7 જન્મ નહીં 7 સેકન્ડ માટે આવી પત્નીઓ ના મળે માટે પુરુષોએ પત્નીથી બચવા પ્રાર્થના
પીપળાની 108 ઊંધી પ્રદક્ષિણા કરી
પત્ની પીડિત પતિઓએ કરી પૂજા
સીટી ન્યૂઝ@મુંબઈ
૭ જન્મ સુધી પતિનો સાથ મળે અને અખંડ સૌભાગ્ય મળે એ માટે પરિણીત સ્ત્રીઓ વડ સાવિત્રીનું વ્રત કરે છે અને વડની પ્રદક્ષિણા કરે છે. ત્યારે ૭ જન્મ માટે તો નહીં, આ પત્ની ૭ સેકન્ડ માટે પણ નથી જોઈતી એવી પ્રાર્થના થમને કરીને વડ સાવિત્રી વ્રતના એક દિવસ પહેલાં પત્નીપીડિત પતિઓએ પીપળાના ઝાડની આસપાસ ૧૦૮ પરિક્રમા કરી હતી. સ્ત્રીઓના રક્ષણ માટે રચાયેલા કાયદાઓના દુરુપયોગ અંગે ફરિયાદો વ્યક્ત કરતા તેમણે પુરુષ આયોગ, પુરુષ તકેદારી સમિતિ અને પુરુષ માટે ફરિયાદ નિવારણ સેલની સ્થાપના કરવાની માગણી પણ કરી હતી. છત્રપતિ સંભાજીનગરના વારુંજમાં છેલ્લા ૭ વર્ષથી યોજાતા કાર્યક્રમનો હેતુ એ સંદેશ આપવાનો હતો કે પુરુષો પણ ન્યાયને પાત્ર છે અને તેમની ફરિયાદો સાંભળવા માટે એક પ્લેટફોર્મ હોવું જોઈએ. મહારાષ્ટ્રના છત્રપતિ સંભાજીનગરમાં વટ સાવિત્રી પૂર્ણિમા પૂર્વે પત્ની પીડિત પુરુષોએ અનોખી રીતે વિરોધ નોંધાવ્યો હતો. ‘પત્ની પીડિત આશ્રમ’ સાથે જોડાયેલા પુરુષોએ પીપળાના વૃક્ષની પૂજા કરીને તેની ૧૦૮ ઊંધી પરિક્રમા કરી હતી. કાર્યક્રમમાં રાજ્યના વિવિધ વિસ્તારોમાંથી આવેલા પુરુષોએ લગ્નજીવનમાં ભોગવતા પ્રશ્નો રજૂ કરી સરકાર સમક્ષ પુરુષ આયોગની રચના અને પુરુષોને લગતા કેસો માટે અલગ વ્યવસ્થા ઉભી કરવાની માંગ કરી હતી. આ કાર્યક્રમના આયોજકોએ સ્પષ્ટ કર્યું કે તેમનો વિરોધ મહિલાઓ સામે નથી, પરંતુ માનસિક, સામાજિક અને કાનૂની મુશ્કેલીઓનો સામનો કરતા પુરુષોના પ્રશ્નો સરકાર અને સમાજ સમક્ષ પહોંચાડવાનો છે. છેલ્લા સાત વર્ષથી આ પ્રતીકાત્મક કાર્યક્રમ યોજાતો હોવાનો દાવો પણ કરવામાં આવ્યો હતો.
પુરુષ આયોગની માંગ ઉઠી
કાર્યક્રમમાં જોડાયેલા પુરુષોએ જણાવ્યું કે તેમનો હેતુ મહિલાઓનો વિરોધ કરવાનો નથી, પરંતુ પારિવારિક વિવાદો, માનસિક તણાવ અને કાનૂની મુશ્કેલીઓનો સામનો કરતા પુરુષોના પ્રશ્નો સરકાર સમક્ષ પહોંચાડવાનો છે. તેમણે કેન્દ્ર અને રાજ્ય સરકાર પાસે પુરુષ આયોગની રચના, પુરુષોને લગતા કેસો માટે અલગ વ્યવસ્થા તથા ખોટી ફરિયાદોના કેસોમાં નિષ્પક્ષ કાર્યવાહી કરવાની માંગ કરી હતી. કાર્યક્રમ દરમિયાન અનેક પુરુષોએ પોતાના વ્યક્તિગત અનુભવો રજૂ કર્યા હતા. પારિવારિક વિવાદો, ખોટા કેસોના આક્ષેપો, માનસિક તણાવ અને પુરુષોમાં વધી રહેલી આત્મહત્યાની ઘટનાઓ અંગે ચર્ચા કરવામાં આવી હતી.