પરિણીત મહિલાઓએ પતિના દીર્ઘ આયુષ્ય માટે પીપળાની કરી પૂજા
વટ સાવિત્રી વ્રત સમાપન
સીટી ન્યૂઝ@નવી દિલ્હી
ભારતીય સંસ્કૃતિમાં પરિણીત મહિલાઓ માટે વ્રત અને ઉપવાસનું વિશેષ મહત્વ છે, જેમાં ‘વટ સાવિત્રી વ્રત’ અત્યંત પવિત્ર અને ફળદાયી માનવામાં આવે છે. હિંદુ પંચાંગ અનુસાર, આવતીકાલે ૨૭ જૂન, શનિવારના રોજ (જેઠ સુદ તેરસ) આ વર્ષના વટ સાવિત્રી વ્રતનો મંગળ પ્રારંભ થઈ રહ્યો છે. આ વ્રત મુખ્યત્વે પરિણીત મહિલાઓ પોતાના પતિના દીર્ઘ આયુષ્ય, ઉત્તમ આરોગ્ય, સુખ-સમૃદ્ધિ તથા પરિવારના કલ્યાણ અને ઉન્નતિ માટે શ્રદ્ધાપૂર્વક રાખે છે. જાણીતા જ્યોતિષાચાર્ય આશિષ સવલના જણાવ્યા અનુસાર, સનાતન ધર્મમાં વટવૃક્ષને દીર્ઘાયુ, અમરત્વ અને સ્થિરતાનું પ્રતીક માનવામાં આવે છે. વ્રત દરમિયાન મહિલાઓ સૌળ શણગાર સજીને વડના વૃક્ષની વિધિવત પૂજા-અર્ચના કરે છે. મહિલાઓ વડની આસપાસ પ્રદક્ષિણા કરે છે અને તેના પર કાચા સૂતરની દોરી વીંટાળીને પોતાના અખંડ સૌભાગ્ય અને સુખી દાંપત્ય જીવન માટે પ્રાર્થના કરે છે.
પરંપરા અનુસાર, પ્રદક્ષિણા દરમિયાન વડદાદાને રેવડી, સિંગદાણા, બદામ, કાજુ અને અન્ય ખાસ પ્રસાદ અર્પણ કરવામાં આવે છે. શાસ્ત્રોમાં વર્ણવાયેલી સાવિત્રી અને સત્યવાનની પૌરાણિક કથા આ વ્રતનું મુખ્ય આધારસ્થાન છે. કથા અનુસાર, સાવિત્રીદેવી પોતાના કઠોર પતિવ્રતા ધર્મ, બુદ્ધિચાતુર્ય અને ભક્તિના બળે પોતાના પતિ સત્યવાનના પ્રાણ ખુદ યમરાજ પાસેથી પણ પાછા લાવવામાં સફળ થયા હતા. આ ચમત્કાર વડના વૃક્ષની નીચે જ થયો હોવાથી, ત્યારથી વટવૃક્ષની પૂજા કરવાની પ્રથા શરૂ થઈ છે. વટ સાવિત્રી વ્રત માત્ર ગુજરાત જ નહીં, પરંતુ રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, બિહાર અને હરિયાણા સહિતના વિવિધ રાજ્યોમાં ભારે શ્રદ્ધા અને ઉત્સાહ સાથે ઉજવાય છે. વ્રતના દિવસે દરમિયાન સ્થાનિક મંદિરે અને વટવૃક્ષોની આસપાસ વ્રતધારી મહિલાઓની ભારે ભીડ અને ભક્તિમય માહોલ જોવા મળે છે.
આ દિવસે કઈ આરાધના કરવી વિશેષ ફળદાયી?
વટ સાવિત્રી વ્રત દરમિયાન માત્ર વડની પૂજા જ નહીં, પરંતુ આધ્યાત્મિક સાધના પણ ખૂબ મહત્વ ધરાવે છે:
-
આ દિવસે વટ સાવિત્રી વ્રતકથાનું શ્રવણ કે પઠન કરવું અનિવાર્ય માનવામાં આવે છે.
-
ભગવાન વિષ્ણુના આશીર્વાદ મેળવવા માટે વિષ્ણુ સહસ્ત્રનામનો પાઠ કરવા.
-
આ સાથે જ ભગવાન શિવ અને માતા પાર્વતીની વિશેષ પૂજા-અર્ચના કરવાથી ઘરમાં સુખ-શાંતિ આવે છે.