Loading Please Wait !!!
ગાંધીનગર અદાલતનો સીમાચિહ્નરૂપ ચુકાદો: ડિજિટલ ડેટા હવે ‘વારસાગત મિલકત’ ગણાશે

  • મૃતકનો આઈફોન અને આઈક્લાઉડ એકાઉન્ટ મેળવવા વારસદારોનો કાનૂની હક્ક; એપલને આદેશ
  • એપલ’ કંપનીની દલીલો ફગાવી; ફેમિલી ફોટો અને દસ્તાવેજો રિકવર કરવા કોર્ટની લીલીઝંડી
  • એડવોકેટ જીત ભટ્ટની દલીલો ગ્રાહ્ય; મૃતકની પુત્રીને ‘લેટર્સ ઓફ એડમિનિસ્ટ્રેશન’ મંજૂર'

સિટી ન્યુઝ @ ગાંધીનગર

ટેકનોલોજીના આધુનિક યુગમાં વ્યક્તિના મૃત્યુ બાદ તેની ભૌતિક સંપત્તિના વારસા વિશે તો આપણે સૌ જાણીએ છીએ, પરંતુ તેના ડિજિટલ ડેટાના માલિકી હક્ક અંગે ગાંધીનગરની અદાલતે એક અત્યંત પ્રગતિશીલ અને સીમાચિહ્નરૂપ ચુકાદો આપ્યો છે. અદાલતે સ્પષ્ટ કર્યું છે કે મૃતક વ્યક્તિનો આઈફોન, એપલ આઈડી અને આઈક્લાઉડ એકાઉન્ટમાં રહેલો ડેટા એ તેમની ‘વારસાગત એસ્ટેટ’નો જ ભાગ છે. આ નિર્ણય સાથે હવે કાનૂની વારસદારો ડિજિટલ અસ્કયામતો પર પોતાનો હક્ક દાવો કરી શકશે.

સમગ્ર મામલાની વિગત મુજબ, એક વ્યક્તિના અવસાન બાદ તેમના પરિવારને આઈફોન અને આઈક્લાઉડમાં સંગ્રહિત ફેમિલી ફોટોગ્રાફ્સ અને મહત્વના દસ્તાવેજોની જરૂરિયાત હતી. ટેક જાયન્ટ 'એપલ' કંપનીએ પ્રાઇવસી પોલિસી ટાંકીને ડેટા આપવાનો ઇનકાર કર્યો હતો. આખરે પરિવારે એડવોકેટ જીત જે. ભટ્ટ મારફતે 'ઈન્ડિયન સક્સેશન એક્ટ' હેઠળ કોર્ટમાં અરજી કરી હતી. એડવોકેટે દલીલ કરી હતી કે ડિજિટલ એસેટ્સનું સંચાલન પરિવાર માટે માત્ર આર્થિક જ નહીં, પરંતુ ભાવનાત્મક રીતે પણ અનિવાર્ય છે.

અદાલતે આ કેસમાં ‘મિલકત’ની વ્યાખ્યાને વ્યાપક બનાવતા નોંધ્યું કે, ડિજિટલ ડેટામાં માલિકી હક્ક અને મૂલ્ય જેવા મિલકતના તમામ મૂળભૂત તત્વો રહેલા છે. કોર્ટે મહત્વનું અવલોકન કર્યું કે, વ્યક્તિગત પ્રાઇવસીનો અધિકાર વ્યક્તિના મૃત્યુ સાથે સમાપ્ત થાય છે અને તે તેના કાનૂની વારસદારોને ડેટા ઍક્સેસ કરતા રોકી શકે નહીં. આજના સમયમાં વ્યક્તિનું જીવન ડિજિટલ ઇકોસિસ્ટમ સાથે અતૂટ રીતે જોડાયેલું હોવાથી તેને વારસાગત સંપત્તિ ગણવી અનિવાર્ય છે.

ઐતિહાસિક ચુકાદો આપતા અદાલતે એપલ કંપનીને આદેશ આપ્યો છે કે તેઓ વારસદારોને ડેટા રિકવરીમાં જરૂરી તમામ ટેકનિકલ સહાય પૂરી પાડે. કોર્ટે મૃતકની પુત્રીને ‘લેટર્સ ઓફ એડમિનિસ્ટ્રેશન’ મંજૂર કર્યા છે. આ નિર્ણયથી ભવિષ્યમાં સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ, ઈ-મેઈલ્સ અને ક્રિપ્ટોકરન્સી જેવા ‘ડિજિટલ એસ્ટેટ’ના કેસોમાં એક નવી કાનૂની દિશા મળશે અને ટેક કંપનીઓની મનસ્વી નીતિઓ પર અંકુશ આવશે.

અદાલતે ડિજિટલ પર્સનલ ડેટા પ્રોટેક્શન એક્ટ, 2023 ની જોગવાઈઓ પર પણ ભાર મૂક્યો હતો. કોર્ટે જણાવ્યું કે જો મૃતક વ્યક્તિએ કોઈ નોમિનીની નિમણૂક ન કરી હોય, તો પણ તેના ડિજિટલ ડેટાના સંચાલનનો અધિકાર કાનૂની વારસદારોને જ મળે છે. આ ચુકાદો સાબિત કરે છે કે બદલાતા સમય સાથે કાયદો પણ ડિજિટલ યુગના પડકારોને પહોંચી વળવા સજ્જ થઈ રહ્યો છે, જેનાથી સામાન્ય નાગરિકોના ડિજિટલ વારસાના હિતોનું રક્ષણ થશે.