઘટશે અને CSK ને એક અનુભવી ફિનિશરનો મહત્તમ લાભ મળશે.

ઉલ્લેખનીય છે કે ધોની છેલ્લા કેટલાક સમયથી ઘૂંટણ અને પગની ઈજાઓ સામે ઝઝૂમી રહ્યા છે. CSK ને પોતાની કેપ્ટનશીપ હેઠળ 5 વખત ચેમ્પિયન બનાવનાર ધોનીએ વર્ષ 2024 ની સિઝન પહેલાં જ ટીમની કમાન ઋતુરાજ ગાયકવાડને સોંપી દીધી હતી. ત્યારથી તેઓ નીચલા ક્રમે આવીને ખૂબ મર્યાદિત બોલ રમવાનું પસંદ કરે છે.

હવે જ્યારે ધોનીએ માત્ર પૂર્ણકાલિક વિકેટકીપર તરીકે જ રમવાનો આગ્રહ રાખ્યો છે, ત્યારે ચેન્નાઈ સુપર કિંગ્સના મેનેજમેન્ટ માટે આગામી IPL સિઝનમાં ધોનીની ફિટનેસ અને તેમની ઉપલબ્ધતા પર આખરી નિર્ણય લેવો મોટો પડકાર બની રહેશે.

ધોની ઇમ્પેક્ટ પ્લેયર તરીકે નહીં રમે

CSK ના પૂર્વ ખેલાડી બદ્રીનાથે ખુલાસો કર્યો છે કે એમ.એસ. ધોની IPL માં ઇમ્પેક્ટ પ્લેયર તરીકે રમવા માંગતા નથી. તેઓ પૂર્ણકાલિક વિકેટકીપર તરીકે આખી 20 ઓવર મેદાન પર રહેવા માંગે છે. વધતી ઉંમર અને ફિટનેસની ચિંતાઓ વચ્ચે ધોનીના આ નિર્ણયથી આગામી સિઝનમાં તેમની ભાગીદારી અંગે CSK મેનેજમેન્ટ સામે નવો પેચ ફસાયો છે.