Loading Please Wait !!!
પુરી મંદિરમાં સ્નાન પૂર્ણિમા: ગજ વેશમાં બિરાજમાન થયા ભગવાન જગન્નાથ

  • 108 કળશના જળથી મહાઅભિષેક, ભક્તોમાં ઉત્સાહનો માહોલ
  • ગણપતિ ભટ્ટની ભક્તિના સન્માનમાં આજે પણ પરંપરા જીવંત
  • સ્નાન બાદ ભગવાન બીમાર પડવાની માન્યતા, રથયાત્રાની તૈયારીઓ શરૂ

સિટી ન્યુઝ @ પુરી

ઓડિશાના પુરી ખાતે આવેલ ભગવાન જગન્નાથજીના મંદિરમાં સોમવારે સ્નાન પૂર્ણિમા મહોત્સવની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. આ પવિત્ર દિવસે ભગવાન જગન્નાથ, બલભદ્રજી અને સુભદ્રા દેવીનો 108 પવિત્ર કળશના જળથી મહાઅભિષેક કરવામાં આવ્યો હતો. આ ધાર્મિક વિધિ સાથે જ જગન્નાથજીની વિશ્વપ્રસિદ્ધ રથયાત્રાની તૈયારીઓનો વિધિવત પ્રારંભ થયો છે. માન્યતા મુજબ, આ મહાસ્નાન બાદ ભગવાન બીમાર પડી જાય છે, જે આગામી રથયાત્રા સુધી ચાલશે.

આ ઉત્સવની સૌથી આકર્ષક પરંપરા 'ગજ વેશ' છે. ભગવાન જગન્નાથ અને બલભદ્રજીને હાથીના મુખ જેવી સજાવટથી શણગારવામાં આવે છે, જ્યારે સુભદ્રા દેવીને કમળના સ્વરૂપમાં સજાવવામાં આવે છે. આ દિવ્ય શૃંગાર પાછળ 15મી સદીના સંત ગણપતિ ભટ્ટની કથા જોડાયેલી છે. ભગવાન ગણેશના અનન્ય ભક્ત ગણપતિ ભટ્ટને જ્યારે ભગવાન જગન્નાથમાં ગજાનન સ્વરૂપના દર્શન ન થયા ત્યારે તેઓ નિરાશ થયા હતા, પરંતુ તેમની સાચી ભક્તિ જોઈ ભગવાને તેમને ગજ વેશમાં દિવ્ય દર્શન આપી ધન્ય કર્યા હતા.

ભગવાનના આ અલૌકિક સ્વરૂપના દર્શન કરવા માટે દેશ-વિદેશમાંથી લાખોની સંખ્યામાં ભક્તો પુરી ઉમટી પડ્યા હતા. સ્નાન મંડપ પર ભગવાનના આ દિવ્ય શૃંગારના દર્શન કરીને ભક્તો ભાવવિભોર થઈ ગયા હતા. સમગ્ર મંદિર પરિસર 'જય જગન્નાથ'ના નાદથી ગુંજી ઉઠ્યું હતું. મંદિર પ્રશાસન દ્વારા ભક્તોની ભીડને ધ્યાનમાં રાખીને સુરક્ષા અને દર્શન માટેની ખાસ વ્યવસ્થાઓ કરવામાં આવી હતી.

ગજ વેશનો મહિમા

ભગવાન જગન્નાથના ગજ વેશનું મહત્વ કેવળ શૃંગાર પૂરતું મર્યાદિત નથી, પરંતુ તે ભક્ત અને ભગવાન વચ્ચેના ગાઢ સંબંધનું પ્રતીક છે. આ પરંપરા ભક્તોને એ શીખવે છે કે સાચી શ્રદ્ધાથી કરવામાં આવેલી પ્રાર્થના ક્યારેય નિષ્ફળ જતી નથી. સ્નાન પૂર્ણિમાના આ દિવસે ભગવાનના હાથી સ્વરૂપના દર્શન કરવાથી ભક્તોના તમામ કષ્ટો દૂર થાય છે તેવી અતૂટ શ્રદ્ધા પુરીમાં જોવા મળી હતી.